ચાલતા ચોટીલા

ચાલતા ચોટીલા

સ્કૂલેથી બે કલાક વહેલા રજા મળી એટલે બધાં તળાવની પાળેજ ગયાં. અમે લોકો તો હજી ઢાળ ચઢીને ઉપર જવા જઈએ કે અમારું સ્વાગત કરતા વજો અને જીલો ઉભેલા. મને તો ઠીક પણ હકાને ખુબ નવાઈ લાગી કે જીલો તો ઠીક પણ આ વજો અહીં ક્યાંથી ? જે પહેલો પ્રશ્ન થયો છે તો એનો જરા ફોડ પાડી દઉં. બન્યું એવું કે જીલો અમારી સ્કૂલના પાછળના ભાગમાં રહે. અમે સ્કૂલથી છૂટીએ એટલે નરીયો, દિલો અને ટીનો ત્રણે તોફાન કરતા હોય. હકો એમાં ટાપશી પૂરીને મજા લે. હું, જીગો, અશ્કો, દલો વિગેરે થોડા ઓછા તોફાની. અમે લોકો ને બહાર આવતા જોયા કે જીલો અમારી આગળ થઈને તળાવે પહોંચી ગયો. એ ગયો ત્યારે વજો તળાવની પાળે એની ભેંસોને ચરાવતો હતો. અને જીલો એટલો ભોળો નહિ કે અમારી ખબર આપ્યા વિના રહી શકે.
આવી આકસ્મિક અને અજાયબી ભરી મિટિંગ પહેલી વારની હતી. હજી તો અમે બધા હનુમાનજીની ડેરીએ પહોંચ્યા કે સામેથી ઉમલો અને ધમાલિયો ધમલો આવતા દેખાયાં. અમે લોકોએ જીગા સામે જોયું કે જીગો ડઘાઈને બોલી ઉઠ્યો
“ મેં કોઈને નથી કહ્યું….. ”
“ એ તો ઠીક પણ આ લોકો ક્રિકેટ મેચમાં પણ આપણી જોડે નહિ ને આજે કેમ ? ” ટીનો ગર્જ્યો.
“ કોઈ કશું બોલશો નહિ.” હકાએ બધાને સાવધ કર્યા.
બંને આવીને છાના માના ઉભા રહી ગયા. અમે સીધા સ્કૂલથી આવેલા એટલે ટાઈમ બગાડ્યા વગર અમારી મિટિંગ ચાલુ રાખી.
“આ શનિવારે રાત્રે જવાનું રાખીએ કેમ ? ” નરીયા એ વાત ચાલુ કરી.
“ હા આમતો એજ બરાબર રહેશે ” મેં ટેકો આપ્યો. અને જોયું તો ઉમાએ દલાને કંઈક ઈશારો કર્યો
“ ક્યાં જવાનું છે ? ” દલાએ પૂછ્યું.
“વચ્ચે બોલ્યા વગર નહિ રહેવાય ? ” આજે પહેલી વાર અશ્કો અકળાયો
“ ઠીક છે તો હું નથી આવતો…. ” કહેતો દલો તો ખભે બેગ ભરાવીને ચાલતો થયો. આથી હકો એને ખેંચીને લઇ આવ્યો.
“ જીગા હવે તુંજ બધાને આખો પ્લાન વિસ્તારથી કહી સંભળાવ ” મેં કહ્યું કે હકો મને બાજ્યો
“ અરે તને વધુ સારું ફાવશે…..પ્લીઝ ” જીગાએ મને પ્લીઝ કહ્યું એટલે હું પણ પીગળી ગયો. અને જરાપણ અભિમાન રાખ્યા વગર કહ્યું.
“નક્કી કરેલ પ્લાન મુજબ આ શનિવારે રાત્રે લગભગ બાર વાગે આપણે સૌને ચોટીલા ચાલતા જવાનું છે. બધાએ મિનિમમ વિસ 20-20 રૂપિયા જોડે લાવવાના છે. જેમાંથી સવારનો નાસ્તો એન્ડ બપોરનું જમવાનું. બધાએ મહેલ્લામાં મોડમાં મોડું અગિયાર વાગે આઈ જવાનું ….” હજી તો હું આગળ બોલવા જતો હતો કે પીપળાની શેરી વાળો ઉમલો શાંત ના રહી શક્યો.
“ કેમ એક કલાક વહેલા ??? ”
