વેકેશન માણવાની મજા કંઈક ઓર જ હોય છે ! વેકેશન આવવા માટે ઘણું તડપાવે અને ઝડપથી પૂરું થઈને અફસોસ પણ કરાવે ! છતાં પણ અમને ખુબ વ્હાલું વ્હાલું લાગે ! વેકેશન પડે એટલે બજારમાં સેલનો માહોલ લાગી જાય. મને ઘણી વાર એવો વિચાર કે, વેકેશન તો ભણતા હોય એમના માટે હોય. તો દુકાનો વાળા કયું ગણિત લગાવીને વેકેશનમાં સેલ રાખતા હશે ? જોકે આવું વિચારીને હું પસ્તાઉં પણ ખરો ! અમે લોકો મમ્મીઓ કે બહેનો સાથે ખરીદી કરવા તો જતાં જ હોય. જો કે અમને લોકોને ધરાર લઇ જવા પડતા હતા. ઘરેથી નીકળીએ એટલે એક કડક સૂચના મળતી કે ખરીદી ટાઈમે માથું નહિ ખાવાનું; તો જ આઈસક્રીમ મળશે. હા હા કરીને માથું ધુણાવીને આગળ થઇ જઈએ. પણ જેવા દુકાનમાં જઈએ કે અમે ખરીદી માટે ઉતાવળ કરવાની જીદો કરીએ. જો કે એમાં અમારો કોઈ વાંક નહોતો અમને તો આઈસ્ક્રીમની દુકાનો કે લારીઓ જ દેખાય. સેલની દુકાનમાં જઈએ એટલે ગમતી વસ્તુ ઉપાડીને બિલ ચૂકવી દેવાનું. પણ જો સેલ વગરની દુકાન હોય તો થોડો વધારે સમય લાગે. અમારા મહેલ્લાની ઘણી મહિલાઓને સેલ વાળી દુકાનમાંથી ખરીદી કરવાનું ના ગમે. જેમ્સ બોન્ડ જીગાની ખબર મજુબ નહિ પણ મહિલા પુરાણના એક અધ્યાયમાંથી મળેલ માહિતી મુજબ; બાર્ગેઇન કર્યા વગરની ખરીદી એટલે ખાંડ વગરની ચા !
મિત્રો સાચી વાત છે, બાર્ગેનિંગ કરવાની મજા કંઈક ઓર જ હોય છે. એમાં દુકાન વાળો ફાવે છે કે ખરીદી કરવા વાળો ! એ જોડણીમાં તો વર્ષોના વર્ષો નીકળી ગયા અને હજી નીકળી જશે. બાર્ગેનિંગ કદી બંધ નહિ થાય. ઘણા દુકાનો વાળા ‘ એકજ ભાવ ’ ના દુકાનમાં ચેરબાજુ બોર્ડ માર્યા હોય. એમાં કોઈ બારેગેનીંગ પ્રેમી મહિલા એ સ્ટોરમાં ઘૂસે કે પેલા બોર્ડ જોઈને તરત બહાર નીકળી જાય. તો ઘણા મહેનતુ અને ઈમાનદાર લોકો ગ્રાહકને પાછા પણ વાળે કે
” બેન, આવો થોડું ઘણું કરી આપીશું ”
તો ઘણા ગ્રાહકો ટાઈમપાસ કરવા ઘુસી જાય. એવીજ રીતે એકવાર ટીનો એક એવીજ દુકાનમાં ઘૂસેલો. સારું મજાનું એક ટીશર્ટ પસંદ કરીને બોલ્યો કે “ કેટલા રૂપિયા ? ”
“ એકજ ભાવની દુકાન છે ભાઈ. જુઓ બોર્ડ તો મારેલા છે” દુકાન વાળાએ કીધું કે ટીનો તો ટી-શર્ટ મૂકીને ચાલતો થયો. “ તમે કેટલા આપવાના મોટાભાઈ ? ”
અને તમે નહિ માનો ટીનાએ બાર્ગેઇન કરીને તે દુકાનેથી ટી-શર્ટ ખરીદેલું. એના કેફમાં તો ટીનો ત્રણ દિવસ ન્હાયો નહોતો. એમાં જીલાએ એને પૂછ્યું કે નહિ નાહવાનું કારણ ?
