વ્હાલનો દરિયો

વ્હાલનો દરિયો

આનંદ અને ઉલ્લાસની જે છોળો લગ્ન મંડપમાં ઉડતી હતી તે એક પળમાં કરુણામાં ફેરવાઈ ગઈ. મોપીતાને ઘરના મંદિરે દર્શન કરવા લઇ ગયા. વિદાઈ લેતા પહેલા મન ભરીને મોપીતાએ ઘરમાં બધી બાજુ જોયું. એની નજર બધે ફરવા લાગી. જેમ જેમ નજર ફરે છે તેમ તેમ આંખોમાં પાણી છલકાવા માટે આગળ આવે છે.
આજે જ એના બનેલા પતિએ જોયું કે હજી તો એને ઘણું બધું રડવાનું છે. તો જે થોડી રાહત મળે તે એમ માનીને એને મોપીતાને બોલાવી.
“ મોપી … ” કહીને તેને એનો હાથ પોતાના હાથમાં લઈને ઉષ્મા આપી. આથી આંખમાંથી બહાર આવતા આંસુઓ પાછા ધકેલાઈ ગયા. હૈયાને મજબૂત બનાવતી મોપીતા, છેડાછેડીનાં બંધને અનુસરવા લાગી. જેવો એને ઘરના ઉબરાથી બહાર એક પગ મુક્યો કે મજબુતીનાં બધાં બંધ તૂટી ગયા. એક ડુસકા સાથે તે રડી પડી.
“ હેય … તું તો ભણેલી અને સમજુ છે…કાલે તો આપણે અહીંયા પાછા આવવાના છીએ ” પતિદેવે વળી આશ્વાશન આપ્યું કે મોપીતા આંસુને વહેવા દઈને જ શાંત બની ગઈ.
જે માંબાપે પોતાને ઉછેરીને મોટી કરેલી, જે દાદા દાદીએ તેને તેડીને વ્હાલ આપેલું, જે કાકા કાકી એ હેતનાં ઉભરાઓથી નવાજેલી તે બધાની વસમી વિદાઈ લીધી. બધાએ માથે હાથ મૂકીને આશીર્વાદ આપીને દિલના ખૂણે છુપાયેલ વીરડી ઉલેચી. પોતાની પ્યારી સખીઓએ પણ ગળે લાગાડીને વિદાઈને શોભાવી. સગા સ્નેહીઓ પણ દીકરીને વિદાઈ આપીને રડી રહ્યાં છે. મોપીતાની આંખોમાં આંસુ છે છતાં એમાં એક તસ્વીર હજી દેખાતી નથી. એની બાજુમાં એની મમ્મી આંસુ વહાવતી મોપીતા સામે જોઈ રહી છે. જતનથી સાચવેલો દિલનો ટુકડો આજે વિદાઈ લઇ રહ્યો છે. મોપીતાએ ધીરેથી પોતાની મમ્મીના કાનમાં રડતા રડતા કહ્યું “ ભઇલો ક્યાં ? મારો ભાઈ દીપુ ક્યાં ? ”
“ એ તો ઘરમાં લપાઈને બેસી ગયો છે. પપ્પાએ એને બહુ મનાવ્યો પણ કહે છે કે દીદી ભલે જતી… એ તો નાસમજ છે તને ક્યાં નથી ખબર ? ”
“ પણ મને એ મળવા પણ… ” ને તે ચોધાર આંસુએ રડવા લાગી.
“ તને તો ખબર છે કે આજ સુધી તું એને મૂકીને ક્યાંય નથી ગઈ…આજે તો તું… ” એની મમ્મી પણ આગળ ના બોલી શકી.
એક અફસોસનો ઉભરો લઈને તે વિદાઈ લઈને કારમાં બેસી ગઈ. કારમાં તો એની સાથે એનો પતિ હતો. એની નણંદ હતી. બધા વાતોમાં વળગી ગયા. મોપીતા એમની સાથે વાત કરે છે પણ એનો જીવ હજી એના ભાઈનાં વિચારમાં છે. મોપીતાના દેહને કાર આગળ ને આગળ લઇ જઈ રહી છે પણ એનું મન તો પાછળ જ ધકેલાતું જાય છે.
નવા ઘરમાં મોપીતાનું ઉષ્મા સભર સ્વાગત થયું. ધાર્મિક અને સામાજિક વિધિઓ બાદ બંને એ બધાનાં ફરી આશીર્વાદ લીધાં અને સંસાર સાગરમાં ઝુકાવ્યું.
સવારે ઉઠીને સવારની ક્રિયાઓ પતાવીને મોપીતાએ ભગવાનને પોતાને મજબૂત અને શશક્ત થવા માટેની શક્તિ અને શહન શક્તિ માંગી. જેવી તે કિચનમાં ગઈ તો એના સાસુજીએ એક ખુરશીમાં બેસાડી દીધી.
“ જલ્દીથી ચા નાસ્તો પતાવો અને નીકળો; ડ્રાઈવર પણ આવી ગયો છે ”
“ હું સવારમાં નાસ્તો નથી કરતી ખાલી ચા પી લવ છું ”
“ અરે નાસ્તો કરી લે બેટા , ઘરે જતા બે એક કલાક થઇ જશે ”
એની સાસુએ પરાણે નાસ્તો કરાવ્યો. મોપીતા તો ખુશખુશાલ છે. કાલે વિદાઇ લઈને આવી ત્યારે જેટલી તે ઉદાસ અને કરુણ હતી એનાથી બમણી આજે ઉત્સાહ અને ખુશીના આવેગમાં છે. પોતાનું ઘર દેખાતા તો એના હૈયામાં જે ઊર્મિઓ ઉમટી તે અકલ્પિત હતી. હરખમાં ને હરખમાં પોતાનું પર્સ પણ ગાડીમાં છોડીને તે ઘરમાં દોડી ગઈ. એના મમ્મી પપ્પા તો રાહ જોઈને જ બેઠા હતાં. દોડીને તે બેઉને ભેટી પડી. એમને ભેટતાં એની નજર પોતાનાં ભાઈ દીપુ પર પડી. મોપીતાએ બેઉ હાથ લાંબા કરીને એને બોલાવ્યો.
“ જા.. જીજાજી તમે ચાલો મારી સાથે મારા રૂમમાં એને નથી આવવા દેવી ” એમ બોલીને તે પોતાનાં જીજુને હાથ પકડીને પોતાનાં રૂમમાં લઇ ગયો.
એક લાચાર નજર એણે પોતાની મમ્મી સામે કરી. એની મમ્મીએ ઇશારાથી રૂમમાં જવા કહ્યું. ધીરે પગલે તેણે જઈને પર્સમાંથી ચોકલેટ કાઢી. એક હાથે પાછળ ચોકલેટ દબાવીને તે ધીરે ધીરે રૂમમાં આવી. ભાઈ પણ એની રાહ જોઈને અવળે મોઢે ઉભો છે. ઉતાવળે તે ભાઈને ભેટી પડી “ મને માફ નહિ કરે ભઈલા ? ” અને તે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી.
“ તું રડ ને, એમ હું નહિ માનું; આવી તે બહુ ” તે પણ રડવા લાગ્યો
એના જીજાજીએ આ દ્રશ્ય જોયું કે એમની આંખોમાં પણ જળજળીયા આવી ગયા. ઘરની દીવાલો ને છત પણ નિતરવા લાગી.
“ મોપી દીપુની ચોકલેટ તો આપી દે ”
એક હાથે ભાઈના આંસુ સાફ કરતા તેને ચોકલેટ આપી
“ આવડી મોટી ચોકલેટ મારી એકની ? તને નહિ આપું હો , જીજુ નેય નહિ ” ચોકલેટ લઈને તે ભાગી ગયો.
ત્યાર બાદ માંએ દીકરી અને જમાઈ સાથે ભરપેટ વાતો કરી. પપ્પા તો બિચારા ગમ અને દુઃખનું પોટલું બગલમાં દબાવતાં બધાં સાથે હાજરી પુરાવી રહ્યાં.
થોડી વાર થઈ કે દીપુ આવ્યો
“ હું નહોતી કહેતી…જા હવે એની સાથે ” એની મમ્મીએ લાડમાં કહ્યું.
મોપીતા ભાઈ સાથે ગઈ, એના ખભે હાથ મુક્યો તો જાણે ફરી એ નાની બાળા બની ગઈ.
“ દીદી એક મિનિટ અહીં બેસ હું આવ્યો ” બેનને બેડ પર બેસાડીને દીપુ સ્ટોર રૂમમાં ગયો. અને એક પોટલી લઈને તે આવ્યો. ” મને મારે નહિ તો એક વાત કહું ? ” એક ઓશિયાળા ભાઈએ બેન સામે પ્રસ્તાવ રાખ્યો.
“ નહિ મારું, તું તો મારો ડાહ્યો ભાઈ છે તને શું કામ મારવો જોઈએ ! ”
“ હાઈશ…દીદી એક દિવસ મેં આ તારા ઢીંગલી, એના કપડાં ને વાસણ બધું સંતાડી દીધેલું. લે આ બધું; હવે હું કોઈ દિવસ તારી કોઈ વસ્તુ નહિ સંતાડું પણ હવે મને છોડીને ના જતી હો ” દીપુનો દયામણો ભાવુક અને ભોળો ચહેરો જોઈને બેની તો એને ભેટી પડી. અને વીરડામાં હતું એટલું બધું પાણી ઉલેચી નાખ્યું.
“ ભઈલું….દીપુ…. મને માફ કરી દે ” એનો રડવાનો અવાજ સાંભળીને બધાં દોડી આવ્યા.
“ બેટા, વિદાઈ વખતે મેં તને કહેલું ને કે ભાઈ હજી નાદાન છે !
બધાએ બેઉ ભાઈ બહેનને છાના રાખ્યા.
બપોરનું જમીને બેઉ ફરી જવા માટે નીકળ્યા. આ વખતે તો દીપુ પણ બેનનો ડ્રેસ પકડીને બાજુમાં ઉભો છે. પતિદેવે એકવાર મોપીતા સામે જોયું અને ઇશારાથી ના રડવા માટે વિનવ્યું. તો મોપીતાએ પણ હકારમાં ધરપત આપી.
“ દીદી આ વખતે આનાથી પણ મોટી ચોકલેટ લાવશે ને ? ના ના તું ના લાવતી. આવખતે જીજુને ખર્ચો કરવા દેજે ”
“ દીપુ..હવેથી હું તારા માટે ચોકલેટ લાવીશ દીદીને સ્માઈલ આપીને બાય કહી દે જો ! ”
બાય બોલીને તે દીદી સામે એકીટશે જોઈ રહ્યો
માંબાપે આશિષ આપ્યા ને ભાઈએ હેત ! જતાં જતાં મોપીતા બોલી
“ મમ્મી, આપણે દીકરીઓ ને તો દરેક બીબામાં ઢળી જવાનું કેમ ? આવજે અને તારી તબિયત સાચવજે ” કહીને તે બેસી ગઈ. એની મમ્મી એ તો બે આંસુ સાર્યા, એજ દિકરીનાં પ્રશ્નનો જવાબ હતો.
Advertisements
Posted in પ્રકીર્ણ | 4 ટિપ્પણીઓ

