ઉગમણે આભમાં સુરજ ઉગીને સૌ પર પોતાનો પ્રકાશ પાડી રહ્યો છે. માળામાંથી પક્ષીઓ ઉડીને ગગન વિહાર કરી રહ્યા છે. ચકલા કે હોલા જેવા પક્ષીઓ વળી આંગણામાં નાખેલ ચણ ચણી રહ્યા છે. આંગણામાં ઉભેલ રાયજાદ સમો લીમડો ધીમું ધીમું હલીને સૌ કોઈને પવન નાખે છે. તો ઘરની અંદર રહેતા લોકોમાં એક ખુશીનો ઉછળાટ છવાયો છે. વડીલોમાં ગોળ ને ધાણા ખવાઈ રહ્યા છે. તાલીઓની આપ લે સાથે ધીમી હાસ્ય રેલીઓ પણ વહે છે. સૌ કોઈના મોઢા પર આનંદ દેખાઈ આવે છે. નાના ભૂલકાઓ પણ ડેકીરો કરીને મજા માણે છે.
એક વડીલે સગાઈની ચૂંદડી અને સાથે સજાવટના સામાનની થેલી આપીને કહ્યું
“ લો ત્યારે, આ દીકરીને આપો ને તૈયાર કરીને જલ્દી લઇ આવો તો આપણે ચાંદલા વિધિ ચાલુ થઇ જાય ”
દીકરીની માંએ બધો સામાન લીધો અને મેડી ઉપર રૂમમાં એની સખીઓ સાથે બેઠેલ પોતાની દીકરી સોનલ પાસે આવ્યા. જેવો રૂમમાં પગ મુક્યો કે એક મિનિટ માટે એના પગ થંભી ગયા. જે દીકરીને નાનપણથી હથેળીમાં રમાડીને ઉછેરી હોય. રુમઝુમ કરતી આંગણું શોભાવતી હોય, તેને પળમાં જવાનું થાય એટલે ગમગીન તો બની જ જાય. મિલન કરતા જુદાઈ કેટલી વસમી લાગે તે તો કોઈ સાસરે જતી દીકરી જ કહી શકે !
તેની માંએ જોયું કે પોતાની પ્યારી સખીઓ સાથે બેઠેલ દીકરીમાં ઉત્સાહનો એક છાંટો પણ દેખાતો નથી. ઉલ્ટાનું એના મોઢા પર તો કોઈ અગમ્ય દુઃખ અને લાચારી તરવરતી હતી. તેની આંખોમાં ફરિયાદ તબકતી હતી. તેમને એક નજર હાથમાં રાખેલ સામાન પર કરી. તકનો લાભ લઇ લેવામાં શાણપણ માન્યું.
“ તમે લોકો એ ય મજાના નીચે રૂમમાં જઈને બેસો…. ” એમ ટૂંકમાં ઈશારો કરીને દીકરીની બધી સખીઓને નીચે મોકલી આપી. જેવી બધી નીચે ગઈ કે એની માંએ પોતાની લાડકી દીકરીની સામે જોયું. આંખોની અંદર અત્યાર સુધી દબાવી રાખેલો પાણીનો પ્રવાહ ધીરે ધીરે વહેવા લાગ્યો.
“ બેટી, તારું દર્દ હું જાણું છું…પણ એક દિવસ તો તારે આ… ”
“ મમ્મી, તમે મારું દર્દ નથી જાણતા ” પ્રવાહને એક પળ માટે રોકીને તે બોલી.
“ હું જાણું છું, હું પણ આ પળમાંથી પસાર થયેલી છું. ” દીકરીના આંસુ લૂછતાં તે ફરી બોલ્યા. “ હું ભલે ગામડામાં રહીને મોટી થઇ હોય…પણ હવે તો હું શહેરમાં રહું છું. લોકો કહે છે માંએ તો દીકરી સાથે દોસ્ત થઈને રહેવું જોઈએ. તને એક સખીના ભાવે પૂછું છું; તારે કોઈ સાથે …..? ” કહીને એની માએ એના માથામાં હાથ ફેરવ્યો. માંનો હાથ ફરે એટલે દુઃખના ડુંગરનો ભાર પણ હળવો થઇ જાય !
