માં મને જીવવું છે !

માં મને જીવવું છે !

પુરુષની શક્તિના અંશનું બીજારોપણ થયા બાદ સ્ત્રીનાં હાવભાવ અને લાગણીઓ બદલાઈ જાય છે. અને એમાંય ખાસ કરીને પ્રથમ વાર ગર્ભવતી થતી સ્ત્રીની તો વાત જ નિરાળી છે. બે ગર્ભવતી સ્ત્રીઓ એક કલીનીકમાં આવેલી છે. ડોકટર પાસે જવા માટે બંને લાઈનમાં બેઠેલી હતી ત્યારે તો એક બીજા સામે જોઈ રહેલી. બંને ને એક બીજા રૂમ બહાર બેસવા માટે કહ્યું છે. બંને એક બીજાને અડીને બેઠી છે. સ્ત્રી સહજ સ્વભાવ અને એકાંત મળ્યો કે બંને એક બીજા સાથે વાત કરવા લાગી ગઈ. બંને એકબીજા સામે ફરી એટલે બંનેના ગર્ભમાં રહેલ બાળક પણ નજીક આવી ગયા. તો તેઓમાં પણ સ્ત્રી સહજ સ્વભાવ હતો. એય વાતો કરવા લાગ્યા.
“ હું છોકરી છું અને મારું નામ તો કોને ખબર; પડશે કે કેમ ? તું છોકરો છે કે છોકરી ? ”
“ હું પણ છોકરીજ છું સખી. ”
“ તારી મમ્મી મારી મમ્મી ની જોડે જ બેઠી છે કેમ ? ”
“ હા, પણ તારી મમ્મી અહી કેમ આવી છે ? ”
“ હજી તો આપણામાં વધુ સુદ્ધિ નથી પણ થોડી અક્કલ ને બુદ્ધિ ખરી ! ”
“ કેમ તારી મોમ ટીચર છે ? અને કેમ શું વાત છે એ તો કહે સખી. ”
“ મારી મોમ ટીચર નથી પણ મને કોણ જાણે એવું લાગે છે કે, હું તેને ગમતી નથી. તારી મોમ કોણ છે ? ”
“ ઓહ, મારી મોમ તો એક સમાજ સેવિકા છે. અને તારી મોમ ? ”
“ મારી મોમ એક ગૃહિણી છે. તું કેમ આવું કહે છે ? ”
“ કારણ મારી મોમ તો એકદમ તંદુરસ્ત છે. અને જ્યારથી મારું એનામાં બીજારોપણ થયું છે ત્યારથી તો એનું વજન પણ ખાસું વધી ગયું છે. ”
“ તો વાત શું છે ભલી ? ”
“ કોને ખબર મારો શું દોષ છે ? હજી તો મેં ધરતી પર પગ પણ મુક્યો નથી. એને એક પણ રીતે હેરાન નથી કરતી, તોયે કેમ, હું તેને ગમતી નથી ? ”
“  કેમ તને લાતો મારે છે ? ”
“ લાતો મારે તો હું સહન કરી લઈશ પણ મારું નિકંદન કાઢવાની વાત ચાલે છે ત્યાં ? ”
“ હું કંઈ સમજી નહિ સખી ”
“ મને પણ નથી સમજાતું કે પહેલા મને બોલાવીને એના પેટમાં મને પોષણ આપ્યું. પણ હવે મને ધરતી પર આવું તે પહેલા મારી નાખવા માંગે છે ! ”
“ ઓહ, કેવું કહેવાય ? ”
“ મારી ધારણા મુજબ એ વાત સાચી છે. પણ તારી મોમ કેમ અહીં આવી છે ? ”
“ મને લાગે છે કે મારો સ્વભાવ થોડો જરૂર કરતા વધારે ભોળો છે. ”
“ કેમ એવું બોલે છે ? ”
“ હા, મારી મોમ જયારે ડોક્ટર સાથે વાત કરે ત્યારે હું તો એકદમ મોજેથી સુતી હોય છું. એની કોઈ વાત ને સાંભળતી નથી. કાયમ એવુંજ વિચારું કે એ તો મારી મોમ છે. અને મેં ઘણી વાર ટીવી અને કોઈની પાસેથી સાંભળ્યું છે કે માં તે માં બીજા બધા વગડાના વા ! જનની ની જોડ સખી નહિ જડે રે લોલ ! ”
“ તો તું શું માને છે તારી મોમ પણ મારી મોમ જેમ તારું ….. ”
“ હા યાર મને પણ હવે મારી મોમ પર શંકા જવા લાગી છે. પણ એક વાત કહે તારા ડેડી કશું બોલેલા ? ”
“ હા, તેવો પણ એવુંજ કહેતા કે બે દિવસ આંશુ સારી લેવામાં શાણપણ છે. ”
“ હા એવું કંઈક તો મારા ડેડી પણ બોલતા હતા. શું કરીએ બોલ ? ”