“ અરે તારે આવવાનું નથી તો શું કામ વચ્ચે ઢેખાળા મારે છે ? ” દિલો તો ઉમલાને મારવા દોડ્યો. આથી જીલાએ એને પકડી રાખ્યો.
“ તું આગળ કહે…..અને હવે જો કોઈ વચ્ચે બોલ્યો છે એને લઇ જવામાં નહિ આવે ” હકાએ કહ્યું.
“ હું બોલીશ મને ના લઇ જતા ” કાયમ હકાની વાત કાપનારો નરીયો બોલ્યો
“ હવે બધા ચૂપ થશો ? ” દિલો ફરી વાર ગર્જ્યો. મેં ફરી વાર ચાલુ કર્યું.
“જુઓ, પવલો આપણી સાથે આવશે ”
“તો હું પણ ખરો અને ધમો… ” ઉમલાએ પણ કહી આપ્યું.
“પવલો કોણ ? ” વજાએ પૂછ્યું
“તું ભેંસો ચારે એ જ બરાબર છે ! ” નરીયો વજા પર ગુસ્સે થયો.
“પવલો ટોની..દવાખાના વાળો, મારો મિત્ર ખરોને ! ” મેં ચોખવટ કરી. અને અંતે બધાએ ખાલી ઉમલાને આવવા માટે કહ્યું. આથી ધમાલિયો ધમો ધમપછાડા કરતો જતો રહ્યો.
અંતે બધું હેમખેમ પાર પડ્યું. અને શનિવારે રાત્રે બાર વાગ્યે મારા ઘરેથી ચોટીલા ચાલતા જવાનો પ્લાન પાસ થયો. શનિવારે રાત્રે દશ વાગ્યાથી મારા ઘરે બધા આવવા લાગ્યા. મેં બધાને આગોતરી ચેતવણી આપેલી કે કોઈએ ધમાલ ના કરવી..બધી ધમાલ રોડ (નેશનલ હાઇવે નંબર-8A) પર ચઢીયે પછી. બધાને ચેતવવાનું એટલા માટે કે મારા ફાધર થોડા સ્ટ્રિક્ટ હતા. વધારે પડતી ધમાલ થાય તો ચોટીલા જવાનું પણ બંધ રહે. જીગાએ બધાને સૂચના આપી દીધી. એ મુજબ બધા રેડી હતા. બરાબર બાર વાગીને સાત મિનિટે અમે મહેલ્લો છોડીને બહાર નીકળ્યા. મારા ફાધરે બધાને સાચવીને જવા માટે અનુરોધ કર્યો અને મારા બાએ ભલામણ !
મિત્રો મારા ગામથી ચોટીલા એકઝેક્ટ 33 કિલોમીટર( આ ખબર અમારો જેમ્સ બોન્ડ જીગો નથી લાવ્યો પણ રોડ પર સરકારે લગાડેલ માઈલ સ્ટોન ની માહિતી) નિયમ મુજબ બધાએ રોડની રફ કિનારે કિનારે ચાલવાનું અને બધા નિયમનું બરાબર પાલન કરતા હતા. જોકે કર્યા સિવાય છૂટકો પણ નહોતો. રોડ પર ધમધમાટ આવતા ટ્રક !!
એક સાથે બાર તેર છોકરા જતા હોય તો કાંઈ પરેડની જેમ ના જતા હોય. કોઈ આગળ તો ઘડી પાછળ, ઘડી એકની સાથે તો ઘડી બીજાની સાથે. વાતો અને જોકની ગમ્મતો. એ મુજબ અમારી ટીખળ ટોળી ધીમે ધીમે આગળ વધતી હતી. થોડા આગળ ગયા કે તળાવની છેવાડાની પાળમાંથી દોડતો દોડતો દિનો આવ્યો. દિનો એટલે એકદમ અજાણ્યું પણ જાણીતું પાત્ર. એના ફાધર માસ્તર હતા. અમે બધા એ વિચારવા લાગ્યા કે આ દિનિયાને કોણે જાણ કરી ?
એ તો હાંફતો હાંફતો અમારી સાથે સાથે ચાલવા લાગ્યો. બે મિનિટ તો કોઈ કશું ના બોલ્યું પણ દિલાએ મૌન તોડ્યું !
“દિના ક્યાં, વીડમાં જાય છે કે કોઈના ખેતરે ? ”
“ના, ચોટીલા”
