મારું કલેક્શન

મારી પસંદગીના સાહિત્ય-ગીત-સંગીતના આ વિભાગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે.આ વિભાગમાં મારી પસંદગી ને યુ-ટ્યુબ કે અન્ય સાઈટ કે પુસ્તકો પરથી સંકલિત છે.આશા રાખું કે ,આપ ને પણ પસંદ પડે.

** આરતી : નાનો હતો ત્યારથી મને આ આરતીઓ ખુબજ ગમે છે.

** પ્રાર્થના :  પ્રાથમિક શાળાથી લઈને ઉચ્ચ માધ્યમિક શાળાની સફર સુધી માં ઘણી પ્રાર્થનાઓ      ગાવામાં આવેલી. મળી છે તેટલી અહીં પોસ્ટ કરું છું.

અસત્યો  માહે  થી

અસત્યો  માહે  થી  પ્રભૂ  પરમ  સત્યે  તું  લઈજા ,

ઊંડા  અંધારે  થી  પ્રભૂ  પરમ  તેજે  તું  લઈજા

મહા  મૃત્યુ  માંથી  અમૃત સમીપે  નાથ  લઈજા

તું  હિણો હું  છું  તો  તુજ  દર્શન ના દાન દઈજા

મંદિર તારું વિશ્વ રૂપાળું

મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન હારા રે
પલપલ  તારા દર્શન થાયે, દેખે દેખાણ હારા રે ….મંદિર
નહિ પૂજારી નહિ કોઈ દેવા, નહિ મંદિર ને તાળા રે
નીલ ગગનમાં મહિમા ગાતા ચાંદો સુરજ તારા રે ….મંદિર
વર્ણન કરતા શોભા તારી થાક્યા કવિગણ સારા રે
મન મંદિરમાં તું ક્યાં છુપાયો શોધે બાળક અડીરા રે ….મંદિર

મંગલ મંદિર ખોલો

મંગલ મન્દિર ખોલો,
દયામય ! મંગલ મન્દિર ખોલો !

જીવન વન અતિ વેગે વટાવ્યું,  દ્વાર ઊભો શિશુ ભોળો,
દયામય ! મંગલ મન્દિર ખોલો !

તિમિર ગયું  ને જ્યોતિ પ્રકાશ્યો, શિશુને ઉરમાં લ્યો, લ્યો,
દયામય ! મંગલ મન્દિર ખોલો !

નામ મધુર તમ રટ્યો નિરન્તર, શિશુ સહ પ્રેમે બોલો,
દયામય ! મંગલ મન્દિર ખોલો !

દિવ્ય-તૃષાતુર  આવ્યો  બાલક,  પ્રેમ-અમીરસ ઢોળો,
દયામય ! મંગલ મન્દિર ખોલો !

પ્રેમળ જ્યોતિ

પ્રેમળ જ્યોતિ તારો દાખવી
મુજ જીવનપંથ ઉજાળ
દૂર પડ્યો નિજ ધામથી હું ને , ઘેરે ઘન અંધકાર
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ
મુજ જીવનપંથ ઉજાળ

 ડગમગતો પગ રાખ તું સ્થિર, મુજ દૂર નજર છો ન જાય
દૂર માર્ગ જોવાને લોભ લગીર ના, એક ડગલું બસ થાય
પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ

 આજ લગી રહ્યો ગર્વમાં હું, ને માગી મદદ ન લગાર
આપ બળે માર્ગ જોઈને ચાલવા , હામ ધરી મૂઢ બાળ
હવે માગું તુજ આધાર,
પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ

   **  બાલ કવિતા : ભણતો ત્યારે પ્રાર્થના પછી આજના સમાચાર, સુવિચાર કે કોઈ કાવ્ય કે ગીત ગાતા. મને આ કવિતાઓ ખુબ ગમતી.

મેં એક બિલાડી
મેં એક   બિલાડી પાળી  છે, તે  રંગે   બહુ   રૂપાળી  છે
તે  હળવે   હળવે ચાલે  છે, ને   અંધારામાં   ભાળે   છે
તે  દૂધ  ખાય  દહીં   ખાય, ઘી તો ચપ ચપ ચાટી જાય
તે  ઉંદરને  ઝટ પટ  ઝાલે, પણ  કૂતરાથી  બીતી ચાલે
તેના   ડીલ  પર  ડાઘ  છે , તે  મારા  ઘરનો  વાઘ  છે

 નાની મારી આંખ
એ જોતી કાંક કાંક
એ તે કેવી અજબ જેવી વાત છે

 નાના મારા કાન, એ સાંભળે મીઠા ગાન
એ તે કેવી અજબ જેવી વાત છે

 નાક મારું નાનું, એ સુંઘે ફૂલ મજાનું
એ તે કેવી અજબ જેવી વાત છે

 નાની મારી જીભ ,એ માણે પીપરમીન્ટ
એ તે કેવી અજબ જેવી વાત છે

 નાના મારા હાથ, એ તાળી પાડે સાથ
એ તે કેવી અજબ જેવી વાત છે

 નાના મારા પગ ,એ જલદી ભરે ડગ
એ તે કેવી અજબ જેવી વાત છે

અમે  ફેર  ફુદરડી  રમતા’તા
અમે  ફેર  ફુદરડી  રમતા’તા, ફેર   ફુદરડી   ફરતાં  ફરતાં
પડી જવાની કેવી મજા, ભાઈ પડી જવાની કેવી મજા