ઘમ્મર વલોણું-૪૮

ઘમ્મર વલોણું-૪૮

ક્યારેક તો મન કંટાળે પણ ખરું ! કંટાળો આવવો એ મગજની એક ફાલતુ પેદાશ છે. જોકે સામાન્ય માણસ માટે એ પેદાશની ઉપજ આવી જાય ખરી ! હું પણ એવોજ સામાન્ય માણસ છું. કંટાળો આવ્યો કે મંદિરે ઉપડ્યો. બે હાથ જોડીને આંખો બંધ કરી દેવાથી શરમનું આવરણ ઘટી જાય છે !

આંખો બંધ કરીને હરિ સાથે એકમય થવા મનને એકાગ્ર કરવા જાઉં છું કે મારું ધ્યાન તૂટી ગયું ને કાન સતેજ બની ગયા, કારણ એ ભેદી અવાજ ને લઈને.

“ વત્સ, કંઈ પણ આજે ફરિયાદ કરે તે પહેલા મારે તને કશુંક કહેવું છે”

“ ભગવંત હું તો…. ”

” વાત નહિ સાંભળે મારી ? ” હું એકદમ ચૂપ બની ગયો. મારા બંને હાથ અનાયાસે એમની માફી માંગવા લાગ્યા કે વળી ફરી તેઓ બોલવા લાગ્યા.

“ કંટાળો તો એ લોકોને આવે જેમનું મન એકદમ નવરું બની જાય. કામમાં રચેલો પચેલો માણસ તો ખુદને પણ ભૂલી જાય તો કંટાળા ને તો કેમ કરી અહેસાસે ! આજે મારે તને એવા તર્ક વિતર્કમાં નથી પાડવો; પણ થોડુંક કહેવું છે. આ ધરતીને મેં અલગ અલગ હિસ્સમાં વહેંચી દીધી છે. ક્યાંક રેતી છે તો ક્યાંક માટી છે. ક્યાંક પથ્થર છે તો ક્યાંક બરફ છે. ક્યાંક ખીણો છે તો ક્યાંક પર્વતો છે. ક્યાંક નદી છે તો ક્યાંક સાગર લહેરાય છે. ક્યાંક વેરાન રણ છે તો ક્યાંક વનરાઈઓ લહેરાય છે. તને એવું લાગતું હશે કે, એ મારા મનને ખુશ રાખવા કર્યું છે. જે ગણે તે, પણ આખી સૃષ્ટિમાં એક નજર કરી લે. તારું મન કે દિલ કોઈ જગ્યાએ નાખુશ નહિ થાય. મનને પ્રફુલ્લિત કરવા લીલી કુંજાર ને વનરાઈઓ આપી છે. દિલ ડોલાવવા ફૂલોનું સર્જન કરી આપ્યું. ને એમાં રૂડી અનેરી જાત જાતની સોડમ પણ ભરી આપી. મનગમતા અને ભાત ભાતનાં રંગો ને ફૂલોમાં અને પક્ષીઓની પાંખે સમાવી દીધા છે. ખાવા માટે અનેરા પાકો અને ફળો આપ્યા. મનોરંજન માટે પક્ષીના ડોકે મધુર સંગીત આપ્યું.

તમને ખુશ રાખવા માટે; કોઈ પણ ઝાડવે કે છોડવે કોઈ ને કોઈ જાતનું ફૂલ ખીલવી આપ્યું. તો એજ ફૂલોનો તમે હાર બનાવીને મને ખુશ કરવા આવો છો. મેં તમને આ બધું આપ્યું, એના બદલામાં મેં તો કશું માંગ્યું નથી. જયારે તમે મારા આપેલા ફૂલો, મને અર્પણ કરીને કશુંક માંગવા આવો છો ”

“ ભગવંત, તમારી સામે બોલવાની મારી શી વિસાત ! પણ મને તો એજ જ્ઞાન મળ્યું છે કે ભીડ પડી કે ભાગો ભગવાન પાસે ! ” હજી કશું બોલું ત્યાંતો ભગવાનની મૂર્તિ; નિર્જીવ બનીને મારી હાંસી ઉડાવવા લાગી.