“ઠીક છે ” કહીને એ તો ઉભો રહી ગયો અને એક આવતા ટ્રકને ઉભો રાખવા હાથ ઊંચો કર્યો ને ટ્રક વાળાએ ઉભો પણ રાખ્યો. “ ભાઈ તમે જવા દો…..એય દિલીયા તારા પેટમાં શું દુખે છે ? ” આમ દિલીપ અને દિનેશ વચ્ચે વાક્યુદ્ધ ખેલાયું.
“દિલા…ભલેને આવતો…એના પગે આવવું છે ને ! ” હકાએ એનો પક્ષ લીધો. (એનો પક્ષ કેમ લીધો ? એ કારણનો જવાબ એપ્રિલ મહિનામાં મળ્યો. હકાને પાસ થવા માટે કાયમ બે ત્રણ માર્ક તો ઓછામાં ઓછા ઘટતા હોય.)
થોડા આગળ ગયા કે પેલો ટ્રક વાળો ઉભો હતો. આથી જીગો, વજો અને પવલો બી ગયા. અને એમાંય પવલાએ તો અશ્કાને બથ ભરી લીધી. એમને એવું લાગ્યું કે દિલાએ ટ્રક વાળાને ઉભો રખાવેલો એટલે. પહેલા તો દિલાએ કાને ના ધર્યું પણ જોયું તો ટ્રક વાળો એમની બાજુ જોઈને જ ઉભો હતો આથી દિલો પણ ગભરાયો.
“હું તો કહું છું દિલા તું પાછો વળી જા,ટ્રક વાળાનું કોઈ ઠેકાણું નહિ. ટ્રકમાં નાખીને વેરાવળ સુધી પણ પણ લઇ જશે. ” વજાએ એને બીવરાવ્યો. થોડી વાર માટે એ ગભરાઈ પણ ગયો. નરીયાએ ખેતરની વાડમાંથી એક કાંટાનું ઝરડું ઉપાડ્યું.
“હાલ જોઉં છું કે કોણ તને આંગળી અડાડે છે ? ”
બધા ધારતા તેવું કાંઈ નાં બન્યું ને વળી અમે લોકો આગળ વધ્યા. થોડી વાર થઇ કે મને થોડી નવાઈ લાગી. પવલો મારી અડોઅડ ચાલતો હતો. એક વાર તો એના મુખમાથી હનુમાન ચાલીસા નીકળી ગયા. મેં એવું માન્યું કે શનિવાર છે તો હનુમાન ચાલીસ બોલવા એટલે નોર્મલ. હું તો ચાલ્યો જ જતો હતો પણ થોડી વાર થઈ કે; પવલો ગાયત્રી ચાલીસા બોલી ગયો. હવે મને ડાઈટ ગયો; નક્કી કશુંક છે. મેં એની ઉપર સતર્ક નજર રાખી. “ અલ્યા ટોની, તું તો બહુ ધાર્મિક ” મેં એને ધીમેથી કહ્યું.
“ધીમે બે, ૐ ભુર્ભુર્વ: ……” અને પવલાએ મને બથ ભરી લીધી. મેં જોયું તો એક ટ્રક બિલકુલ અમારી બાજુમાંથી પસાર થયો. હવે મને ખ્યાલ આવ્યો કે ટોની કેમ વારે વારે હનુમાન ચાલીસા અને ગાયત્રી મંત્રો બોલે રાખે છે ?
આમને આમ અમારો કાફલો સવારે આઠ વાગ્યે ચોટીલા પહોંચી ગયો. સૌથી મોટો ટીનો એટલે એણે, બધા પાસેથી દશ-દશ, રૂપિયા લઇને નાસ્તા માટે ઉપડ્યો. સાથે જીગો અને જીલો પણ ગયા. ગાંઠિયા, ચવાણું, વેફર અને ભજિયાંના ચાર પેકેટ સાથે મરચા અને ચટણીના પેકેટ લઈને આવ્યા. અમે જેવા પેકેટ ખોલ્યા કે અમારી બાજુમાં એક મારવાડી કુટુંબ આવીને બેઠું અને એમને પણ રોટલા ને શાકના ડબરા ખોલ્યા. એમના શાકની સુવાસ અમારી બાજુ આવી અને અમારા ગાંઠિયા ભજીયાની એમની બાજુ. એમાં ઉમલાને કુમત સુજી.
“ભાઈ,  ગાંઠિયા ભજીયાની સુવાસ તમને આવતી હોય તો અમે લોકો થોડા દૂર બેસીએ ”