 અમે સંતાકુકડી  રમતા’તા, અમે સંતાકુકડી  રમતા’તા
સંતાકુકડી  રમતાં  રમતાં, પકડાઈ જવાની કેવી મજા
ભાઈ પકડાઈ જવાની કેવી મજા

 અમે આમલી પીપળી રમતા’તા, અમે આમલી પીપળી રમતા’તા
આમલી પીપળી રમતાં રમતાં, સંતાઈ જવાની કેવી મજા
ભાઈ સંતાઈ જવાની કેવી મજા

 અમે બિલ્લી ઉંદર રમતા’તા ,અમે ચું ચું મ્યાઉં મ્યાઉં કરતા’તા
ચું ચું મ્યાઉં મ્યાઉં કરતાં કરતાં, નાસી જવાની કેવી મજા
ભાઈ નાસી જવાની કેવી મજા

 અમે સાતતાળી રમતા’તા, અમે સાતતાળી રમતા’તા
સાતતાળી રમતાં રમતાં, દોડી જવાની કેવી મજા
ભાઈ દોડી જવાની કેવી મજા

મજાની ખિસકોલી
તું  અહીંયાં  રમવા આવ મજાની ખિસકોલી
તું  દોડ  તને  દઉ  દાવ મજાની ખિસકોલી
તું  કેવી  હસે  ને   રમે  મજાની ખિસકોલી
તારા કૂદકા તો બહુ ગમે મજાની ખિસકોલી
તું જ્યારે ખિલખિલ ગાય મજાની ખિસકોલી
તારી પૂંછડી  ઊંચી થાય મજાની ખિસકોલી
તારે   અંગે  સુંદર  પટા મજાની ખિસકોલી
તારી  ખાવાની  શી છટા મજાની ખિસકોલી
તું    ઝાડે   ઝાડે    ચડે મજાની ખિસકોલી
કહે  કેવી મઝા  ત્યાં પડે મજાની ખિસકોલી
બહુ  ચંચળ  તારી  જાત મજાની ખિસકોલી
તું    ઉંદરભાઈની   નાત મજાની ખિસકોલી
તું  અહીંયાં રમવા  આવ મજાની ખિસકોલી
તું  દોડ  તને  દઉ  દાવ મજાની ખિસકોલી

ચોકમાં દાણા નાખ્યા છે

આવો  પારેવા, આવોને ચકલાં
ચોકમાં દાણા નાખ્યા છે

આવો પોપટજી, મેનાને લાવજો
ચોકમાં દાણા નાખ્યા છે

આવોને કાબરબાઈ , કલબલ  ન  કરશો
ચોકમાં દાણા નાખ્યા છે

બંટી  ને બાજરો, ચોખા ને બાવટો
ચોકમાં દાણા નાખ્યા છે

ધોળી છે જાર ને, ઘઉં   છે  રાતડા
ચોકમાં દાણા નાખ્યા છે

નિરાંતે  ખાજો, નિરાંતે ખૂંદજો
ચોકમાં દાણા નાખ્યા છે

બિલ્લી નહિ આવે, કુત્તો   નહિ  આવે
ચોકમાં દાણા નાખ્યા છે

ચણ ચણ ચણજો ,ને  ચીં ચીં કરજો
ચોકમાં દાણા નાખ્યા છે

જનનીની જોડ સખી નહીં જડે રે લોલ

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી ! નહીં જડે રે લોલ

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ
જગથી જૂદેરી એની જાત રે
જનનીની જોડ સખી ! નહીં જડે રે લોલ

અમીની ભરેલ એની આંખડી રે લોલ
વ્હાલનાં ભરેલાં એના વેણ રે
જનનીની જોડ સખી ! નહીં જડે રે લોલ

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ
હૈયું હેમંત કેરી હેલ રે
જનનીની જોડ સખી ! નહીં જડે રે લોલ

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ
શશીએ સિંચેલ એની સોડ્ય રે
જનનીની જોડ સખી ! નહીં જડે રે લોલ

જગનો આધાર એની આંગળી રે લોલ
કાળજામાં કૈંક ભર્યા કોડ રે
જનનીની જોડ સખી ! નહીં જડે રે લોલ

** કાવ્યો :  મને ખુબજ ગમતી કવિતાઓ જે ભણતા ત્યારે હોંશે હોંશે ગાતા. હોઈ શકે કે તમે પણ આવી કવિતાઓ ગાતા હોય !

શ્યામ રંગ સમીપે ન જાવું

શ્યામ  રંગ  સમીપે  ન  જાવું
મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું

જેમાં કાળાશ તે તો સૌ એકસરખું ,સર્વમાં કપટ હશે આવું
કસ્તૂરી કેરી બિંદી તો કરું નહીં, કાજળ ના આંખમાં અંજાવું
મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું

કોકિલાનો શબ્દ હું સૂણું નહીં કાને ,કાગવાણી શકુનમાં ન લાવું
નીલાંબર  કાળી  કંચૂકી ન પહેરું, જમનાનાં નીરમાં ન ન્હાવું
મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું

મરકતમણિ  ને  મેઘ દ્રષ્ટે  ના જોવા, જાંબુ વંત્યાક ના ખાવું
દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો ,મન કહે જે પલક ના નિભાવું
મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું

હતો હું સૂતો પારણે પુત્ર નાનો

હતો હું સૂતો પારણે પુત્ર નાનો ,રડું છેક તો રાખતું કોણ છાનો
મને દુખી દેખી દુખી કોણ થાતું,…..મહા હેતવાળી દયાળી જ મા તું

 સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે ,પીડા પામું પંડે તજે સ્વાદ તો તે
મને સુખ માટે કટુ કોણ ખાતું, ….મહા હેતવાળી દયાળી જ મા તું

 લઈ છાતી સાથે બચી કોણ લેતું, તજી તાજું ખાજું મને કોણ દેતું
મને કોણ મીઠા મુખે ગીત ગાતું ,….મહા હેતવાળી દયાળી જ મા તું

 પડું કે ખડું તો ખમા આણી વાણી, પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી
પછી કોણ પોતાતણું દૂધ પાતું, , ….મહા હેતવાળી દયાળી જ મા તું

રે પંખીડા ! સુખથી ચણજો

રે પંખીડા ! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો
શાને આવાં મુજથી ડરીને, ખેલ છોડી ઊડો છો ?
પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું
ના ના કો’ દી’ તમ શરીરને  કાંઈ હાનિ કરું હું
ના પાડી છે તમ તરફ  કૈં  ફેંકવા  માળીને  મેં
ખુલ્લું  મારું  ઉપવન  સદા  પંખીડાં સર્વને  છે
રે ! રે ! તો યે કુદરતથી મળી ટેવ બીવા જનોથી
છો બીતાં તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની
જો ઊડો તો જરૂર ડર છે  ક્રૂર કો’ હસ્તનો, હા
પાણો ફેંકે તમ તરફ, રે ! ખેલ એ તો જનોના
દુ:ખી છું કે કુદરત તણા સામ્યનું ઐક્ય ત્યાગી
રે ! રે ! સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી

માધવ ક્યાંય નથી મધુવનમાં
ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં

કાલિન્દીના  જલ  પર  ઝૂકી પૂછે કદંબડાળી
યાદ તને બેસી અહીં વેણુ વાતા’તા વનમાળી

લહર વમળને કહે , વમળ એ વાત સ્મરે સ્પંદનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં

કોઈ ન માગે દાણ કોઈની આણ ન વાટે ફરતી
હવે કોઈ લજ્જાથી હસતાં રાવ કદી ક્યાં કરતી

નંદ કહે જશુમતીને, માતા વ્હાલ ઝરે લોચનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં

શિર પર ગોરસ મટુકી, મારી વાટ ન કેમે ખૂટી
અબ લગ કંકર એક ન લાગ્યો , ગયાં ભાગ્ય મુજ ફૂટી

કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંશુવનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં

નિર્દોષ પંખીને
તે  પંખીની  ઉપર   પથરો  ફેકતાં  ફેકી દીધો
છૂટયો તે, ને અરરર પડી ફાળ હૈયા મહીં તો
રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઈ જાતાં
નીચે આવ્યું  તરુ  ઉપરથી પાંખ ઢીલી થતાંમાં

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મારા જ થી આ
પાણી છાંટ્યું દિલ ધડકતે તોય ઊડી શક્યું ના
ક્યાંથી ઊઠે ? જખમ  દિલનો ક્રૂર હસ્તે કરેલો
ક્યાંથી ઊઠે ? હ્રદય કુમળું  છેક તેનું  અહોહો

આહા! કિન્તુ કળ ઊતરીને આંખ તો ઊઘડી એ
મૃત્યુ થાશે, જીવ ઊગરશે, કોણ જાણી શકે એ
જીવ્યું,આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને
આ  વાડીનાં  મધુર  ફળને  ચાખવાને   ફરીને

રે રે! કિન્તુ ફરી કદી  હવે પાસ મારી ન આવે
આવે તોયે  ડરી ડરી  અને  ઈચ્છતું  ઊડવાને
રે રે! શ્રદ્ધા ગત થઈ  પછી કોઈ કાળે ન આવે
લાગ્યા ઘાને વીસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે

