નાઈકના સેન્ડલ

નાઈકના સેન્ડલ

વરસાદ આવે એટલે કીચડ થાય, પણ કીચડ થયો હોય એટલે વરસાદ જ આવ્યો હોય એવું નહિ ! આ વાક્ય અમે પ્રાથમિક શાળામાં ભણતા ત્યારે આવતું. ગુજરાતી ગ્રામરમાં આવતું પણ એ ગ્રામરના ક્યા ચેપટરમાં આવતું તે યાદ નથી. અત્યાર સુધીમાં ભણવામાં ચાર ચાર ગ્રામર આવતા, બોલો અમારા જેવડા નાના ભૂલકાઓ પર કેટલો ભાર ? એટલો ભાર તો ખાલી ગ્રામર નો જ આવતો. એવું ધમો બોલ્યો કે બાજુમાંથી એક કાકા પસાર થયા. એ સાંભળી ગયા.
“ ગ્રામર વગર પુસ્તક કેવી રીતે બને ? ” એટલું કહીને તેઓ તો નીકળી ગયા પણ ધીરો અને ટીનો બેઉ ઝઘડી પડયા. ધીરો કહે પુસ્તકો તો પાનાનું બને અને ટીનો કહે પેપરનું. હવે આમાં ગ્રામર ક્યાંથી આવ્યું ? પણ અત્યારે આપણે એ ગ્રામરમાં બહુ નથી પડવું. ક્યારેક કોઈ એના જોગ ટોપિક હશે તો વાત કરીશું.
અમારી ટીખળ ટોળીની મિટિંગ કાયમ તળાવની પાળે જ ભરાય અને એનો અમને ગર્વ પણ ખરો ! તળાવની પાળ તો માટીથી જ બને, અને માટી સાથે પાણી ભળે એટલે કીચડ થાય એ વૈજ્ઞાનિક પ્રક્રિયા ! વરસાદ તો ખુબ પડે અને અમારી કૉંફરંસ રેન્જ યાનેકી તળાવની પાળ કીચડ કીચડ બની જાય. કીચડમાં કમળ ઉગે, એ ફાયદો સિવાય બીજા બહુ ઓછા ફાયદા છે; પણ નુકશાન ઘણું કરે. અમારી ટોળીમાં કોઈક ને કશું નુકશાન થશે એવું ધારવું હોય તો ધારીલો બહુ નુકશાન નહિ જાય !
એક મિત્રનો મારા પર ઇમેઇલ આવેલો કે અમારી મિટિંગ એટલે કોઈ કંપનીમાં કે પોલિટિક્સની હોય એવી મિટિંગ હોય છે ? અને ભણતા હોય એમને પણ મિટિંગ કેવાની ? તો મિત્રો હું આજે જાહેરમાં એક ખુલાસો કરું છું કે અમે લોકો ત્યારે મળતા એને હું અત્યારે મિટિંગ કહું છું. બાકી અમે લોકો તો તળાવની પાળે રમવા માટે જ ભેગા થતા. અને એમાં રમવાની સાથે જે કોઈ પ્લાન બનતા તે અમારી મિટિંગ !
કીચડ થાય તો તળાવની પાળે કેમ કરીને જવાય ?
એકદમ સાચી વાત દોસ્તો. અમે લોકો ખુબ પરેશાન રહેતા. એકવાર તો નરીયાએ કીચડથી કંટાળીને બે હાથ આકાશ સામે જોડીને મહેલ્લાની વચ્ચોવચ્ચ ઉભો રહીને બોલ્યો “ હે ભગવાન, થોડો થોડો વરસાદ પાડ ને ! ”
ઓટલા પર બેઠેલ વજો તો લપસણી પરથી ગબડે તેમ ઉભો થયો અને નરીયાની બોચી પકડી.
“ થોડો થોડો પડશે તો તારા ડોહા મારા ખેતર કોરા ના રહી જાય ? ”
“ તારા ખેતર નહિ પણ બધાનાં ઘર ય કોરા રહી જાય ” મેં પણ વજાને સપોર્ટ કર્યો.
એમાં જીગાને કોઈ ટપ્પા ના પડ્યા એટલે એને નરીયાનો પક્ષ લીધો. અંતે સૌ સારા વાનાં થયા કે વજાની વાત બધાએ વખાણી ! નરીયોને જીગો એ બધાને ખેતર સાથે કોઈ નિસ્બત નહોતો એટલે ચાલી જાય કેમ કે એમનાં ફાધરો નોકરી કરે. પણ અનાજથી જ સંસારની લિંક શરુ થાય તેમ સમજાયું પછી નરીયો ફરી બેઉ હાથ જોડીને આકાશ સામે ઉભો રહ્યો. અને આ વખતે તો બેઉ પગને થાય તેટલા ઊંચા કરીને ભગવાનને પ્રાર્થના કરીકે “ તમને ઠીક લાગે એટલો વરસાદ પાડો અમને કોઈ ચિંતા નથી, લે વજા હવે બસ ? ” એમ કહીને વજા સામે માફીના ભાવે ઉભો રહી ગયો.
આટલું બધું લખી કાઢ્યું; હવે એવું ના બને કે મારે જે કહેવું હતું તે રહી જાય ! ગમે તેટલો વરસાદ પડે પણ અમારા મહેલ્લામાં કીચડ ના થાય બોલો ! વધારે પડતી નવાઈની વાત નથી પણ એ હકીકત છે કે કીચડ નથી થતો. તો મિત્રો કીચડ ના થવા માટે ભૌગોલિક કારણ જવાબદાર હતું. અમે લોકો તળાવની પાળે કીચડ ના સુકાય ત્યાં સુધી અમારા મહેલ્લામાં જ રમતા. તમે માનશો જ કે અમે લોકો મહેલ્લામાં પણ એટલો આનંદ નહોતા માણી શકતા.