“અરે છોરા, એમ કેને કે તારે રોટલા શાક ખાવા…”
અને પછી તો પવલો,દીનો, અશ્કો અને હું ચારેય અમારો નાસ્તો કરતા કરતા મારવાડી રોટલા શાક પર પણ તૂટી પડ્યા. નાસ્તો પતાવીને અમે લોકો વધુ થાકી ગયેલા, માંડ માંડ તળેટી સુધી ગયા. અને એમાંય તો ખાસ કરીને ઉમલો અને પવલો બે વધુ થાકી ગયેલા. જેમ તેમ કરીને બેયને ઉપર ચડાવ્યા. અમે બધા માતાજીની સમક્ષ જઈને પગે લાગવા લાગ્યા. હું તો દર્શન કરીને સાઈડમાં થયો; જોયું તો પવલો તો ઊંધો પડીને બેય હાથ લાંબા રાખીને દર્શન કરે. ઘણી વાર થઇ તોયે તે ઉભો ના થયો. અમે માન્યું કે કદાચ ચાલીને આવ્યા એટલે વધુ ટાઈમ દર્શન કરશે. પછી ખબર પડીકે એને ઉભા થવામાં તકલીફ પડતી હતી. થોડી વાર થઇ કે હડફ થઈને બેઠો થઇ ગયો. પછી ખબર પડી કે એની બાજુમાં બેસેલ એકભાઈને માતાજી પંડમાં આવેલા.
દર્શન કરીને અમારી ટોળી માતાજીના ડુંગર પરથી નીચે આવી. પવલો ને ઉમલો તો થોડી થોડી વારે અમને પગ દેખાડે. પણ અમે તો એમનાં પગ સામે ધ્યાન આપ્યા વગર જ જતા હતા. માતાજીના ડુંગર પરથી નીચે આવ્યા ત્યાં સુધીમાં તો સાડા અગિયાર વાગી ગયેલા. લંગડાતા અને અથડાતા અમે લોકો હાઇવે રોડ પર આવી ગયા. લગભગ બધા રોડ પર જ બેસી ગયા. કોઈનામાં ઉભા થવાની પણ હામ ના રહી. એક નરિયો હજી થાક્યો નહોતો; તે બધાની પાસે જઈને મજા લેવા લાગ્યો. અશ્કો, જીગો, ઉમલો અને પવલો સૌથી વધુ થાકી ગયા હતા. એવામાં વજાને ટીખળ કરવાનું મન થયું. “ ટોની ? તારો રૂમાલ સફેદ કલરનો હતો ? ”
“હતો નહિ છે…પણ શું થયું વજા ? ”
“ એ તો મેં ડુંગર પર જોયેલો. ” કહીને વજો તો એકબાજુ ઉભો રહી ગયો. પવલા ટોનીએ ખિસ્સા ફંફોસ્યા તો ખરેખર રૂમાલ નહોતો. રૂમાલ ખોઈ ને ઘરે જશે પછી શું હાલત થાય તેની કંપારીએ ધ્રુજવા લાગ્યો.
“ અરે એમાં શું ચાલ આપણે જઈને લઇ આવીયે ” કહીને નરીયાએ પવલા ટોનીને ઉભો કરવા કર્યું.
ઉભો તો શું પણ ઘરે પાછા જતી વખતે ચાર જણે ઉપાડીને એને ટ્રકમાં બેસાડ્યો.
આ વખતે જેમ્સ બોન્ડ જીગા પહેલા મેં પવલાને કહ્યું કે તારો રૂમાલ વજલા પાસે છે !!

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in હાસ્યલેખ/ જોક્સ. Bookmark the permalink.

3 Responses to ચાલતા ચોટીલા

  1. Vimala Gohil કહે છે:

    બોલો ,ચોટિલાવાળી ચામુંડા માતાજીની જય ! …..અને ટીખળ ટોળીને શાબાશી.

  2. પિંગબેક: ચાલતા ચોટીલા – ગુજરાતી બ્લોગ જગત

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s