Posted in પ્રકીર્ણ | Leave a comment

કાના

કાના

ઝરમર વરસાદ વરસતો હતો. ક્યાંક ક્યાંક પાણીના ખાબોચિયા ભરાયેલા દેખાય છે. જાડવા પણ પલળીને શરદી થઇ હોય તેમ પવન આવે ત્યારે પાણી ઉડાડે છે. સૂર્ય દેવતાની હાજરી હોવા છતાં એને વાદળોએ ઢાંકી દીધો છે. કલબલ કરતી ચકલીઓ પણ ઓથ લઈને ચૂપ થઇ ગઈ છે. 
તળાવની પાળે પણ માણસોની અવર જવર ઘટી ગઈ છે. લીલુ ઘાસ ઉગીને હવે તળાવની પાળની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યું છે. સાંજ પડવાને હજી વાર હોય એવું લાગી રહ્યું છે.એ એટલે લાગી રહ્યું છે કે; પાળે આઠ દશ છોકારાનું જૂથ આજે કોઈ પણ જાતના રીડિયા રમણ કર્યા વગર વાતોમાં મશ્ગુલ છે.
“ આ જન્માષ્ટમીના મેળાની વાતમાં આ નવી કીવીઝ કીવીઝનું શું છે બધું ? ” વજો અકળાવા માંડ્યો.
“ વજા એમ તું ઢીલો ના પડ હું છું ને ” મેં એને શાંત પાડ્યો.
“ વાત તો આપણે ભગવાન કૃષ્ણની જ કરવાની છે ” બોલીને ધીરાએ પણ એને સાંત્વના આપી.
“ વજા આપણે મેળામાં તો જવાનું જ છે. આજે ખાલી આપણે બધા શ્રી કૃષ્ણ વિષે કશુંક બોલીશું ” ટીનાએ કહ્યું કે વજો ફોર્મમાં આવી ગયો.
“ હા તો મારે શું બોલવાનું છે ? ”
“ તારે કૃષ્ણ વિષે જે કહેવું હોય તે કહે ”
“ હા…ભગવાને મારા જેવા ભૂલકા સાથે ગાયો ચરાવી હતી. અને મોરલી વગાડીને અમને તો ઠીક બધા પ્રાણીઓને પણ ઘેલા કરી દીધેલા. ” વજે જાણે પોતે પણ ગોવાળિયો હોય તેમ કહ્યું.
“ વાહ એ હુઈ ને બાત ” મેં એના વખાણ કર્યા કે, હોંશ માં ને હોંશમાં તે દોડીને લીમડાની ડાળે હિંચકા ખાવા લાગ્યો. હકો એને લઇ આવ્યો.
“ મને એમની એક વાત પર થોડી ચીડ છે ” બોલીને દિલો રિસાયો હોય તેમ કરવા લાગ્યો.
“ બોલતો કેમ બંધ થઇ ગયો દિલીયા ? ” મનિયાએ એને ઉશ્કેર્યો
“ એજ કે નિર્દોષ ન્હાતી ગોપીઓના ચીરહરણ ! ”
“ આપણે બધા કોઈ મોટા વિદ્વાનો નથી, અમુક લોકોએ એ વાતનો રોષ પ્રગટ કરેલો છે. પણ મારું એ કહેવું છે કે કોર્ટમાં આરોપીને ક્યાં પુસ્તક પર હાથ રાખીને સોગંદ ખવરાવે છે ? ” વિનાએ કૃષ્ણનો પક્ષ લીધો. જો કે અમે બધા કૃષ્ણ પક્ષમાં જ હતાં.
“ ગીતાના જ તો ને વળી ” હકાએ જવાબ આપ્યો.
“ તો એ ગીતા જેવા ધાર્મિક પુસ્તકનાં લેખક તો એજ હતા ને ? ” જીલાએ ઉમેર્યું.
“ હા હો એ વાત સાચી, કોર્ટમાં રામાયણ કે ભાગવત જેવા એકેયે ધર્મ ગ્રન્થના સોગંદ નથી લેવડાવતાં. ” અશ્કાએ પણ ટાપશી પુરી.
“ અલ્યા ડફોરો, આમાં કીવીઝ જેવું શું છે ? ”
“ કીવીઝ નહિ કવીઝ વજા ”
“ હા એજ નરીયા; કંઈક આગળ બોલશો કે ! ”
“ એક કામ કરીએ, વારા ફરતી બધા શ્રી કૃષ્ણ વિષે બોલીયે ” અત્યાર સુધી શાંત બેઠેલ ધમાએ કહ્યું.
અને અમે બધાએ પ્રસ્તાવને વધાવી લીધો. મિત્રો અમારી ટીખળ ટોળીની આ એક આગવી વિશેષતા કે; કોઈ પણ પ્રસ્તાવ મૂકે, વધાવી લેવાનો બધાએ.
“ રીત્યા, સૌથી પહેલા તું કાંઈ કહે, મોટો લેખક છે તો ! ” ધીરાએ ગાડી મારી બાજુ વળાવી દીધી. એટલે મેં પણ માન માંગ્યા વગર કહ્યું.
“ શ્રી કૃષ્ણ ભગવાનની વાતો એટલી છે; અને એટલી જ ગહન છે….ઓ ઓ કોઈ મારી બાજુ એવી રીતે ના જુઓ. થોડું થોડું બધાએ બોલવાનું છે. હું એ કહેતો હતો કે શ્રી કૃષ્ણએ જરૂર પડી ત્યાં ચૂપ રહ્યાં છે, જરૂર પડી ત્યાં બોલ્યા છે. સલાહ આપી છે, ઉશ્કેર્યા પણ છે, શાંત પણ રાખ્યા છે અને જરૂર પડી ત્યારે શસ્ત્રો પણ ઉપાડ્યા છે. નથી એમને એ જોયું કે સામે વાળો મારો સગો છે કે દુશ્મન છે. ધર્મ અને ન્યાયની રક્ષા કાજે એણે પોતાનું જીવન અર્પણ કરી દીધું એમ કહું તો પણ ખોટું નથી કેમ ? ”
“ હા હો ” બધાએ ટેકો આપ્યો. મેં હકા બાજુ આંગળી ચીંધી. એમાં બે ત્રણ મિત્રોએ મારા પર પક્ષપાત કરાયાના આરોપ રૂપે નજર કરી.
“ હું તો શું કહી શકું, પણ એટલું તો કહું કે, એમની અને સુદામાની દોસ્તી મારી ને રીતુ જેવી સ્ટ્રોંગ ! ”
“ બાળપણમાં વાનરવેડા, યુવાનીમાં ખટપટવેડા અને જા’તી જિંદગીએ શાણપણ વેડા ! ” મનીયો એમ બોલ્યો એમાં દિલો અને ધમો થોડા ક્રોધાવેશમાં આવ્યા. પણ જીલાએ એમને ચૂપ રહેવા કહ્યું. જોકે મનિયા એ જે કહ્યું એમાં અમારામાં કોઈનેય બહુ ટપ્પા નહોતા પડયા.
” એમની અર્જુન અને દ્રૌપદી પરની વિશેષ લાગણી તો ખરી ! ”
“ અને હાં મનેય બીજી વાત યાદ આવી …દર જન્માષ્ટમીએ બધા ખાલી શ્રી કૃષ્ણનીજ પૂજા આરતી કરે છે ” વજાએ પોતાનો વારો ના હોવા છતાં કહ્યું. એક બે હસવા જતાં હતાં પણ મેં અને ટીનાએ એમને ચૂપ રહેવા કહ્યું.
“ એમણે એ શીખવ્યું કે જરૂર પડે ત્યાં અસત્યનો આશરો લઇ શકાય કે જેમાં ધર્મ અને ન્યાયને રક્ષણ મળતું હોય ”
“ કુરૂક્ષેત્રની લડાઈ વખતે એમને હથિયાર નહિ ઉપાડવાની પ્રતિજ્ઞા કરેલી તેમાં છતાં પણ એમને રથનું પૈડું લઈને ભીષ્મ સામે પોતાનો રોષ પ્રગટ કરેલો તે લાજવાબ કે નહિ ? ”
“ હા જ તો અને ભીષ્મએ જયારે એમ કહ્યું કે પ્રતિજ્ઞા તોડી ત્યારે એમનો સ્વબચાવ પણ જોરદાર હતો કે, રથનું પૈડ કોઈ હથિયારમાં ના આવે ”
“ એમની એ વાત કેમ કરીને વિસરાય કે, એકવાર જે સ્થળ છોડ્યું ત્યાં ફરી બીજી વાર ના ગયા. પછી ભલે એ બચપણનું ગોકુલ, મથુરા કે વૃંદાવન હોય ! ”
“ બીજું બધું તો ઠીક પણ જગતનાં પહેલા જાદુગર તો મેં એમને જ જોયા ! ” નરીયાએ કહ્યું કે બધા એકબીજા સામે જોવા લાગ્યા.
જાદુગર ! અને શ્રી કૃષ્ણ ?  
“ નરીયા, એને થોડું ડિટેલમાં કહી દે ને ” અશ્કાએ વચ્ચે ડાકલી વગાડી.
“ ના ના તને વળી બહુ ખબર હોય તો તુંજ કહી દે ને ? ” ધમાએ ધુમાડા કાઢ્યા કે બે જણાએ એને શાંત પાડ્યો.
“ હા જાદુગર, યાદ છે એમનું નામ કેમ રણછોડ પડ્યું તે ? જવા દો, કાલયવન નામનો રાક્ષશ એમની સાથે યુદ્ધ કરવા આવ્યો, એને મારવા માટે તેઓ ઘડીક દેખાય ને ઘડીક અલોપ ! તો એને જાદુગર નહિ તો બીજું શું કહેવાય ? જોકે વાત ઘણી લાંબી છે બે ત્રણ એપિસોડની ” નરીયાએ ડિટેલમાં કહ્યું. બધાં હસ્યાં.
“ એક આડ વાત કહું છું, મને એ લોકો ઉપર જબરો ગુસ્સો આવે છે જે જાણ્યા વગર કોઈ પણ પોસ્ટ ને વોટ્સ એપ કે ફેસબુક પર લગાડી દે છે ” દલો એકદમ આવેશમાં આવી ગયો. બધાએ એને પકડી રાખ્યો. થોડી વાર પછી એ શાંત તો પડી ગયો પણ ઉઠીને એ મોટાં મોટાં ઢેખાળા તળાવમાં નાખવા લાગ્યો.
“ અરે દલા, તારી હૈયા વરાળ પહેલા કાઢ, અને આમ તળાવમાં ઢેખાળા નાખવાથી તો તળાવ બુરાઈ જશે. પછી આપણે નહાશું ક્યાં ? નાહવાનું નામ આવ્યું એટલે એ એકદમ ચૂપ થઈને બેસી ગયો.
“ મારા ભાઈબંધ દલા…હવે એ કહે કે તું શું કામ આટલો બધો અકળાઈ ગયો ? ”
“ કોઈએ લખેલું કે, જેનો જેલમાં જન્મ, સગા મામાને માર્યો, ગોપીઓના કપડાં ચોરીને ઝાડ પર ચડી જાય. નાગદેવતાને માર્યો…તોયે લોકો એમની પૂજા કરે ! “
“ એની તો…..એ જેલમાં જનમવા નહોતા ગયા. મામો ? અરે એવા મામાને તો એક સેકન્ડેય જીવતો ના છોડાય જે સગા બેન બનેવીને જેલમાં પુરી રાખે. અને એ કાળીયો નાગ ? એ થોડો નાગદેવતા હતો. લોકોનું અને પ્રાણીઓનું ભક્ષણ કરતો, તોય એને જીવતો જવા દીધેલો… ” જીગાએ પણ બાકીનો ધુમાડો કાઢ્યો.
“ એવા મેસેજ કરે એમને જાહેરમાં ફાંસી દેવી જોઈએ ”
“ હમ અને એ માટે કોર્ટમાં તો ગીતાની જ સોગંદ ખવરાવે ”
બધા પોત પોતાની રીતે બોલતાં હતાં કે દૂરથી નરિયાના બાપાનો અવાજ આવ્યો  “ નરુ બેટા… ” ત્યાંતો નરીયો ચપ્પલ પણ ભૂલીને ભાગવા લાગ્યો. પાછળથી જીલાએ એના બેય ચપ્પલનો ઘા કર્યો.
પછી એ કહેવાની જરૂર છે કે અમે પણ બધાં ઘરે જતાં રહયા હઈશું ?