“ મમ્મી….મને બરાબર ખ્યાલ છે કે દીકરીએ એક દિવસ તો માંબાપનું ઘર છોડવું જ પડે છે. તું પણ આવી, બીજા ઘણાં બધા ગયા ને હું પણ જઈશ…..પણ…? ”
“ બોલ મારી દીકરી…જે હોય તે કહે…નીચે બધા તારી રાહ જુએ છે. ”
“ મારી લાચારી એ જ છે ને કે મારો એક પગ થોડો લંગડાય છે ? ”
“ અરે રે મારી દીકરી સોન…….કેવી વાત કરે છે ? પણ જે છે તે સ્વીકારવું ય પડે ને ? ”
“ એટલી લાચારીની આટલી મોટી સજા, કે મારે બે છોકરાંના બાપ સાથે લગન કરવાના ? ” કહીને સોનલ વળી રડવા લાગી.
“ હું સારી રીતે સમજુ છું કે તારી સાથે અન્યાય છે..પણ….. ” તેની માં આગળ બોલવા જતી હતી પણ અટકી ગઈ. રૂમના દરવાજા વચ્ચે પોતાનાં પતિ દેખાયા. બેઉની આંખમાં આંસુ જોઈને તેના પપ્પા પણ સમજી ગયા કે દીકરીને વિદાઈ કરવાનો સમય હવે ઢુકડો છે. બે ઘડી તો એ દરવાજા વચ્ચે ઉભા રહ્યાં.
“ બેટા, હવે કપડાં બદલીને જલ્દી નીચે આવ…તું એને ઉતાવળ કરવા…તું પણ એની ભેગી રોવા લાગી ગઈ લાગે છે. ”
“ એવું નથી અહીંયા આવો….. ”
“ શું છે બોલ ? ” એકદમ સમીપ આવીને તેના પતિએ પૂછ્યું. થોડી વાર તો રૂમમાં એકદમ શાંતિ પથરાઈ ગઈ. સોનલ તો નીચું માથું કરીને જમીન સાથે જડાઈ અને તેની મમ્મી અને પપ્પા એકબીજા સામે જુએ છે. તેની મમ્મીએ ઇશારાથી પતિને મૂક ભાષામાં કહ્યું.
“ અત્યારે હવે બહુ વાદ વિવાદ કરવાનો ટાઈમ નથી….જલ્દીથી તૈયાર થઇ જા… ”
બે ત્રણ વાર એમણે કહ્યું. દીકરી સોનલ તો જાણે જમીન સાથે જોડાઈ ગઈ છે. નીચું જોઈને કોઈ પણ પ્રત્યત્તર આપ્યા વિના બેસી રહી. આથી એના પપ્પા થોડા અકળાયા. એના મમ્મીએ શાંત પાડ્યા.
“ જુઓ બહુ ગુસ્સે ના થાવ, જેમ તમને ઈજ્જત વ્હાલી છે એનાથી આપણી ઈજ્જત એને વ્હાલી છે. ”
“ અરે બધું નક્કી થયા પહેલા એક વાર તો મને કોઈ ખબર પાડવી જોઈએ. મેં તો જે કર્યું છે એ એના ભલા માટે કર્યું છે. અને મને મારી લાડલી સોનુ પર પૂરો ભરોષો છે. ”
“ હા પપ્પા, મને પણ તમારા પર પૂરો ભરોષો છે એટલે જ હું કશું બોલતી નથી. મારું મન કચવાય તો મને બે આંસુ પાડવાનોય જો અધિકાર ના હોય તો હવે નહિ રડું બસ, લાવ મમ્મી હું કપડાં બદલી લવ છું. ”
“ ના બેટા તારો આ ઘર પર અને અમારા પર પણ પૂરો અધિકાર છે અને એ પણ કાયમ માટે. જુઓ, આજે સોનુની જે વ્યથા છે તે મને પણ વ્યાજબી લાગે છે. આપણે ફક્ત એના શરીરની ચિંતા કરી પણ દિલની નહિ. ” એની મમ્મી એકદમ લાગણીવશ થઈને બોલ્યા.