“ ફાડું, નાહવામાં સાબુ લગાડતી વખતે મોઢું કેવું થાય; ખબર ને ? ” ( સમજાય તો સારું છે નાનું વાક્ય ન્યારું છે )
પરીક્ષાઓ આપીને પંદરેક દિવસ અમને બધાને ખુબ ટાઢક વળતી. એક તો પરીક્ષાનો બોજ અને બીજું વેકેશન પાડવાની રાહ. જોકે અમે લોકો તો પરીક્ષા પુરી કે બીજી જ સેકન્ડે વેકેશન પડી ગયું માની લેતા. પછી બીજા મહેલ્લા વાળા કે ગામ વાળા જે માનવું હોય તે માની લે ! એ કહેવાની જરૂર નથી કે તળાવની પાળે તો મળવાના જ. એવીજ એક મીટીંગમા મહેલ્લામાં થોડા મહિના માટે આવેલ ધીરાએ ધડાકો કર્યો “ કાલે હસ્તી રોતી જોવા જઈશું ને ? ”
“ હસ્તી રોતી કે હસ્તે ઝખ્મ ? એ પિક્ચર તો બહુ જૂનું થઇ ગયું ” કહીને દિલાએ હસી કાઢ્યું. એટલે અમારામાંથી બીજા પણ બે ચાર લોકો હસ્યા. ઘણી વાર તો એવું બનતું કે એક જાણ હસે કે બીજા લોકો પણ પાછળ તરત હસે પણ કોઈ એક રડે તો કોઈ બીજા કદી તરત રડવા નહોતા લગતા.આ તો મારું એક નિર્દોષ ઓબ્જર્વેશન છે !
“ હસો ભાઈ હસો…હું નવો છું તો હસીલો ” એમ બોલીને ધીરો એક બાજુ બેસી ગયો. મને લાગ્યુંકે ધીરાની વાતમાં કાંઈક દમ છે. અને મિત્રો, પહેલી વાર આમારા માટે એ નવો શબ્દ ધીરો લઇ આવેલો. અને પછી તો ગામે ગામે એ શબ્દ ઘણો લોકપ્રિય થઇ ગયો. હાલમાં તો વિદ્યાર્થીઓ શું કહે છે ખબર નથી ! એમ, અમે લોકો ખોટી પંચાતો ના કરીએ !! જોકે હસ્તી રોતી ફિલ્મ જોવાઈ જાય એટલે ખરું વેકેશન સ્ટાર્ટ.
મેં વજાને વાત પૂછવા માટે ઉશ્કેર્યો. હવે વજો એક તો ભણે નહિ છતાં એમાં કેમ કુદી પડે તેવા સવાલો તો થાય જ ! પણ મિત્રો આ તો અમારી ટીખળ ટોળી હતી. ગમે તે કરે ને ગમે તેમ ચાલે.
“ એક કામ કર ધીરા, આપણે બેઉ ભેગા હસ્તી રોતી જોવ જાશું ” એમ બોલીને વજાએ મારી સામે જોઈને એક આંખથી સિગ્નલ આપ્યું. મેં પણ એની સામે છાનામાનું અંગુઠો ઊંચો કરીને એને ઉત્સાહિત કીધો.
“ વજા તારે ને હસ્તી રોતી ને શું લેવા દેવા ? ” કહીને ધીરો ખંધુ હસ્યો.
“ મને ભૂતના પિક્ચર જ ગમે છે એય તને ખબર પડી ગઈ ? આ બધાંજીગલાના કામા ” વજાએ ઓર ભાંગરો વાટ્યો.