શ્રી કૃષ્ણ કનૈયા લાલકી જય !

Posted in પ્રકીર્ણ | Leave a comment

ચોઈસ

ચોઈસ

“ મેં તમને એકદમ ગુજરાતી ભાષામાં સમજાય તે રીતે જણાવી દીધેલું કે, મારે એ છોકરા સાથે સગાઇ નથી કરવી. છતાં પણ કેમ તમે એને આપણા ઘરે બોલાવ્યો ? ” રુક્ષ શબ્દોમાં નિયતિ પોતાની મમ્મીને બોલવા લાગી.
“ હા, તેં અમને કહેલું છે પણ તારે મેરેજ તો કરવા જ પડશે ને ? ”  નિયતિના ખભા પર હાથ રાખીને તેની મમ્મીએ કહ્યું. “ મેરેજ કરવા માટે તો હું તૈયાર થઇ ગઈ છું પણ….. ”
“ એજ ને કે તારે આર્મીમાં નોકરી કરતા છોકરા સાથે મેરેજ નથી કરવા ? ”
“ બિલકુલ…આઈ ડોન્ટ લાઈક ” નાકનું ટેરવું ચડાવતા નિયતિ બોલીને પોતાનાં રૂમમાં જતી રહી. અને જતાં જતાં બોલી ” એ આવે તો ભલે આવે, હું નીચે જ નહિ આવું; કહી દવ છું હાં ”
નિયતિની મમ્મી બિચારી અફસોસના ઉભરા દબાવતી ચુપચાપ બેસી રહી.
નિયતિને જોવા માટે એક છોકરો રવિવારે આવવાનો હતો. જે આર્મીમાં ડેટા ઓપરેટરની નોકરી કરતો હતો. શરૂઆતની ટ્રેનિંગ પૂરું કરીને તેને પંજાબમાં શિફ્ટ કર્યો હતો. અને છેલ્લા બે વર્ષથી તે પંજાબમાં જ આર્મીમાં સેટલ થયેલો છે. ઘર આખું એ છોકરાને નિયતિ માટે પસંદ કરી ચૂક્યું છે. ખડતલ બાંધો, મધ્યમ વાન, પૂરતી હાઈટ અને દેખાવે પણ સારો. એના માટે એવું કહી શકાય કે, દેખાવે તે એકદમ હેન્ડસમ નહિ પણ કદરૂપો તો જરૂર ના કહી શકાય. સારી નોકરી, સારી આવક, સરકારી મકાન, ખાનદાનનું ગઠબંધન. પણ તેમ છતાં નિયતિ એમની એક પણ વાતને માન્યતા આપતી નહોતી. બીજા કોઈ પણ ઓછી આવકનાં છોકરા સાથે તે માની જશે પણ એ છોકરા સાથે તો નહિ જ.
બધા મનાવતા ત્યારે તે પોતાની ખાસ જીગરજાન સખીનો દાખલો આપતી. એની સખીના પિતા પણ આર્મીમાં હતા. એક વાર એક આતંકવાદીએ કરેલ હુમલામાં તેઓ શાહિદ થઇ ગયેલા અને એની સખી અનાથ બની ગયેલી. તો ઘરવાળા એને એમ કહીને મનાવવાની ટ્રાય કરેલી કે, તે છોકરો તો ઓફિસમાં કોપ્યુટરનું કામ કરે છે. એને કોઈ પણ જાતનું વૉર થાય તો લડવાનું નથી. એને તો ખાલી ઓફિસ વર્ક છે. એવા એવા કારણો આપીને મનાવી જોઈ; પણ તે એક ની બે ના થઇ. પણ જયારે એના નાના ભાઈએ એને એક જ વાર કહ્યું કે તે માની ગઈ. એટલા માટે તે માની ગઈ કે, તે પોતાનાં નાના ભાઈને ખુબ પ્રેમ કરતી હતી.
રવિવારે છોકરો જોવા આવ્યો અને હોંશે હોંશે નિયતિએ એ છોકરા સાથે સગાઇ કરવા માટે અનુમતિ આપી દીધી. ઘરનાં બધાં ખુબ ખુબ મંગલગાન ગાવા લાગ્યા. થોડા દિવસોમાં તો નિયતિ અને અમનની સગાઇ થઇ ગઈ. સગાઇની રજાઓ પતાવી ને અમને નિયતિ પાસે વિદાય માંગી
“ પ્રિયે, આપણે હવે જલ્દીથી મેરેજ કરી લેશું કે પછી એક બે વર્ષ પછી ? ”
“ અમન, મારી ઈચ્છા જાણવાની વાત હોય તો ઘડિયા લગન ”
અમને તો નિયતિની વાતને વધાવી લીધી. બેઉનો મેરેજ કરવાનો ટાઈમ હતો, તો મેરેજ પણ રંગે ચંગે થઇ ગયા. બેઉના પરિવાર સાથે બેઉના સગા સ્નેહીઓ અને મિત્રોએ લગ્ન પ્રસંગને હાજરી આપીને દીપાવ્યો; સાથે આશીર્વાદ આપીને બેઉને હનીમૂન ઉજવવા મુક્ત કર્યા. ઘરનાં સૌ લોકો ખુબ જ ખુશહાલ છે. સરકારી નોકરી કરતો જમાઈ મળ્યો. પોતાની દીકરીને કોઈ વાતની ચિંતા નહિ હોય. સરકારી ક્વાર્ટર અને ઘરકામ કરવા વાળો નોકર. સૌથી વધુ તો સરકારી સુરક્ષા. કોઈ પણ રીતે ગણે તો પોતાની દીકરી નિયતિ એક સુખી ઘરમાં ગઈ છે એનો સંતોષ માનીને ભગવાનનો પાડ માન્યો.
મેરેજની રજાઓ પતાવીને અમન તો ફરી નોકરીની ફરજ બજાવવા પંજાબ જતો રહ્યો. બે એક મહિના બાદ તો એની ટ્રાન્સફર જમ્મુમાં થઇ ગઈ. આથી નિયતિને પણ તે જમ્મુમાં જ લઇ ગયો.
“ નિયતિ, અહીંયા બધા પ્રદેશના લોકો રહે છે. હું માનુ છું કે તને થોડી અગવડ પડશે પણ મને વિશ્વાસ છે કે તને જલ્દીથી ફાવી જશે. ”
“ હું ભલે પહેલી વાર ગુજરાત બહાર રહેવા નીકળી હોય પણ; ફરેલી તો છું જ. અને બોર્ડર ફિલ્મ તો મેં બે વાર જોયેલી છે. ”
“ વાહ મારી વ્હાલી વ્હાલી…. ” બોલીને અમન, નિયતિને ઊંચકીને રુમમા લઇ ગયો.
નિયતિ તો હવે કોલોનીમાં બધા સાથે હળીમળી ગઈ છે. કોલનીમાં બીજા અમુક ગુજરાતી ફેમીલી પણ છે. આથી નિયતિને એમનો પણ સહકાર અને કંપની મળી રહે છે. દિવસોતો ઝડપી ટ્રેનની જેમ વહ્યે જાય છે. નિયતિને લગ્નના બે વર્ષ બાદ એક પુત્રનો જન્મ થયો. હવે તો પુત્ર પણ ધીમે ધીમે મોટો થવા લાગ્યો. વારાફરતી ઋતુઓ બદલાતી જાય છે. ઋતુઓ બદલાય તેમ  તેમ વર્ષ પાછળ ધકેલાતું જાય છે ને નવા વર્ષના આગમન માટે ઉત્સુકતા બતાવે છે.
અમન અને નિયતિનો પુત્ર હવે તો સાત આઠ વર્ષનો થઇ ગયો છે. જમ્મુના આર્મી કોલોનીમાં પણ તેઓ ફરી વાર રહેવા આવ્યા છે. પંજબમાં ચાર વર્ષ રહીને, અમનની ટ્રાન્સફર ફરી જમ્મુમાં જ થઇ. જમ્મુનું મનમોહક વાતાવરણ, પહાડીઓની વચ્ચે કોલોની. બધાને જમ્મુની કોલોનીમાં રહેવાની વધુ મજા આવતી હતી. ખાસ તો અમન માટે વધુ સરળ હતું, કેમ કે કોલોનીથી એમની ફરજ ચોકી વધુ દૂર નહોતી.
અમન, થોડા દિવસથી વેકેશન મનાવવા ઘરે આવ્યો હતો. તેને વેકેશન મનાવવાની બહુ ઈચ્છા નહિ હતી. હમણાં હમણાંથી આંતકીઓનો ત્રાસ વધતો જતો હતો. એના દિલમાં કાયમ આંતકીઓ માટે ઝેર રેડાયેલું રહેતું. એમને યાદ કરીને દાંત કચકચાવતો પણ શું કરે ? એકવાર પણ એના નસીબમાં એ લોકો સાથે મુઠભેડમાં સામેલ નથી થવાયું.