તલવારનો વારસદાર
ભેટે   ઝૂલે   છે  તલવાર
વીરાજી  કેરી ભેટે ઝૂલે રે,  ભીંતે  ઝૂલે   છે  તલવાર
બાપુજી કેરી ભીંતે ઝૂલે છે

 મારા  બાપુને  બહેન  બે બે કુંવરિયા ,બે વચ્ચે પાડ્યા છે ભાગ
હાં રે બેની  બે વચ્ચે પાડ્યા છે ભાગ, વીરાજી કેરી ભેટે ઝૂલે રે

 મોટે માગી છે મો’લ મ્હેલાતો વાડિયો, નાને માગી છે તલવાર
મોટો મહાલે છે મો’લ મેડીની સાયબી, નાનો ખેલે છે શિકાર

 મોટો  ચડિયો  છે કંઈ હાથી અંબાડિયે ,નાનેરો ઘોડે અસવાર
મોટો   કઢે  છે  રોજ  કાવા  કસૂંબલા ,નાનેરો ઘૂમે ઘમસાણ

 મોટો  પોઢે  છે  લાલ રંગીલે  ઢોલિયે, નાનો ડુંગરડાની ધાર
મોટો  મઢાવે  વેઢ  વીંટી  ને  હારલાં ,નાનો સજાવે તલવાર

 મોટાને  સોહે  હીર-જરિયાની  આંગડી ,નાનાને ગેંડાની ઢાલ
મોટો  સંતાય  સુણી   શત્રુના  રીડિયા, નાનેરો દ્યે છે પડકાર

 મોટો ભાગ્યો  છે  સેન શત્રુનાં ભાળતાં, નાનેરો ઝીંકે છે ઘાવ
મોટો  જીવ્યો  છે પાય શત્રુના પૂજતો, નાનેરો સૂતો સંગ્રામ

 મોટે  રે  માડી  તારી   કુખો  લજાવી , નાને ઉજાળ્યા અવતાર
મોટાના મોત  ચાર  ડાઘુએ  જાણિયાં, નાનાની ખાંભી પૂજાય

 ભેટે   ઝૂલે   છે  તલવાર, વીરાજી  કેરી ભેટે ઝૂલે રે
ભીંતે  ઝૂલે   છે  તલવાર, બાપુજી કેરી ભીંતે ઝૂલે છે

ખમ્મા વીરાને
ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ
મોંઘામૂલો છે મારો વીર જો, ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ

 એક તો સુહાગી ગગનચાંદલો રે લોલ
બીજો સોહાગી મારો વીર જો, ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ

 રાજ તો વિરાજે રાજમંદિરે રે લોલ ,પારણે વિરાજે મારો વીર જો
ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ

 ચંપો ખીલે છે ફૂલવાડીમાં રે લોલ , ફુલમાં ખીલે છે મારો વીર જો
ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ

 આંગણે ઉજાસ મારે સૂર્યનો રે લોલ ,ઘરમાં ઉજાસ મારો વીર જો
ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ

 એક તો આનંદ મારા ઉરનો રે લોલ, બીજો આનંદ મારો વીર જો
ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ

 દેવે દીધી છે મને માવડી રે લોલ ,માવડીએ દીધો મારો વીર જો
ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ

બાનો ફોટોગ્રાફ
અમે  બે ભાઈ બાને  લૈ ગયા  ફોટો પડાવવા, ભાવતાલ  કરી નક્કી  સ્ટુડિયોમાં પછી ચડ્યા
ભવ્ય શા  સ્ટુડિયોમાં  ત્યાં ભરેલી  ખુરશી પરે, બાને  બેસાડી  તૈયારી  ફોટો લેવા પછી થતી
‘જરા  આ પગ લંબાવો  ડોક આમ  ટટાર બા’ કહેતો  મીઠડા   શબ્દે   ફોટોગ્રાફર   ત્યાં  ફરે
સાળુને કોર  ને પાલવ  શિરે ઓઢેલ ભાગ ત્યાં ગોઠવ્યાં   શોભતી  રીતે  ફૂલ  પુસ્તક પાસમાં
ચહેરા પે તેજ ને  છાયા  શોભતાં લાવવા પછી પડદા  છાપરા  માંહે  આમ  ને  તેમ  ગોઠવ્યા
શામળા  વસ્ત્રથી  ઢાંક્યા  કેમેરામાં  લહી  લહી  લઈને  જોઈતું  ફોકસ  પ્લેટ  તેમાં  ધરી પછી
ઢાંકણું  ખોલતાં પહેલાં  સૂચના  આમ આપતો અજાણ્યો  મીઠડો  ખાલી  ફોટોગ્રાફર  બોલિયો
‘જોજો બા સ્થિર હ્યાં સામું ક્ષોભ ને શોક વિસ્મરી ઘરમાં  જેમ  બેઠાં   હો   હસતાં  સુખડાં  સ્મરી
આછેરું  હસજો   ને  બા  પાંપણો  પલકે  નહિ રાખશો  જેવું   મોં  તેવું  બરાબર  પડશે  અહીં’
અને  બા હસતી  કેવું  જોવાને  હું  જહીં  ફર્યો જૂઠડાં  વર્તમાનેથી    કારમા   ભૂતમાં   સર્યો
હસવાં   રડવાં   બેમાં   નમતું   કોણ  ત્રાજવું  જિંદગી જોઈ ના જોખી  કોઈએ  કદી બા તણી
યૌવને   વિધવા   પેટે   બાળકે   કંઈ  સાસરે સાસુ  ને સસરા  કેરા  આશ્રયે બા  પડી  હતી
વૈંતરું  ઘર  આખાનું   કરીને   દિન  ગાળતી પુત્રોના  ભાવિની  સામું  ભાળીને  ઉર  ઠારતી
બાએ  ના  જિંદગી  જોઈ ઘરની  ઘોલકી તજી એને કોઈએ  ન સંભાળી સૌને  સંભાળતી છતાં
ઘસાતી  દેહમાં  એના  રોગ  ને દોગ  ઊતર્યાં સૌની  બેપરવાઈથી   દર્દ  દુઃસાધ્ય  શું  થયું
અને  બાના  પ્રતિ  સૌને  કરુણાપ્રેમ  ઊમટ્યાં એહના  મનને   રાજી   રાખવા  મથતાં  બધાં
આછેરા  માતૃપ્રેમે   ને   આછા  કર્તવ્યભાનથી પ્રેરાઈને   અમે  ચાલ્યા દવા  બાની  કરાવવા
બતાવ્યાં શહેર બાને ત્યાં બંગલા બાગ મ્હેલ કૈં સિનેમા  નાટકો   કૈં  કૈં   ગાડીઘોડે ઘુમાવી ને
અમારા  પ્રેમ કે સ્વાર્થ  તણા સ્મારક  શો અમે અનિષ્ટો  શંકતા  ઈચ્છ્યું બાનો ફોટો પડાવવા
અને  ત્યાં  નમતા  પ્હોરે  ફોટોગ્રાફરને   તહીં ,અમે  બે  ભાઈ બાને  લૈ ગયા  ફોટો પડાવવા
પુત્રોથી  પતિથી   સાસુ  સસરાથી  અરે  બધા ,વિશ્વથી  સર્વદા સાચ્ચે  બિચારી  બા ઉપેક્ષિતા
પડા’વા બેઠી  ત્યાં ફોટો  ફોટોગ્રાફર ત્યાં  ઊભો ,અજાણ્યો  મીઠડો  ખાલી  હસવા ત્યાં કહી રહ્યો
અને  બા  હસતી  કેવું  જોવાને  હું  ફર્યો  જહીં ,બોર  શું  આંસુ  એકેક  બાને  નેત્રે  ઠર્યું  તહીં
ચિડાયો  ચિત્ર  લેનારો  ‘બગડી  પ્લેટ માહરી’ ,પ્લેટ શું  જિંદગીઓ  કૈં  બગડી  રે  હરિ હરિ !

———————————————————-

અભિસાર

મથુરા શે’રની રાંગે સંન્યાસી ઉપગુપ્ત કો’
સંકોડી ઈન્દ્રિયો સર્વે  એક રાત સૂતો હતો.

પવનમાં  પુરદીપ  ઠરેલ  છે,
જનતણાં ગૃહદ્વાર  બીડેલ  છે;
ગગનના ભર શ્રાવણ-તારલા
ઘનઘટા મહીં ઘોર  ડુબેલ છે.

ઓચિંતી અંધકારે ત્યાં  ગૂંજી  છે પગઝાંઝરી :
યોગીની છાતીએ પાટુ કોના પાદ તણી પડી ?

ચમકી પલક  માંહે  સંત જાગી ઊઠે છે,
સુખમય  નિંદરાના  બંધ  મીઠા તુટે છે.
ઝબુક ઝબુક જ્યોતિ ગુપ્ત કો’ દીપકેથી
કરુણ  વિમલ  નેત્રે  સંત  કેરે  પડે છે.

નામે વાસવદત્તા  કો પુરવારાંગના વડી
ચડેલી છે અભિસારે, માતેલી મદયૌવના.

અંગે ઝૂલે  પવન – ઉડતી  ઓઢણી આસમાની,
ઝીણી ઝીણી  ઘુઘરી રણકે  દેહ – આભૂષણોની;
પ્યારા પાસે  પળતી  રમણી  અંધકારે  અજાણે
સાધુગાત્રે ચરણ અથડાતાં  ઊભી સ્તબ્ધ છાની.

તરુણ સૌમ્ય  સુહાસવતી વયે,
નયનથી  કરુણા-કિરણો  દ્રવે;
મધુર ઇન્દુ સમી સમતા-સુધા
વિમલ લાલ લલાટ થકી ઝરે.