“ વજલા, ભૂત જેવી વાત કરીને મારો મૂડ ના બગાડ….રોતી તો રીતલા ને છે ” એમ બોલીને ધીરાએ તો તોપને મારી બાજુ ફેરવી દીધી.
“ હા યાર…મારું ઇતિહાસનું પેપર બરાબર નહોતું લખાયું. તને કેમ ખબર ધીરા ? ” મેં પણ ચાલી રાખ્યું.
“ મને શું ખબર મેં તો એમજ મારી આપ્યું છે…..વજા સામે આંખો મિચાકરીને મારી ઉડાવવી છે એમને ? ”
“ ભાઈઓ હવે ખબર પડીને કે હસ્તી રોતી કોને કહેવાય ? ” મેં કહ્યું કે બધા એકબીજાના રિજલ્ટ વિષે આગાહીઓ કરવા લાગ્યા. આને હસ્તી ને આને રોતી !!
રૂડું મજાનું વેકેશન તો હવે પૂરું થવામાં હોય કે ભણવાના પુસ્તકો ખરીદી કરવાની મોસમ ચાલુ થઇ જાય. મારે અને મારા ભાઈને તો ફાધરના મિત્રની દુકાને થી જ પુસ્તકો ખરીદી કરવાના. બધા પોટ પોતાના વાલીઓ જોડે જઈને પુસ્તકો ખરીદી આવીએ. એક ખાલી નરીયાને દર વર્ષે એ બબાલ. એના ફાધર બિચારા આખો દિવસ રેલવેની નોકરી કરીને કંટાળી જાય. ઘરે આવે તો નરીયો પુસ્તકોના ગાન ગાય. “ તું ગમે તે દુકાને જઈને લઇ આવ ને ” એમ બોલીને પુત્રને કામ સોંપી દેતા. નરીયો થોડુંક પણ અભિમાન કર્યા વગર પુસ્તકો લેવા ઉપડી જતો. આ વર્ષે પણ નરીયો પુસ્તકો લેવા એક દુકાનમાં ગયો. દુકાન બહાર ‘10 % કમિશન ’ બોર્ડ વાંચી લીધેલું. દુકાનમાં જઈને લિસ્ટ આપી દીધું. મારા ખ્યાલ મુજબ અમારા ગામ જેવા નાના ટાઉનમાં તો લિસ્ટ આપીએ ને બુકો મળે એવી પ્રથા પ્રચલિત છે. મિત્રો આપ લોકોએ પણ લિસ્ટ આપીને દરેક વર્ષે બુકો ખરીદી જ હશે. નવી નકોર અને વિદ્યાની સોડમથી ભરપૂર બુક હાથમાં આવે અને જે આંનદ મળે તે અનોખો હતો. અ હા ! કેવી અદભુત પળો !
બધી બુકો લઈને પછી દુકાનદાર આપણી સામે એક એક બુક ટીક કરીને બતાવે પછી બિલ બનાવે. નરીયાએ તો પેલાભાઈને બિલ બનાવતા પહેલાજ હાકલ મારી દીધી “ 10% કમિશન ઓછું કરીને બિલ બનાવજો ” પછી એને 15 % કમિશન માટે જક કરી. દુકાન વાળાએ ગાઈડો પર તો 15 % કમિશન કરી આપ્યું. અને મુખ્ય પુસ્તકોમાં કોઈ કમિશન આપેજ નહિ, એ ધોરણે દુકાન વાળા સાથે બબાલ થઇ. દુકાન વાળાએ ખાલી ગાઈડ પર જ 10 % કમિશન લખ્યાની વાત કરી. આથી અમારો નરીયો બગડ્યો “ તમારે બાર્ગેનિંગ તો કરવું જ પડશે. નથી આપવું તો તમે લખ્યું જ કેમ ? ”
પછી તો નરીયાએ દુકાન બહાર ધમાલ મચાવી. નરીયો અમારી ટોળી સામે બહુ સીધો, ઝેરીમાં ઝેરી સાપ સામે દાઘો અને ઘરમાં મિયાંની મીંદડી ! એની રીડિયા રમણ સાંભળીને બે ત્રણ ગ્રાહકો તો બીજી દુકાને જતા રહ્યાં. આથી દુકાન વાળાને લાગ્યું કે આમને આમ ચાલ્યું તો જે ઉભા છે તે ગ્રાહક પણ જતા રહેશે. આથી દુકાન વાળાએ નરીયાને કમિશન આપવું પડ્યું. બાર્ગેનિંગ કરીને આવેલ નરીયો તો આજે મહેલ્લામાં અસલ નરેશ જેમ છાતી ફુલાવીને આવતો હતો. આ ઘટના બન્યા પછી અમે લોકોએ તેને આઠ દશ દિવસ નરેશ કહીને બોલાવ્યો. પણ એને ખુદ ને ના ગમ્યું તે વળી નરેશ, નરીયો બની ગયો..જે આજ પર્યન્ત નરીયો જ રહ્યો છે !