પોતાના દીકરાનો બર્થ ડે ઉજવવાના કોડ એના મનમાં જાગેલા અને અધૂરામાં પૂરું, એની પત્ની  નિયતિએ પણ જોમ બતાવ્યું.
દરેક માંબાપને પોતાના દીકરાનો બર્થ ડે ઉજવવાનો ઉત્સાહ હોય છે !
બે દિવસ પછી દીકરાનો બર્થડે હોવાથી એમને અને નિયતિએ નક્કી કર્યું કે, પડોશીના બધાં છોકરાઓને બોલાવીને નાની એવી પાર્ટી જેવું રાખવું. એ પ્રસ્તાવ બંને એ સ્વીકાર્યા બાદ એવું પણ નક્કી કર્યું કે અમુક ખાસ મિત્રોને પણ ફેમિલી સાથે બોલાવવા. વતનથી દૂર બીજું તો શું થઇ શકે ?
આથી બંને કોલોનીમાં રહેલ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી અમુક સામન લેવા જવા માટે તૈયાર થયા.
“ બેટા…અમે લોકો સ્ટોરમાંથી સામાન લઈને આવીએ છીએ, તારે જોડે આવવું છે ? ”
“ તમે જઈ આવો, હું માર ફ્રેન્ડ જોડે રામુ છું. ” રમત રમી રહેલ દીકરા એ બેધ્યાન પણે જ કહી દીધું.
નિયતિ અને અમન તો એને એમ જ રમતો રહેવા દઈને શોપિંગ કરવા માટે સ્ટોરમાં જવા ઉપડ્યા.
“ મારી ઈચ્છા છે કે દીકુનો બર્થડે ઉજવીને હું પછી ડ્યુટી પર ચાલ્યો જઈશ. ”
“ કેમ હજી તો તારી રજાઓ પુરી નથી થઇ ! ”
“ હા..પણ મન, એવું કહી રહ્યું છે ”
“ રોકાઈ જા, પછી તો તમારા સિપાહી લોકોનો શું ભરોષો….બીજું વેકેશન ગાળવા ક્યારે નંબર લાગે ”
“ જોઈએ ચાલો… ”  અમન આગળ બોલવા જતો હતો પણ તેના મોઢા પર કોઈએ હાથ દઈને લમણે પિસ્તોલ ધરી દીધી. અમને આમતેમ જોવા કર્યું કે બીજો એક આવીને એના મોઢા પર કપડું ઢાંકી દીધું.
“ ચુપચાપ ઉભો રહેજે…થોડી પણ હોશિયારી બતાવી છે તો અંદર જેટલી છે એટલી ખોપડીમાં ઉતારી દઈશ. ”
“ અરે તમે લોકો કોણ છો અને મારા હસબન્ડ ને કેમ આવું કરો છો ? ” નિયતિએ બૂમ પાડી.
“ અમે લોકોએ આખો સ્ટોર કબજે કરી લીધો છે અને કોલોનીમાં જે બધા છે એમને જીવતા સળગાવી દેશું. ”
“ પણ તમે છો કોણ ? અને તમને ખબર છે મારો હસબન્ડ આર્મી ઓફિસર છે. ”
“ એટલે જ એને બંધક બનાવ્યો છે….અમે કોણ છીએ ?? અમારા વેશ પરથી તને કોઈ સંત લાગીએ છીએ ? ”
આથી નિયતિને લાગ્યું કે નક્કી આ લોકો આંતકવાદી છે; એ લોકો કોઈના પર પણ દયા ના લાવે. એને તો પોતાનાં નાના દીકરાની ચિંતા થવા લાગી. અમનને લાગ્યું કે હવે,ચુપચાપ ઉભા રહેવાથી કશું નહિ વળે. હતું એટલું જોર વાપરીને એણે કપડું હટાવીને મોટેથી રાડ પાડી.
“ નિયતિ તું ચિંતા ના કરતી, આજ મને મારી સાચી ફરજ બજાવવાનો મોકો મળ્યો છે. આજ જો હું પાછા ડગલાં ભરું તો મને ગીધ મોત મળે. માં હિન્દની કસમ ખાઈને કહું છું કે એક એક ને ધૂળ ચાટતાં કરીશ યા તો શહીદી વ્હોરી લઈશ. ”
“ અમન….તું એકલો આ લોકોને શું કરી શકવાનો ? એ લોકો પાસે તો મશીન ગન અને ડેન્જર લાગે તેવી બંદુકો છે ”
નિયતિ તો બીકની મારી તરફડી રહી !
અમને મનમાં માંબાપને યાદ કર્યા..માં ભગવતીનું સ્મરણ કર્યું. માં હિન્દને વંદન કર્યા અને બધી તાકાતને શરીરમાં આણી દીધી. એકજ જાટકે તેણે બંધનમાંથી મુક્તિ મેળવી. ટ્રેનિંગ દરમ્યાન શીખવાડેલા દાવપેચને આજે હતા એટલા જોમથી અજમાવ્યા. એક પાસેથી મશીનગન ઝૂંટવીને એને તો એક જ લાતે ત્યાંજ પૂરો કર્યો. આખા સ્ટોરમાં નજર કરી તો વીસથી પચ્ચીસ વ્યક્તિઓ કોલોનીના હતા અને સામે છ સાત આંતકીઓ. ખાલી હાથે આવેલ કોલોનીનાં લોકો તો મજબુર બનીને આંતકીઓના શરણે થઇ ગયેલા.
નસીબ જોગે આજે અમન સ્ટોર પર આવી ચડ્યો, જાણે એને ભગવાને મોકલ્યો હોય. આવીને એને તો ફિલ્મમાં બતાવે તેમ મારામારીથી ભરપૂર એક્શન ચાલુ કરી. સ્ટોરમાં હયાત સૌએ આજે એક રિયલ હીરો આંતકવાદી સામે લડતો જોયો.
અમને બધા સામે એવી મુઠભેડ જમાવી કે સ્ટોરમાં ઓછામાં ઓછું નુકશાન થાય, પોતે બચતો લડે અને વધુમાં વધુ દુશમનોને હણે. જોત જોતામાં એણે પાંચ ને તો ઠાર મારી નાખ્યા. હજી પણ એક બે જગ્યાએ થી ગન ફૂટવાના અવાજો આવતા હોઈ તે ચાંપતી નજરે લડે જાય છે. એ જોઈને નિયતિની છાતી ગજ ગજ ફૂલે છે.
ગન ફૂટવાનો અવાજ બંધ થયો કે અમન ગભરાયો, હવે જ તો દુશમનનોને નાથવા અઘરા ! તેમ છતાં પણ તે ધીરે ધીરે લપાતો લપાતો આગળ જાય છે. ને અચાનક એની ઉપર ગોળીઓનો મારો થયો. બે ઘડીમાંતો વાઘ જેમ લડતો અમન લોહીની પથરીમાં તરફડવા લાગ્યો. આથી એને લોહીમાં લથબથ છોડીને આંતકીઓ નાસી છૂટ્યા. નિયતિ અને બાકીના લોકો ત્યાં દોડી આવ્યા. અમને દૂરથી નિયતિને હાથ લાંબો કરીને મનમાં જ માં ભગવતીનું નામ લઈને પ્રાણ છોડ્યા.
તિરંગામાં લપેટાઈને જયારે અમનનું પાર્થિક શરીર ઘરે આવ્યું ત્યાં તો નિયતિ એને જોઈને ફક્રનો અહેસાસ કરતી ઉભી છે. એની લાશ જયારે એના ઘરના આંગણામાં આવી કે ઘરનાં બધાં રોકકળ કરવા લાગ્યા.
“ બે હાથ જોડીને સૌને વિનંતી કરું છું કે, કોઈ રડશો નહિ. અમન માર્યો નથી પણ અમર બની ગયો છે. પહેલા મને એની આર્મીમાં જવાની ચોઈસ પર શરમિંદગી થતી. પણ આજે મારી છાતી ગજ ગજ ફૂલે છે કે અમન આર્મીમાં જોબ કરતો. મેં એને આંતકીઓ સામે વીરતાથી લડતા જોયો છે. માં હિન્દ કાજે એને જીવને વ્હાલો નથી કર્યો પણ મોતને ગળે લગાવીને બહાદુરીથી એકલે હાથે લડ્યો છે.”
એ સાંભળીને હાજર સૌની આંખોમાં ખુશીના આંસુ છલકાયાં