“ મતલબ ?? ”
“ મતલબ કે એનો એક પગ લંગડાય છે એની એવડી મોટી સજા કે એને બે બે બાળકના પિતા સાથે ભવ ગાળવાનો ? એ લોકો શ્રીમંત છે તો શું થયું ! ”
“અરે આ ડિસિઝન મારુ એકનું નથી…આપણે બધાએ ભેગા મળીને લીધું છે, પણ હા…સોનુને આપણે નથી પૂછ્યું…..એટલાં માટે કે આપણે એનું ભલું ઇચ્છીએ છીએ. ”
સોનલ ના માબાપ એને ખુબ ચાહતા હતા. અને એમાંય ખાસ તો એને પગે થોડી ખોડ હોઈ વિશેષ મમત રાખતા. જેવા સોનલના પપ્પા બોલી રહ્યા કે ત્રણેની નજર દરવાજે ઉભેલ આગંતુક પર પડી. સોનલ તો અવળું ફરીને બેસી ગઈ. તેની મમ્મી અને પપ્પાતો એને જોઈને હેબતાઈ ગયા.
“ જો હું નહોતો કહેતો, છોકરાને ખુદને આવવા મજબુર થવું પડ્યું છે. ” તેના પપ્પાએ ખિન્નતાથી કહ્યું.
સોનલની મમ્મી તો નીચું જોઈને જ બેસી રહી. આગંતુક, સોનલ નો થવા વાળો પતિ હતો. તેધીરે ધીરે અંદર આવ્યો.
“ અગર આપને વાંધો ના હોય તો હું સોનલ સાથે બે મિનિટ વાત કરી શકું છું ? ” છોકરાએ કહ્યું કે તેના મમ્મી પપ્પા ઉભા થઈને બહાર જવા લાગ્યા. ” આપ અહીં રહી શકો છો, એવી કોઈ ખાનગી વાત નથી. ભલું થાજો મારા ભટકબોલા અને મજાકિયા મિત્રનું ! ”
“ કઈ સમજાયું નહિ… ”
“ હા, સોનલ અને મમ્મી સાથે થયેલ વાત એને સાંભળી લીધી અને આવીને મને કહી ગયો. મેં તો મારા ફાધરને પૂછેલું જ કે, છોકરી હજી કુંવારી છે તો એની મરજી જાણી લેવી. પણ તેઓ કહેતા કે છોકરી રાજી છે. ”
“ બેટા, એમાં મારો વાંક છે, મને એમ હતું કે સોનુ હું જે ડિસિઝન લઈશ તેમાં ખુશ હશે. ”
“ હા દીકરા…. ” એની મમ્મીએ કહ્યું.
“ મમ્મી, એમને જે પૂછવું હોય તે પૂછી લે, બાકી મારા લીધે આ ઘરની ઈજ્જત જાય તે મને નહિ ગમે. ” સોનલ વચ્ચે બોલી પડી.
“ ના સોનલ, એવું નહિ બને….તમે એ બધું મારા પર છોડી દો. આ ઉંમરે વિધુર થયો તેનાથી વિકટ સમસ્યા તો આ નથી જ. હું નીચે જાઉં છું. સોનલ તારે હવે કપડાં ચેન્જ કરવાની જરૂર નથી. માફ કરજો…કદાચ મારે લીધે…. ” કહીને છોકરો તો નીચે જતો રહ્યો. માંએ એક નજર દીકરી પર કરી. તેના મોઢા પર એક અપ્રતિમ સ્મિતનું ઝરણું વહેવા લાગ્યું. બંનેના મનમાં થોડો ખટરાગ પેદા થયો પણ સાથે રાજીપો લઈને બેઉ નીચે ઉતર્યા.