લજ્જાભારે નમ્યાં નેત્ર, લાલિત્યે ગળિયું ગળું
આજીજીના સ્વરો કાઢી યાચે છે અભિસારિકા:

‘ક્ષમા  કરો ! ભૂલ  થઈ  કુમાર !
કૃપા ઘણી, જો મુજ  ઘેર ચાલો.
તમે  મૃદુ,  આ  ધરતી   કઠોર.
ઘટે ન આંહીં પ્રિય તોરી શય્યા.’

કરુણ વચન બોલી યોગી આપે જવાબ,
ટપકતી  અધરેથી  માધુરીપૂર્ણ  વાણી:

‘નથી  નથી  મુજ  ટાણું  સુંદરી ! આવ્યું હાવાં,
જહીં તું જતી જ હો ત્યાં આજ તો જા સુભાગી !
જરૂર   જરૂર   જ્યારે   આવશે   રાત   મારી,
વિચરીશ  તુજ  કુંજે  તે  સમે   આપથી   હું.’

ઓચિંતો આભ ફાડે  લસલસ વિજળીજીભ – ઝૂલન્ત ડાચું,
કમ્પી ઊઠી ભયેથી રમણી રજની – અંધાર એ ઘોર વચ્ચે;
વાવાઝોડું  જગાવી  પવન  પ્રલયના્  શંખ   ફૂંકે  કરાલ,
આભેથી વજ્ર  જાણે  ખડખડ  હસતું  મશ્કરી કો’ની માંડે !

વીત્યા છે કૈં દિનો માસો આષાઢી એહ રાતને,
વર્ષ પૂરું  નથી વીત્યું, સંધ્યા  ઢોળાય ચૈત્રની

ફરર  ફરર  ફૂંકી  આકળો  વાયુ  વાય,
સડક પર  ઝુકેલા વૃક્ષને  મ્હોર   બેઠાં ;
ઊઘડી  ઊઘડી મ્હેકે  રાજબાગે રૂપાળાં
બકુલ, રજનીગંધા, પુષ્પ પારુલ પ્યારા

વાયુની લ્હેરીએ  વ્હેતા આવે દૂર-સુદૂરથી,
મંદ મંદ સુરા-ભીના ધીરા કૈ સ્વર બંસીના.

નગર નિર્જન : પૌરજનો બધાં
મધુવને  ફૂલ-ઉત્સવમાં ગયાં;
નિરખતો ચુપચાપ સૂની પુરી
હસી રહ્યો  નભ પૂનમચાંદલો.

સૂને  પંથે  નગર  મહીં  એ   નિર્મળી  ચાંદનીમાં
સંન્યાસી કો’ શરદ – ઘન શો એકલો જાય ચાલ્યો;

એને માથે તરુવર તણી  શ્યામ ઘેરી ઘટાથી
વારે વારે ટહુ ! ટહુ ! રવે કોકિલા સાદ પાડે.

આવી શું આજ એ રાત્રી, યોગીના અભિસારની ?
આપેલા  કોલ આગુના, પાળવા શું પળ છે એ ?

નગરની બા’ર તપોધન નીસર્યો,
ગઢની રાંગ  કને  ભમવા ગયો,
તિમિરમાં   સહસા  કંઈ  પેખિયું
વનઘટા તણી છાંય  વિષે પડ્યું.

પડી  નિજ  પગ પાસે  એકલી  રંક  નારી,
તન   લદબદ  આખું   શીતળાનાં  પરુથી;
વિષ સમ ગણી એની કાળી રોગાળી કાયા,
પુરજન  પુર બા’રે  ફેંકી  ચાલ્યા  ગયા’તા.

સંન્યાસીએ નમી નીચે, માથું રોગવતી તણું
ધીરેથી ઝાલીને ઊંચું  પોતાના અંકમાં ધર્યું.

 સૂકા એના અધર પર  સીંચી  રૂડી નીરધારા,
પીડા એને શિર શમવવા શાંતિમંત્રો ઉચ્ચાર્યા:
ગેગેલા  એ  શરીર  ઉપરે  ફેરવી હાથ ધીરો,
લેપી દીધો સુખડઘસિયો લેપ શીળો સુંવાળો.

પૂછે રોગી: ‘મુજ પતિતની પાસ ઓ આવનારા !
આંહીં તારાં પુનિત પગલાં કેમ થાયે, દયાળા ?’
બોલે યોગી: ‘વિસરી ગઈ શું કોલ એ, વાસુદત્તા !
તારા મારા મિલનની સખિ ! આજ  શૃંગારરાત્રી.’