જય હિન્દ !

Posted in પ્રકીર્ણ | Leave a comment

ઘમ્મર વલોણું – ૪૭

ઘમ્મર વલોણું – ૪૭

પોતાનો વિકાસ કરવા ચાલવું જરૂરી છે ! નવું નવું જાણવા અને જોવા માટે પણ ચાલવું જરૂરી બની જાય છે. જોકે આ કોઈ નવી વાત કે નવું જ્ઞાન નથી. તો એ રૂએ મારે પણ ચાલવું જોઈએ. મારી પાસે તન છે, મન છે. તન સાથે ચાલવા માટે પગ જોડાયેલા છે. ચાલવા માટે ધરતીનું વરદાન સૌને સાંપડેલું છે.પગને જમીન પર સ્થિર અને અડગ થતાં જાણ્યા.

થયું કે હવે ડગલાં ભરવા શક્ય બનશે. આથી મનમાં હામ ભીડીને એકાગ્રતાથી તનને મજબૂત થવા કહ્યું. તનના સહકાર વિના ડગલાં ભરવા અશક્ય છે.

ધીમે ધીમે બેય પગને ચાલવાનો આદેશ અપાયો કે નાના નાના પગલાં ધરતી પર પડયા. મનમાં ખુશીની લહેર દોડી આવી. આજુબાજુ જોયું અને ખાતરી કરવા ધાર્યું કે કોઈ તાળીઓ પાડીને મારા ડગલાંને આવકારે છે ? એના કોઈ વખાણ કરતુ માલુમ પડે છે ? હજી તો ચાર પાંચ ડગલાં ભર્યા હશે કે હું ચોંકી ગયો; કોઈ મને પાછળથી પકડી રાખે છે કે ધક્કો મારવા કરે છે એ નક્કી ના થઇ શક્યું. હજી તો હું માંડ માંડ ડગલાં ભરતો હતો. ડગલાંને હજી તો ધરતી સાથે બરાબર સ્થિર અને મજબૂત પણ નથી કર્યા. એવામાં પાછળ ફરીને જોવાનું તો કેવી રીતે શક્ય બને ?

મનની ખુશી ઉછાળા મારે એટલે એને વ્યક્ત કરવી રહી ! તો એમ પણ થયું કે આપણે ખુશ હોય એનાથી બીજાને ખુશ થવું જરૂરી બને ખરું ? કોઈ આપણી ખુશીમાં સામેલ થાય તે આપણા માટે ધન્યતા પણ; બીજાને પરાણે સામલે કરવા તે મહાનતા નહિ.

તો મનને એમ પણ મનાવ્યું કે, મેં બે ત્રણ ડગલાં ભરી લીધા એમાં કાંઈ નવાઈ જેવું નથી. ઘણાં લોકો મારી જેમ ડગલાં ભરતું હશે, કોઈએ ભરી લીધા હશે તો કોઈ દોડતું પણ હશે. આમ વિચારતો હતો કે મન માંથી એક છણકો આવ્યો “ પોતાની સફળતા અને આવડત પર ગર્વ ન અનુભવવો તે સારી વાત ના કહેવાય ”

મારે શું કરવું ?

હજી તો બે ચાર ડગલાં ભરાયા કે પાછળથી કોઈ ખેંચતું હોય કે ધક્કો મારતું હોય તેવું અનુભવાય છે ! હજી તો એવું મેં મનને કહ્યું કે તેને તો સન્ન કરતા તીર મારી પર છોડયા.