વડીલો એ વાત જાણી, છોકરાએ બધાને સમજાવ્યા. સમજાવટ ને અંતે બધા પ્રસંગ ને એમજ પડતો મૂકીને જવા માટે તૈયાર થયા. એકબીજાની માફી માંગી અને અફસોસના ઉભરા ઠાલવ્યા. જેવા બધા ઉભા થવા જતા હતા કે ઉપરથી સોનલની એક સખી દોડતી આવી.
“ બધા બેસો, સોનલ બધાનો આભાર માનવા નીચે આવે છે. ” કહીને પેલી જતી રહી. બધાતો એકબીજા સામે જુએ છે. અનુમાનની અટકળો થવા લાગી. તો કોઈ વળી મનમાં એવું પણ બોલ્યું કે, જબરી હો…એક તો બધું બંધ રખાવ્યું ને ઉપરથી આભાર વિધિ !
સોનલના પપ્પાએ પણ તેની પત્ની સામે જોઈને ઇશારાથી પૂછ્યું કે; સોનલ ને શું થયું છે ? તો એમને પણ શું ખબર કહીને મૂક જવાબ આપ્યો. છોકરો, એના માંબાપ, સાથે આવેલ બધા વડીલો પણ એક બીજા સામે જોઈને અટકળો કરે છે.
બધાની અટકળોનો અંત લાવવા સોનલ નીચે ઉતરી રહી છે. ધીમી ચાલ છે. શરીરે સોળ શણગાર સજ્યા છે. આંખો ઢળેલી છે, અને અકડમાં અદબતા છે. સૌની નજર સોનલ સામે મંડાઈ ગઈ છે. જગદંબાના રૂપ સમી એ આવીને છોકરાની બાજુમાં બેસી ગઈ.
“ મમ્મી, મહારાજને કહો વિધિ ચાલુ કરે ” નજરોને નીચે ઢાળી ને તે બેઠી છે.
સૌ સાંભળીને દંગ રહી ગયા. બધા સવાલોનો એક જ જવાબ હતો; અધૂરી વિધિ પુરી થશે !
Rate this:
નીચેની લીંક પર ક્લિક કરીને આપના મિત્રોને પણ વંચાવો
A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :)
સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
બહુ રસ્પ્રદ વાર્તા. વાંચવા સાથે ભજવાતું નાટક જોતા હોઇએ તવું લાગ્યું. છોકરી, મા,છોકરો બધાનું સરસ પત્રાલેખન;કયા પાત્રને વખાણવું????
રસક્ષતિ થયા વિના આગળ ચાલતી વાત જે ચરમ સીમા સુધી પહોચાડી ને ઉત્સુક્તા ઉભી કરે છે કે ‘હવે શું થશે?’ ને અંત? ખૂબ સર સકારાત્મ્ક અને શિર્ષક્ને
અનુરૂપ.
બહુ રસ્પ્રદ વાર્તા. વાંચવા સાથે ભજવાતું નાટક જોતા હોઇએ તવું લાગ્યું. છોકરી, મા,છોકરો બધાનું સરસ પત્રાલેખન;કયા પાત્રને વખાણવું????
રસક્ષતિ થયા વિના આગળ ચાલતી વાત જે ચરમ સીમા સુધી પહોચાડી ને ઉત્સુક્તા ઉભી કરે છે કે ‘હવે શું થશે?’ ને અંત? ખૂબ સર સકારાત્મ્ક અને શિર્ષક્ને
અનુરૂપ.
આપના અમૂલ્ય શબ્દો મને ઉત્સાહિત કરે છે ! વંદન 🙂
પિંગબેક: અધૂરી વિધિ – ગુજરાતી બ્લોગ જગત