Rate this:
નીચેની લીંક પર ક્લિક કરીને આપના મિત્રોને પણ વંચાવો
A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :)
સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
“વેકેશન વ્હાલું-વ્હાલું” હવે મળે છે જ કોને? એ તો સમરકેંપના વિકરાળ સાગરના ઊંડા તળે ડૂબી જાય છે ,કુશળ મરજીવો ડૂબકી દઈને ખાલી હાથે
જ ઉપર આવે!!
“વેકેશન પડે એટલે બજારમાં સેલનો માહોલ લાગી જાય. મને ઘણી વાર એવો વિચાર કે, વેકેશન તો ભણતા હોય એમના માટે હોય.
તો દુકાનો વાળા કયું ગણિત લગાવીને વેકેશનમાં સેલ રાખતા હશે ” સમરકેમ્પનું ગણિત વળી, રેગ્યુલર સ્કુલ કરતાં આવા સમયે મમ્મીઓ થોડી રિલેક્ષ
હોયને?
રહી વાત બાર્ગેનિંગની,તો એ તો બાર્ગેનીંગ કરવાની જેને ફાવટ હોય તે માણે “માંહી પડ્યાતે…..” જેવું.
“વેકેશન” જેવા શબ્દ પર આપની ટીખળ ટોળીની ધમાલ જોઇને અનેક વેકેશન માણ્યાની મજા યાદ કરાવી , આભાર.
પિંગબેક: બાર્ગેનિંગ ! – ગુજરાતી બ્લોગ જગત
Thank you for as usual support !
“વેકેશન વ્હાલું-વ્હાલું” હવે મળે છે જ કોને? એ તો સમરકેંપના વિકરાળ સાગરના ઊંડા તળે ડૂબી જાય છે ,કુશળ મરજીવો ડૂબકી દઈને ખાલી હાથે
જ ઉપર આવે!!
“વેકેશન પડે એટલે બજારમાં સેલનો માહોલ લાગી જાય. મને ઘણી વાર એવો વિચાર કે, વેકેશન તો ભણતા હોય એમના માટે હોય.
તો દુકાનો વાળા કયું ગણિત લગાવીને વેકેશનમાં સેલ રાખતા હશે ” સમરકેમ્પનું ગણિત વળી, રેગ્યુલર સ્કુલ કરતાં આવા સમયે મમ્મીઓ થોડી રિલેક્ષ
હોયને?
રહી વાત બાર્ગેનિંગની,તો એ તો બાર્ગેનીંગ કરવાની જેને ફાવટ હોય તે માણે “માંહી પડ્યાતે…..” જેવું.
“વેકેશન” જેવા શબ્દ પર આપની ટીખળ ટોળીની ધમાલ જોઇને અનેક વેકેશન માણ્યાની મજા યાદ કરાવી , આભાર.
સાચી વાત છે ત્યારના વેકેશનો અનોખા હતા. આપ પણ સારું લખી શકી તેવો મને વિશ્વાસ છે !