ઝર્યાં  પુષ્પો  શિરે  એને, કોકિલા  ટહુકી  ઉઠી,
પૂર્ણિમારાત્રિની  જાણે જ્યોત્સ્નાછોળ છલી ઉઠી

————————————-

ઝંડા ઊંચા રહે હમારા

વિજયી  વિશ્વ  તિરંગા  પ્યારા, ઝંડા    ઊંચા    રહે    હમારા

સદા    શક્તિ   સરસાનેવાલા ,પ્રેમ     સુધા    બરસાનેવાલા
વીરો     કો      હર્ષાનેવાલા , માતૃભૂમિ  કા  તન  મન સારા
ઝંડા    ઊંચા    રહે    હમારા,
સ્વતંત્રતા  કે  ભીષણ  રણ મેં ,કણ કણ જોશ બઢે ક્ષણક્ષણ મેં
કાંપે  શત્રુ  દેખ   કર  મન મેં, મિટ  જાયે  ભય  સંકટ  સારા
ઝંડા    ઊંચા    રહે    હમારા
ઈસ   ઝંડે  કે  નીચે   નિર્ભય, લે સ્વરાજ યે અવિચલ નિશ્ચય
બોલો   ભારતમાતા  કી  જય, સ્વતંત્રતા   હી  ધ્યેય  હમારા
ઝંડા    ઊંચા    રહે    હમારા
આઓ  પ્યારે   વીરો   આઓ ,દેશ ધર્મ પર બલિ બન જાઓ
એક સાથ સબ મિલકર ગાઓ ,પ્યારા   ભારત   દેશ  હમારા

 —————————–

**  લોકગીત/ ફિલ્મગીત :  ઘણા ખરા લોકગીતો ગુજરાતી ફિલ્મોમાં સમાવી લેવાયા છે. હોથલ પદમણી થીએટર માં જોયેલ પહેલી ફિલ્મ હતી. આજ પણ મને સારી ગુજરાતી ફિલ્મો જોવાની મજા આવેછે.ખાસ કરીને ઐતિહાસિક. મને ઘણા બધા ગીત ગમે છે પણ અહીં થોડા જ પોસ્ટ કરેલા છે.

દાદા હો દીકરી, દાદા હો દીકરી

દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં મ દેજો રે સૈ
વાગડની વઢીયારણ સાસુ દોહ્યલી રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

દીએ દળાવે મુને, દીએ દળાવે મુને, રાતલડીએ કંતાવે રે સૈ
પાછલે તે પરોઢીએ પાણી મોકલે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઓશીકે ઈંઢોણી વહુ, ઓશીકે ઈંઢોણી વહુ, પાંગતે સીંચણિયું રે સૈ
સામી તે ઓરડીએ, વહુ તારું બેડલું રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઘડો ન બુડે મારો, ઘડો ન બુડે, મારું સીંચણિયું નવ પૂગે રે સૈ
ઊગીને આથમિયો દી કૂવા કાંઠડે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું રે
લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું રે
પગલીનો પાડનાર દ્યોને રન્નાદે , વાંઝિયાં મે’ણાં માતા દોહ્યલાં
દળણાં દળીને હું  ઊભી  રહી, કુલેરનો માગનાર દ્યોને રન્નાદે
વાંઝિયાં મે’ણાં માતા દોહ્યલાં
મહીડાં વલોવીને હું ઊભી રહી, માખણનો માગનાર દ્યોને રન્નાદે
વાંઝિયાં મે’ણાં માતા દોહ્યલાં, પાણીડાં ભરીને હું તો ઊભી રહી
છેડાનો  ઝાલનાર દ્યોને  રન્નાદે , વાંઝિયાં મે’ણાં માતા દોહ્યલાં
રોટલાં ઘડીને  હું તો ઊભી  રહી,ચાનકીનો માગનાર દ્યોને રન્નાદે
વાંઝિયાં મે’ણાં માતા દોહ્યલાં
ધોળો ધફોયો  મારો સાડલો  રે, ખોળાનો ખૂંદનાર દ્યોને રન્નાદે
વાંઝિયાં મે’ણાં માતા દોહ્યલાં

બેડાં મારા નંદવાણાં

પાણી ગ્યા’તાં રે બેની અમે તળાવનાં રે
પાળેથી લપટ્યો  પગ,  બેડાં મારા નંદવાણાં રે

ચોરે બેઠાં રે બેની તારા સસરાજી રે
કેમ કરી ઘરમાં જઈશ કે, બેડાં તારા નંદવાણાં  રે

લાંબા તાણીશ રે બેની મારા ઘૂમટાં રે
રૂમઝૂમ કરતી જઈશ કે, બેડાં મારા નંદવાણાં રે

પાણી ગ્યા’તાં રે બેની અમે તળાવનાં રે
પાળેથી લપટ્યો  પગ, બેડાં મારા નંદવાણાં રે

ડેલીએ બેઠાં રે બેની તારા જેઠજી રે
કેમ કરી ઘરમાં જઈશ કે, બેડાં તારા નંદવાણાં  રે

લાંબા તાણીશ રે બેની મારા ઘૂમટાં રે
ધમધમ કરતી જઈશ કે, બેડાં મારા નંદવાણાં રે

પાણી ગ્યા’તાં રે બેની અમે તળાવનાં રે
પાળેથી લપટ્યો  પગ, બેડાં મારા નંદવાણાં રે

ઓસરિયે બેઠાં રે બેની તારા સાસુજી રે
કેમ કરી ઘરમાં જઈશ કે, બેડાં તારા નંદવાણાં  રે