“ આપણે શું કરી શકીએ. આપણે તો હજી માંના ઉદરમાં છીએ. ”
“ તારી વાત તો સાચી છે. પણ મને એક વિચાર આવે છે કે સ્ત્રી થકી તો છોકરી જન્મે છે; તો પછી છોકરી ના હોય તો…? ”
“ બહુ સોલીડ વાત કરી તેં……એકદમ સ્માર્ટ છે હોં. પણ આપણા માંબાપ કેમ આવું સ્ટેપ લે છે ? ”
“ તું તો કોઈ વાતમાં ધ્યાન આપતી નથી; એકદમ બેફીકર થઈને ઉદરમાં પડી હોય છું. અત્યારે એકદમ ભાવુક થઈને મારી પર પ્રશ્નો વરસાવા લાગી છે. ”
“ પ્લીઝ યાર, એવું ના કર હવેથી હું થોડી ચબરાક બનીશ, પ્રોમિસ બસ ! ”
“ જીવતી હઈશ તો ને ? ઓકે બાબા, મેં તો ઘણી વાર થયેલ વાતો પરથી સાંભળ્યું છે કે દીકરી તો સાપનો ભારો. દીકરી તો મરે ત્યાં સુધી માંગે. દીકરી તો જન્મે કે ઉછેરીને અઢળક રૂપિયા ખરચવાના ને પછી પારકે ઘરે સોંપી દેવાની. ”
“ વાત તો એમની સાચી પણ, એના માટે કોણ જવાબદાર છે ? તારા ડેડ કદી તને જીવાડવા માટે કશું નથી બોલતા ? ”
“ આપણે તો બહુ નાની વ્યક્તિઓ છીએ. જવાબદાર તો આખો સમાજ અને સમાજ વ્યવસ્થા છે. અને મારા ડેડી અને મોમ બંને મળીને તો મારું કાટલું કાઢવા બેઠા છે. તારા ડેડ શું કહે છે, એતો હું પૂછી પણ શકું તેમ નથી. ”
“ જો હવે એ મારું લીમીટેશન છે પણ આપણ માંબાપનું શું લીમીટેશન હશે કે આપણ ને જન્મતા પહેલા મારવા માટે તૈયાર થયા છે ? ”
“ શું કરીએ, મને તો એવું થાય છે કે એમને માંબાપ કહેવા કે……? ”
“ મતલબ ?? ”
“ એજ તો ને ? માંબાપ તો એને કહેવાય જે છોકરાવ ને જોઇને લાગણીશીલ બની જાય; ઓળઘોળ થઇ જાય. ”
“ તું સાચી છે, આપણા માંબાપ તો લાગણી ને બદલે આપણી પર ઝેર ઓકીને આપણો વધ કરવા બેઠા છે ! ”
“ આનો કોઈ રસ્તો ના હોય ?? મેં તો એવું સાંભળ્યું છે કે; હર કોઈ સમસ્યાનું સમાધાન જરૂર હોય ! ”
“ હું તો વધુ નથી જાણતી પણ મારી જે દાદી થવાની છે તે એવું કહેતી હોય છે કે, સંકટ સમયે ભગવાનને ભજવાથી કોઈને કોઈ રસ્તો નીકળી આવે ! ”
“ તો પછી એક કામ કરીએ, બેય ભગવાન ને પ્રાર્થના કરીએ કે આપણું રક્ષણ કરે. ”
“ કાશ, આ લોકો કોઈ એવા દંપતીઓની વ્યથાને જાણે, કે જેઓ સંતાન માટે ભગવાન પાસે હાથ જોડી કરગરતા હોય! ”
“ અરે એવા લોકો પણ છે કે જે સંતાન માટે તરસતા હોય ? ”
“ ચોક્કસ, એવા તો ઘણા લોકો આ પૃથ્વી પર છે જે સંતાન માટે તરસવાની સાથે તડપે છે. પત્થર એટલા ને દેવ કરીને પૂજે છે. અને નિસહાય બનીને કંઈ પણ કરી છૂટવા તૈયાર છે. ”
“ તો એવા લોકો પણ છે કે જેઓ સંતાનને ખુબ ખુબ પ્રેમ આપે છે. તો આપણા જેવાના માબાપો એવા પણ છે કે જેઓ દીકરીને અવતરણ પહેલા મરણ ને ઘાટ પહોંચાડવા બેઠા છે. ”
“ માન કે હિન્દી મૂવીની જેમ કોઈ ચમત્કાર થયો ને આપણે બચી ગયા તો; મારી સાથે ફ્રેન્ડશીપ કરીશ ને ? ”
“ એ કંઈ પૂછવાની વાત છે? તારી સાથે ફ્રેન્ડશીપ તો થઇ જ ગઈ. કદાચ પૃથ્વી પર નહિ તો બીજે કશે પણ તને જરૂર મળીશ જ ”
એમ બોલીને બંને બાળકો ઉદરમાં પડ્યા પડયા હરિ સ્મરણમાં લાગી ગયા. તન અને મનનો એકતારો સાધી લીધો.

