હડકાયો કૂતરો

હડકાયો કૂતરો

એક દિવસ અચાનક આવીને મારા પ.પૂ.ક.ધૂ. મિત્ર શ્રી હકેશ્વરે આવીને મને બરાબરનો લઇ પાડ્યો. “ એલા તને લાજ શરમ જેવું કઈ છે કે નહિ? ”

હું તો હેબતાઈને એની સામે જ જોઈ રહ્યો. કે વળી એ પાછો બગડ્યો. ” તને કહું છું ….” એ આગળ કોઈ ગાળ બોલે એ પહેલા મેં જ પૂછી લીધું.

“ હકા પહેલા તો શાંત થઇ જા….. જો બકા”

“ મને ખબર હતી તું મને શાંત પાડીને, ગાડીને બીજે પાટે ચડાવી દઈશ” એની અવળવાણી સાંભળીને હું ચૂપ થઇ ગયો. મને ખબર હતી કે પીપરના પાનની બનાવેલી પીપુડીમાં વધુ થૂંક જાય એટલે વાગતી બંધ. 

“ ઠીક છે હવે કંઈક બોલીશ? “

” પહેલા તું તારો ઉભરો ઠાલવી લે ને પછી એ કહે કે મારા પર આટલો આજે ખફા કેમ છે?

” કેટલા દિવસ થયા, દિવસ નહિ મહિના; કેમ કંઈ લખતો નથી?…… ” એ હજી આગળ બોલવા જતો હતો કે જીલિયો હાંફતો હાંફતો આવ્યો.

” હકા તારા ઘરની બાજુના ઓટલા પર એક હડકાયો કૂતરો ચડી બેઠો છે, ને આપણા મહેલ્લા વાળા બધા પરેશાન છે “

” કોઈએ કુતરા પકડવા વાળાને જાણ કરી? “

” આવા તો કંઈક કુતરા આપણે ભગાવ્યા હશે, બેય ઉભા થાવ, ચાલો. “

અમે ત્રણે, હકાના ઘરની ગલીમાં ગયા. જોયું તો એક નાજુક કૂતરું ઓટલા પર ચડેલું છે. અમારો આખો મહેલ્લો રવિવારના લીધે હાજર છે. અમે લોકો પણ મદારી ખેલ કરતો હોય ને ટોળામાં લોકો ભળે, એમ ભળી ગયા.

” અશ્કા, મારા ધાબા પર એક મોટો વાહડો છે, જા લેતો આવ, આજ એની ખેર નથી.”

” તું પતંગ લૂંટવા વાપરે છે ઈ જ ને? “

” ડફોળો, પતંગ નથીઃ લૂંટવાના આ હડકયાંને કાઢો; જો કેવી લાળો પાડે છે. ” એક વડીલે હકાને ચૂપ કરી દીધો.  

બધાની નજર એ કુતરા પર છે ને કૂતરો લાળ પાડતો બધાની સામે જુએ છે. મેં જોયું તો નથી કૂતરો કોઈનાથી ડરતો કે નથી તો ડાઘીયા કરતો. હું હજી આગળ એના વિષે વિચારું કે વજલો એક સાણસો લઈને; ક્યાં છે ક્યાં છે કરતો કે ટોળામાં આવ્યો. દિલો એની પાસે ગયો ને કાનમાં કહે કે સામે ઓટલા પર દેખાય ને ઈ હડકાયો કૂતરો છે, જેરી સાપ નહિ. ” જેરી સાપ નહિ એ શબ્દો બધાએ સાંભળ્યા.

” ખરો છે, એની વાડીયે બહુ સાપ નીકળે ને એટલે બાપડો દોડી આવ્યો” એક વડીલે ટકોર કરી.

” એલા જીગલા તેં જ તો કીધેલું ને કે …..”

” વજલા, મેં આજ ખબર નથી આપી. મેં તો ટીનિયાને બૂમ પાડતા સાંભળેલો “

” તો હું આ સાણસો મૂકીને હમણાં આવ્યો “

” તું કૂતરાને મહેલ્લા બહાર મૂકી આવીશ?” ધમાએ વજાની ખેંચવા ટ્રાય કરી.

ટીનિયા એ જેમ્સ બોન્ડ જીગા સામે એવો મુક્કો બતાવ્યો કે બીકનો માર્યો કુતરા સામે હઇડ હઇડ કરવા લાગ્યો. જીગાએ હઇડ હઈડ કર્યું કે મહેલ્લાના બધા ફોર્મ માં આવીને કૂતરાને હઇડ હઈડ કરવા લાગ્યા, આથી કૂતરો બીકનો માર્યો બધાને ભસવા લાગ્યો કે બધા ચૂપ.

એકદમ ચુપચાપ ઉભેલો જિલિયો કહે  “કોઈ જતા નહિ હું હમણાં આવ્યો” કહીને તે  બહાર ગયો. 

” અલ્યા ખત્રી સાહેબ ને બોલાવો, એમને હિપ્નોટિઝમ આવડે છે ” કોઈ એક બોલ્યું.

” હિપ્નોટિઝમ તો માણસને અસર કરે, કૂતરાને નહિ. “

” ઉંદર બિલ્લીથી ભાગે, બિલ્લી કુતરાથી ભાગે ને કૂતરો શેનાથી ભાગે? ” એમ કોઈક બોલ્યું કે કૂતરાએ એવી ધીમી ત્રાડ પાડીકે બધા ભાગેત!

આવી બધી અટકળો ચાલતી હતી ત્યાં જિલિયો દોડતો આવ્યો ને ટોળા વચ્ચે ઉભી રહીને મોટેથી બોલ્યો.

” છે કોઈ તૈયાર …?” હાથમાં પાન બતાવીને ટોળા સામે ફરવા માંડ્યો.

” જીલીયા આ તો પાન છે લાવ લાવ કેટલાય દિવસથી નથી ખાધું.”

” આ પણ નથી પણ બીડું છે, કોણ છે માઈનો લાલ કે જે આ બીડું ઝડપે ને કૂતરાને આપણા મહેલ્લા બહાર તગેડી મૂકે….. ” બોલતો બોલતો એ થંભી ગયો. એક રૂપાળી ને ફેશન વળી નવતર બાઈ ટોળામાં આવી. બધાની આંખો કુતરા પરથી હટી ને એ સ્ત્રી સામે!

” ટોની ટોની…  ” એ બોલ્યા કે અમારો પવલો ટોની કલાસમાં હાજરી પૂરતા હોય એમ ‘યસ મેમ’ કહીને હાથ ઊંચો કર્યો ને એ લેડી સામે જોવા લાગ્યો. પણ એ લેડી એ તો પેલા કૂતરા નજીક જવા લાગી. ત્યાં તો અમારો પોષી અશ્કાએ મેડમને રોક્યા કે ના જાવ એ કૂતરો હડકાયો છે પણ એ એવી રીતે બોલ્યો કે એના ગળામાંથી શબ્દો બહાર જ નહોતા આવ્યા. પેલી લેડી એ તો ” ટોની, ચાલો..” કહ્યું; ત્યાં તો પેલો કૂતરો પૂંછડી પટપટાવતો એમની આગળ થઇ ગયો. મહેલ્લો આખો બેયને જતા જોઈ રહ્યો. દીલા એ જીગા સામે જોઈને ઈશારો કર્યો. જીગાએ ધીરેથી કહ્યું. ” હું નથી ઓળખતો પણ જોશી કાકાના ઘરમાં કોઈક નવું ભાડે રહેવા આવ્યું છે.  

Posted in પ્રકીર્ણ | 2 ટિપ્પણીઓ