“ અરે ભોળિયા, બે ચાર ડગલાં માંડ્યા કે સિદ્ધિ જ્વલંત નથી બની જતી. એ ડગલાંમાં અડગતા છે કે કેમ ? એમાં આગળ વધવાની શક્તિ છે કે કેમ ? એ બધું પિછાન્યા પછી તારું પોતાનું મનોબળ તપાસ. આ બધું હશે તો દુનિયાની કોઈ પણ તાકાત પાછળથી ખેંચશે તો એની અસર નહિ થાય. અને તને ધક્કો મારશે તો બમણા વેગે તું દોડવા લાગીશ. મનમાં આવેલા નકારાત્મક વિચારોથી સંતુલન નષ્ટ પામે છે અને ફાલતું વાતો ધરી લેવાથી જોખમ વધી જાય તો નવાઈ ના પામવી. દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસ એ બે હથિયાર હાથવગા, એને સફળતા વરે સરળતાથી ”

Posted in પ્રકીર્ણ | 4 ટિપ્પણીઓ

વેકેશન પૂરું

વેકેશન પૂરું

વેકેશન પૂરું થાય એટલે અમારો જીલો મણ એકનો નિઃશાસો નાખે. રાત્રે ઊંઘમાં પણ એને બધાં માસ્તરો 70mm ના દેખાય. હાથમાં સોટી ને મુખ પર ગુસ્સાનો નકશો ! મારે માસ્તરોને ખરાબ ચીતરવાનો કોઈ ઈરાદો નથી. ટીખળ ટોળી વાળા જે સભ્યતાથી ને ધ્યાન દઈને ભણતા; કે માસ્તરોએ એવો વેશ લેવાની ફરજ પડતી. જોકે એ વાત જુદી હતી કે વેકેશન પૂરું થાય અને સ્કૂલના નવા વર્ગના નવા નવા દિવસોમાં અમને બહુ મજા આવતી. કેમ કે થોડા દિવસો સાહેબ લોકો ઓછું ભણાવે ને વધુ મજા કરાવે.
પહેલા જ દિવસે મનીયો લંગડાતા પગે આવ્યો કે દિલાએ ઝડપ્યો
“ કેમ મનીયા, ભેંસે ગોથું માર્યું ? ”
“ ટચ.ચ…ના રે ! ”
“ દાદર પરથી ગબડ્યો હશે ! ” જીગાએ કહ્યું.
“ ટચ.ચ…ના રે ! ”
“ નક્કી ભેંસની અડફેટે જ આવી ગયેલો છે ” વચ્ચે હકો કૂદી પડ્યો
“ ટચ.ચ…ના રે ! ”
“ તારી તો… ” કહી ને ટીનાએ મનીયા સામે બેગ ફંગોળી કે એ ભાગ્યો.
“ શું ટીના તુંયે… એ દાદર પરથી પડ્યો હોય કે ભેંસે માર્યું હોય, પગ તો એનો જ દુખવાનો ને ! ” મેં કહ્યું કે બધા શાંત પડી ગયા. એ જોઈને મનીયો ક્યારે આવીને અમારી ટોળીમાં ભળી ગયો તે એને પણ ખબર ના પડી.
હવે મનીયાને કેમ કરીને વાગ્યું તેના ફ્લેશબેકમાં જઈએ !
દલાએ એકવાર રસિલાની નણંદને સાયકલ ચલાવતા શીખવેલું. એ પ્રયોગ અમારા મહેલ્લા માટે પહેલો હતો. બીજો પ્રયોગ મનીયાથી અજાણતાંજ થઇ ગયો. ચાલો એક નજર નાખીએ.
ધીમો ધીમો પવન આખા મહેલ્લામાં ફરી વાળ્યો છે. બપોરની કાળઝાળ ગરમી એ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે. લોકો પંખા ચાલુ કરીને ઘરમાં આરામ ફરામાવે છે. અમારો આખો મહેલ્લો જાણે કરફ્યુની માફક સુમસામ છે. પ્રાણીઓને પક્ષીઓ પણ ચૂપ છે. એવામાં હાથીની જેમ હલમલતો, નર કેસરી બંકો મનીષ ઘર બહાર આવ્યો.મહેલ્લાનું વાતાવરણ બોલી ઉઠ્યું:
“ ધન્ય છે વીર તને ”
પણ બીજી જ પળે વાતાવરણે મનીયા પર ગુસ્સો કર્યો “ કોડા, તારા ઘરે લાઈટ ગઈ છે એટલે બહાર આવ્યો છે એમ કહે ને ! ”
પણ આ તો મનીયો..એય હલમલતો આવીને એક સરસ મજાની પાળી ને સાફ કરીને છાંયડામાં બેઠક જમાવી. આખા સુમસામ મહેલ્લામાં બેઠો બેઠો તે પોતાના શરીર પર ફૂંક થી હવાની છાંટણી કરે છે. ઉપર એક નજર કરીને તે સુરજ દાદા ઉપર ગરમી કાઢવા જતો હતો કે; તેનું મગજ બંધ થઇ ગયું અને આંખો સફાળી ખુલી ગઈ. સામેથી કોઈ છોકરી સાયકલ ચલાવતી દેખાઈ. જેવી તે મનીયા બાજુ આવી કે એની નજર પણ મનીયા સામે ગઈ. ચારે આંખો એક થઇ અને છોકરીના બેય પગ સ્થિર બની ગયા. આથી સાયકલ ધીમી પડી ગઈ અને પેલી છોકરીથી નીચે ઉતરાઈ ગયું.
મનીયાએ જોયું કે છોકરી નવી નવી સાયકલ શીખેલી હોય તેવી લાગી. સાયકલ ધસતી તે જ્યાં મનીયો બેઠેલો હતો ત્યાં આવી. આજુબાજુ એને નજર ફેરવીને બોલી
“ એક મિનિટ મારી સાયકલ પકડી રાખીશ તો હું ચલાવીને જઈ શકું ? ” પેલીએ કહ્યું પણ મનો તો સડક દઈને ઉભો થઇ ગયો.
દુનિયાનો કોઈ પણ છોકરો આવી સ્થિતિ માં ના નથી પાડી શકતો. મનીયાને તો આજે કોઈ છોકરીએ પહેલી વાર બોલાવ્યો હતો. સાયકલ પકડીને પાછળના ભાગમાં ગયો. બેય પગ વચ્ચે સાયકલનો સપોર્ટ લીધો અને પેલીને બેસી જવા કહ્યું. પેલીએ એક પેડલ મારીને આગળ ચલાવવા કર્યું કે મનીયા એ સાયકલની પકડ મૂકી દીધી. થોડેક આગળ જઈને સાયકલ ઉભી રહી ગઈ. પાછળ ફરીને પેલીએ દયામણા ચહેરે મનીષ ( અહીંયા મનીયો કેમ નથી લખ્યું ? ) સામે જોયું. ફરી તે આગાઉ મુજબ પકડ રાખીને, પેલીને સાયકલ પર ચડવા કહ્યું. આ વખતે સાયકલ ચાલવા લાગી. પણ મનીયાને થયું કે ગઈ વખત જેમ ફાલુદો ના થાય ! એ પણ સાયકલ જોડે પાછળથી પકડીને ચાલવા લાગ્યો. હજી તો ચાર પાંચ પેડલ સાયકલ આગળ ગઈ હશે કે સાયકલ સાથે પેલી છોકરી મનીયા પર પડી.
“ ઓઇ માં..મમ્મી ઈ ઈ ” કરતી પેલીએ ચીસ નાખી કે, મનીયો તો ગભરાઈ ગયો. એના પગ પર પડેલી સાયકલ સાથે છોકરીને લીધે પડેલ મારની ચીસ તો બહાર જ ના નીકળી શકી.
જેવી સ્કૂલની મોટી રીશેષ પડી કે અમારી ટીખળ ટોળી, ફટાફટ જમીને તળાવની પાળે આવી ગઈ. આ વખતે બધાનાં ક્લાસ બદલી ગયા હતા. ઘણાનાં ક્લાસ ટીચર બદલાઈ ગયા. એમાં જીગાને ટીખળ કરવાનું મન થયું.
“ અલ્યા હકા…તારું રિજલ્ટ કેટલું આવ્યું ? ”
“ એનું રિજલ્ટ જાણીને તું બધાને પાર્ટી આપવાનો છે ? ” મેં હકાનો પક્ષ લેતા આલી પાડ્યું.
“ અરે એક મિત્રનું રિજલ્ટ તો….. ” એ આગળ બોલવા જતો હતો પણ દિલાએ એની સામે કરડાકીથી જોયું એટલે બંધ થઇ ગયો.
“ નરીયાનું રિજલ્ટ પૂછ ને ખબર પડે ” દલાએ પણ હકાનો પક્ષ લીધો.
“ એમાં શું હું તો બે વિષયમાં અપગ્રેડ થયો છું ” નરીયાએ કહ્યું કે જીગો શાંત થઇ ગયો.
“ એ શું ? ” અત્યાર સુધી શાંત રહેલા મનીયાએ પૂછ્યું.
“ એય ડોબા, બે વિષયમાં ચડાવ પાસ ” ટીનિયાએ જોરથી બૂમ પાડી કે રીશેષ પુરી થવાનો બેલ સંભળાયો.
“ આજે કોઈ ભણાવવાનું નથી..ચાલો નથી જવું હવે સ્કૂલમાં ” અશ્કાએ બધાને ગમતો પ્રસ્તાવ મુક્યો.
“ હા હા..ચાલો નથી જવું ”નરીયાએ સાથ પુરાવ્યો. ત્યાં હકો પણ એમને સાથ પૂરાવતો કૂદવા માંડ્યો. અમારી ટોળીમાં એક અનોખો ઉત્સાહ ફરી વળ્યો.
“ જીલો તો સ્કૂલની બાજુમાં જ રહે  છે, એ તો ઘરે જઈને પોતાની સ્કૂલ બેગ લઇ આવશે. આ નરીયાને પણ બાપાના મારની બીક નથી ”
“ અલ્યા હા, આપણી સ્કૂલ બેગ કોણ બાપ લાવશે ? અશ્કો તો આજે સ્કૂલ બેગ વગર આવ્યો છે એટલે ફાંકા મારે ! ”
“ હેં….એ એ ” બધા એની પાછળ દોડ્યા. અશ્કો દોડીને પોતાના કલાસમાં જતો રહ્યો. અને પાછળ અમે બધા પોત પોતાના કલાસમાં !
વળી બધા સાંજે તળાવની પાળે ભેગા થયા. આમ તો બધા આવી ગયેલા પણ વજો અને જલો દેખાતા નહોતા.
“ અલ્યા આ વજલો તો ઠીક છે પણ જલો કેમ દેખાય નહિ ? ” જીગાએ ચારેબાજુ નજર ફેરવીને કહ્યું.
“ હા યાર જલો ક્યાંક ઝલાઈ ગયો લાગે છે. ” નરીયાએ સાથ પુરાવ્યો.
“ એ આજે નહિ આવી શકે ” ધીરેથી અશ્કાએ કહ્યું.
“ કેમ ? તારી હારે રજા ચિઠ્ઠી મોકલી છે ? ” દિલાએ કરડાકીથી કહ્યું.
“ એય…આંઈ કોઈ ક્લાસ છે કે રજા ચિઠ્ઠી મોકલવાની હોય, આને કંઈક કે ને રીતિયા ”
“ ચૂપ બધા, એને જ કહેવા દો કે જલો આજે કેમ નંઈ આવે ! ” ટીનાએ ટિપ્પણી કરી.
“ એ સ્કૂલેથી ઘરે જતો ત્યારે મેં એના કપાળ પર ઢીમડું જોયું હતું ”
“ ઓ ત્તારી …સાહેબે કંઈ પણ ભણાવ્યા વગર એને માર્યો હશે? ”
“ એ તો નથી ખબર પણ એક હાથે મેં એને ઢીમડું પંપાળતો જોયેલો ” અશ્કાએ પોતાની સેફ સાઈડ કરીને કહ્યું.
“ અરે યાર તો તો આપણે બધાએ એની ખબર પૂછવા જવું જોઈએ ” હકાએ એક નવોજ પ્રસ્તાવ મુક્યો કે બધાએ વધાવી લીધો. અમારી ટોળીની એ ખાસિયત કે કોઈ પણના પ્રસ્તાવને વધાવી પણ લે ને, ઠુકરાવે પણ ખરી !
આખી ટોળી મહેલમાં આવી અને જેવા જલાની શેરીમાં જવા વળ્યાં કે એના ફાધરનો મૉટે મોટેથી બૂમ પડતો અવાજ આવ્યો
“ જેને પણ મારા દીકરાને ઢીમડું કર્યું છે ને એને આખા શરીરે ઢીમડા ના પાડી દવ તો મને કેહજો ”
અવાજ સાંભળી ને અમે બધા જેટલી હતી એટલી સ્પીડે પાછા તળાવની પાળીયે આવી ગયા. એમાં અશ્કો ને જીલીયો તો એક બે વાર ગબડી પણ પડેલા બોલો !
Posted in હાસ્યલેખ/ જોક્સ | Leave a comment