મુખવાસ : કોઈના ઘરમાં અજવાળું ના કરીએ તો ઠીક, પણ અંધારું કદી ના કરીએ !

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

9 Responses to માં મને જીવવું છે !

  1. aataawaani કહે છે:

    પ્રિય રીતેશ ભાઈ
    તમારી વાર્તાઓ ખુબ ગમે એવી અને સમજવા જેવી અને નવીનતા વાળી હોય છે મને બહુ ગમે છે .
    આવી તમારી વાર્તાઓની બુક બનાવવાના છો ?
    જો બુક બનાવો અને એમાં મારા યોગ્ય મદદ ની જરૂર હોય તો મને જણાવજો .
    એક મારા સ્વાર્થની વાત .
    હું જે ગામડામાં જન્મ્યો છું ,એ દેશીંગા ગામ વિષે હું નાનો હતો ત્યારે વડીલો પાસેથી વાતો સાંભળેલી અને આ બાબતના કોઈ કોઈ પ્રસંગો હું “આતાવાણી” માં લખતો . મને બ્લોગર ભાઈ શ્રી સુરેશ જાનીએ કીધું કે આને તમે રીતસર બ્લોગમાં લખતા જાઓ . અને પછી મેં રીતસર બ્લોગમાં લખવાનું શરુ કર્યું . મારા ગામના એક યુવકે મને કીધું કે દાદા આની બુક બનાવો આ મારાં લખાણો “આતાવાણી” માં દેશીંગાનો ઈતિહાસ એ લખાણ ઉપર વાંચવા મળશે .
    મારો તમને પ્રશ્ન છે કે તમે આ બુકમાં પ્રસ્તાવના લખી આપો ખરા ?અથવા તમે કોઈને પ્રસ્તાવના લખી આપવાનું કહી શકો ખરા ?
    હું ચોક્કસ પણે જાણું છું કે આ સમયમાં કોઈને ભાગ્યેજ આવા લખાણો વાંચવામાં રસ હોય છે . પણ મને ગમે છે અને બીજા અમુકને ગમશે ખાસતો મારા નિજાનંદ માટે છે . ખર્ચ હું ભોગવવાનો છું .

  2. રીતેશ મોકાસણા કહે છે:

    આતા,
    મારી હર એક પોસ્ટની કોમેન્ટમાં એક જુવાન ડોસલો છવાયેલો જોઇને ખુબ આનંદ થાય છે. મારી એક ટૂંકી નવલિકાની બુક પબ્લીશ થયેલ છે. અને બીજી પ્રેસમાં છે. હું તમને ઈમૈલમાં બધું વિગતવાર લખું છું. ચેક કરી લેજો. અવાર નવાર બ્લોગની મુલાકાત લેતા રહેશો.

  3. nabhakashdeep કહે છે:

    બસ વાંચ્યા જ કરીએ….એક મનનીય સાહિત્યકારની વાર્તાઓને…ખૂબ ખૂબ અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

  4. મૌલિક રામી કહે છે:

    બહુ સરસ લખો છો. અમને પણ જણાવજો તમારી પુસ્તક વિશે. આભાર

    • રીતેશ મોકાસણા કહે છે:

      મૌલિક રામી,
      પ્રથમ તો મારા બ્લોગની વિજીટ બદલ આભાર. અને બીજો આભાર મારી બુક વાંચવા માટે ના રસ થકી. માફી ચાહીશ કે મારા બુકની કોપી તમને મળે કે કેમ પણ હું તમને ઈ-કોપી ચોક્કસ મોકલીશ. તો મને કૃપા કરી જણાવશો કે તમને સહેલાઈથી કેવી રીતે મળે ? અવાર નવાર આવીને પ્રતિસાદ આપતા રહેજો. સમય મળ્યે આપણ બ્લોગની મુલાકાત પણ અવશ્ય લઈશ જ !

  5. aataawaani કહે છે:

    મારા ગ્રેટ ગ્રાન્ડ સન નીરજને ત્યાં બાળક જન્મવાનું છે . એની વાઈફ નિધિ નીરજના બીજને પોતાના પેટમાં ઉછેરી રહી છે .
    મેતો એને કહી રાખ્યું છે કે જો દીકરીનો જન્મ થશે તો મોટું ઇનામ અને જો દીકરો આવશે તો ઇનામ હું જરાક નાનું આપીશ .તમને બન્નેને થશે કે કેમ એમ ? તો જવાબ એ છે કે દીકરી હશે તો મોટી થઈ ને એમ કહેશે કે દાદા બેસી જાઓ હું તમારી દાઢી અને માથાના વાળ ઓળી દઉં . અને દીકરો હશે તો એમ કહેશે દાદા આ પુળા જેવડી દાઢી તમારા મોઢા ઉપર શોભતી નથી કાઢી નાખજો।

Leave a reply to રીતેશ મોકાસણા જવાબ રદ કરો