લાંબા તાણીશ રે બેની મારા ઘૂમટાં રે
હળવે હળવે  જઈશ કે, બેડાં મારા નંદવાણાં રે

પાણી ગ્યા’તાં રે બેની અમે તળાવનાં રે
પાળેથી લપટ્યો  પગ, બેડાં મારા નંદવાણાં રે

ઓરડે બેઠાં રે બેની તારા પરણ્યોજી રે
કેમ કરી ઘરમાં જઈશ કે, બેડાં તારા નંદવાણાં  રે

આઘા રાખીશ રે બેની મારા ઘૂમટાં રે
મલકી મલકી જઈશ કે ,બેડાં મારા નંદવાણાં રે

પાણી ગ્યા’તાં રે બેની અમે તળાવનાં રે
પાળેથી લપટ્યો  પગ ,બેડાં મારા નંદવાણાં રે

હે મારી શેરીએથી કાનકુંવર
હે મારી શેરીએથી કાનકુંવર આવતાં રે લોલ, મુખેથી મોરલી બજાવતા રે લોલ
હું તો ઝબકીને જોવા નીસરી રે લોલ, ઓઢ્યાનાં અંબર વીસરી રે લોલ
હું તો પાણીડાંને મસે જોવા નીસરી રે લોલ, ઈંઢોણી ને પાટલી વીસરી રે લોલ
સાગ રે સીસમની મારી વેલડી રે લોલ, નવલે સુથારે ઘડી પીંજણી રે લોલ
મેં તો ધોળો ને ધમળો બે જોડિયા રે લોલ,જઈને અમરાપરમાં છોડિયા રે લોલ
અમરાપરના તે ચોકમાં દીવા બળે રે લોલ, મેં તો માન્યું કે હરિ આંહીં વસે રે લોલ
મેં તો દૂધ ને સાકરનો  શીરો કર્યો રે લોલ, તાંબાળુ ત્રાંસમાં ટાઢો કર્યો રે લોલ
હું તો જમવા બેઠીને જીવણ સાંભર્યા રે લોલ, કંઠેથી કોળીયો ન ઊતર્યો રે લોલ
મને કોઈ રે દેખાડો દીનાનાથને રે લોલ, કોળીયો ભરાવું જમણા હાથનો રે લોલ
હું તો ગોંદરે તે ગાવડી છોડતી રે લોલ, ચારેય દશ્યે નજર ફેરતી રે લોલ
હે મારી શેરીએથી કાનકુંવર આવતાં રે લોલ ,મુખેથી મોરલી બજાવતા રે લોલ

10 Responses to મારું કલેક્શન

 1. beingfalguni કહે છે:

  you have got a lovely collection…. loved it… take me to many childhood memories… thank you…. also thanks visiting my blog…. am not a consistent blogger … but trying to be…. one more thanks for the tips on gujarati typing….. never knew abt it…. gonna try my hand on it…. thanks for the inspiration…. do visit again… have a good time… i enjoyed visiting your blog….

  • riteshmokasana કહે છે:

   welcome always , you know , i m proud many our gujju friends share our feelings and heart throbe talking viz pen (net).i m writting one novel as well i like it in english too..hope you visit again, thanks for kind words & valued comment.

 2. આપની સાહિત્ય પ્રત્યેની દીઘદ્રષ્ટિ વિશિષ્ટ છે.

  સુદર સંકલન છે, મારા ભાઈ

 3. jugalkishor કહે છે:

  તમારો આ સંગ્રહ એક જમાનાનો ઉત્તમ ખજાનો હતો. આ ગીતો જીવતાં રહ્યાં હોય તો તેના લયને કારણે તથા શબ્દોની વિશેષ પસંદગીની યોજનાને કારણે…..તમે એક જગ્યાએ આ બધાંને મૂકીને ઉપયોગી કામ કર્યું છે….

 4. હરીશ દવે કહે છે:

  સુંદર સંગ્રહ. ગુજરાતની આવનારી પેઢીઓ માટે ખૂબ ઉપયોગી. તમારા કાર્ય પ્રત્યે મને માન થાય છે. અભિનંદન.

 5. વિજય મેહતા કહે છે:

  ઘણા બધા વર્ષો પછી આ બધી કવિતાઓ વાંચી ને રોમાંચિત થઇ ગયો. ખરેખર બહુજ સારું કલેકશન છે. વાંચીને તરત જ એક કવિતા ‘જનની ની જોડ નહિ જડે…’ કોપી કરીને મારા બે ત્રણ વહાટ્સ એપ ગ્રુપ માં મોકલી આપી અને ઘણો સરસ રિસ્પોન્સ મળ્યો.
  અભિનંદન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s