ઘમ્મર વલોણું – ૪૬

ઘમ્મર વલોણું – ૪૬

“ તને નવાઈ લાગે છે ને કે બહેરા કેમ કરીને સાંભળતા હશે ? તારી નવાઈ વ્યાજબી છે વત્સ; બહેરા  એને જ કહેવાય જે સાંભળી ના શકે. તો શું તેં એ સ્વીકારી લીધેલું છે કે બહેરા લોકો સાંભળી જ ના શકે ? ઠીક છે, અને તેં એ પણ સ્વીકારી લીધું છે કે મૂંગા લોકો ગાઈ જ ના શકે ?  તને આવા સવાલો કરીને મૂંઝવું છું કેમ? ”

“ મને બોલવાની તક તો….” મારી વાત કાપીને ફરી તેઓ એ બોલવાનું ચાલુ કર્યું.

“ મૂંગા લોકો ના બોલી શકે ના ગાઈ શકે. અને ઘણા ખરા મૂંગા તો સાંભળી પણ ના શકે. આ વસ્તુને સર્વ લોકોએ સ્વીકારેલું, જાણેલું ને માનેલું છે. છતાં પણ હું એ જ વસ્તુ પૂછીને તને બોર કરતો હોય તો એ ભ્રમ કાઢી નાખજે. હવે તને એ નહિ પૂછું કે આંધળા લોકો દેખી પણ શકે કે કેમ ?

પ્રથમ તો હું એ કહીશ કે મૂંગો વ્યક્તિ બોલે છે, એ ગાય છે. માનવામાં નથી આવતું ને ? એ બોલે છે તે આપણે જોઈ શકીએ છીએ. પણ સમજી શકતાં નથી. બોલવું અને ગાવું એમાં સ્વરપેટીને પડતા શ્રમની  વાત છે. બોલવા કરતા ગાવું વધુ અઘરું છે. તો બહેરા લોકો કેમ ગાઈ શકે ? એ પ્રશ્ન તને થશે જ; અને થવો જ જોઈએ.

જયારે મનુષ્યનું ગળું બેસી જાય છે ત્યારે તેની બોલાવની શક્તિ હણાઈ જાય છે. તમને રોજે ગાવાની આદત છે. ગાયા વગરની એક પણ કલાક તમારી વીતતી નથી. એ અરસમાં એ વ્યક્તિની હાલત કેવી થઇ જાય ? ગાયક પોતે જે પોતાના શોખ માટે ગાય તે, મોટેથી ગાતો નથી. પણ જો તે વ્યક્તિ મનમાં ગાય તો પોતે ગાતો જ હોય છે અને એનો આનંદ પણ માણી લે છે. મારી વાત તારી ખોપરીમાં જાય છે કે હું વિદાય લઉં?” આટલું બોલીને ભગવંત ચૂપ થઈને હું શું પ્રતિક્રિયા કરું છે તે નીરખવા મારી સામે મીટ માંડીને જોવા લાગ્યા.

“હા પ્રભો, બહેરા લોકો ગાઈ શકે…અને … ”

“ બસ…બાકીની વાતો તું મમળાવજે. શંકાના સમાધાન માટે તો તું એમ પણ મારી પાસે દોડી આવે છે. તો વધુ શંકાઓ લઈને આવીશ તો મને ગમશે…..ચાલ હું જાઉં. મગજ ને એટલું જોર ના આપતો કે મને પણ વિસરી જાય. ” હજી તો હું મારી સ્થતિને બરાબર જાણું ત્યાર પહેલા તો મારી સામેથી ભગવંત અદ્રશ્ય પણ થઇ ગયા. આગળ કઈ પણ વિચારું કે મારા મગજમા એક શ્લોક યાદ આવી ગયો.

मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं ।

यत्कृपा तमहं वन्दे परमानन्द माधवम् ॥

Posted in પ્રકીર્ણ | 3 ટિપ્પણીઓ