આવી જ એક વરસાદ ભરી મોસમના એક રવિવારના દિવસે, અમે બધા મહેલ્લામાં ટોળું વળીને રમતા હતા. રાત્રે ઝરમર વરસાદ વરસેલો અને એના લીધે તળાવની પાળે કીચડ થઇ ગયાના સમાચાર જેમ્સ બોન્ડ જીગો લઇ આવેલો. આથી અમારે મહેલ્લામાં જ રમવા સિવાય છૂટકો નહોતો. અમને મહેલ્લા પ્રત્યે કોઈ ઓરમાયું વર્તન નહિ, પણ રમવા માટેના ઑપશન થોડા પડતા. અને વડીલોથી બી બી ને રમવું પડતું.
વજો, હકો, નરીયો, દિલો, ટીનો, અશ્કો, ધમો, ધીરો, જીગો, દલો અને હું ; અમે બધા અમારી ધૂનમાં રમતા હતાં કે જન્માષ્ટમીનો મેળો કરવા આવેલ ધમાનો માસીનો છોકરો જય આવ્યો. એને જોઈને ધમો તો “ થુઈ થપ્પા,થુઈ થપ્પા ” કરીને અમારી જામેલી ગેમને રોકી દીધી. જય ને રમવા માટે પૂછ્યું.
“ મને એના ફાધરની બહુ બીક લાગે, ચાલોને તળાવની પાળે રમીએ ? ” નરિયા સામે જોઈને જય એ કહ્યું.
“ એનો ડોહો તો અત્યારે રેલવે સ્ટેશને હશે, કેમ નરીયા ? ” હકાએ કહ્યું. તો નરીયાએ હા પાડીને સંમતિ આપી. તો પણ તે ના માન્યો એટલે અશ્કો અકળાયો.
“ લ્યા ત્યાં તો અત્યારે કીચડ છે કેમ કરી રમાય ? ”
“ હા, અમે બધા ડોબા છીએ કે ? ” દિલો પણ અકળાયો.
“ ઓહ કીચડની બીકે નથી રમતા ? મારી પાસે નાઈકના સેન્ડલ છે કીચડ તો પાણી ભરે ! ” એમ બોલીને જય તો નાક ફુલાવવા લાગ્યો. એ જોઈને દલાથી ના રહેવાયું. નાઈકના સેન્ડલને ભૌગોલિક કારણ ના નડે ? એમ મનમાં બોલીને બે ત્રણ ફૂંફાડા માર્યા
“ ઠીક છે હવે રમવાનું બંધ મારે આજે જયના નાઈકના સેન્ડલની કમાલ જોવી છે, ચાલો બધા પાળે ” એમ બોલીને દલો તો ગર્જ્યો. એટલે અમારી રમત બંધ, અમે બધા ટોળું વળી ને ઉભા રહી ગયા. જય બધાની વચ્ચે. ધમો તો બધા સામે જોઈને બાઘો બનીને જય સામે જુએ છે. એને જોઈને જય એ થમ્સ અપની સાઈન કરી કે ધમો પણ ફોર્મમાં આવી ગયો. આગળ ધમો અને જય, અમે બધા પાછળ પાછળ તળાવ બાજુ જવા લાગ્યા. મહેલ્લા બહાર નીકળ્યા કે ટીના એ બૂમ પાડી “ અલ્યા મારી પાસે થોડા નાઈકના સેન્ડલ છે કે મને કીચડ ના નડે ? તમે લોકો જાવ હું નથી આવતો.” તે ઉભો રહી ગયો.
“ ટીના, બધાએ જવાની જરૂર નથી, ખાલી અશ્કો, ધમો અને જય જ જશે ” દલાએ કહ્યું. એટલે વળી પાછી અમારી સવારી આગળ વધી.
“ ટીનિયા હું કેમ ? ” અશ્કો પાછો અકળાયો.
“ કેમ તારી પાસે નાઈકના સેન્ડલ નથી ? ” હકાએ ટીના વતીજ જવાબ આપી દીધો.
“ શું બધા વચ્ચે ઈજ્જત કાઢે છે ? બધાને ખબર છે કે મારા સેન્ડલ અસલી નાઈકના નથી ” કહીને અશ્કો ખસી ગયો હકો, કોલર ઊંચા કરતો આગળ વધ્યો કે મેં એને ધીમો પાડ્યો અને ધીરેથી કહ્યું “ હકા બહુ ફોર્મમાં ના આય…તું જલાઈ જઈશ ” પણ માને તો હકો શેનો. એતો ડબલ કોલર ઊંચા કરતો ચાલવા લાગ્યો.
આખી ટોળીમાં બે ત્રણ સિવાયના બધા ખુલ્લા પગેજ આવતા હતા. એવું નહિ કે અમે ચપ્પલ નહોતા પહેરતા પણ ચોમાસામાં ખુલ્લા પગે રમવાનો પણ એક નિયમ બનેલો હતો. અમારી ટોળીની સવારી તળાવના કિનારે આવી ગઈ. જ્યાં અમે લોકો મિટિંગ ભરતા યાનેકી રમતા; ત્યાં તો ફૂલ કીચડ હતો. એક પછી એક બધાંના પગ જકડાઈ ગયા. આગળ જવામાં જોખમ હતું. જોકે અમે લોકો એવા ડેલિકેટ પણ નહોતા કે; કદી કીચડમાં ના રમ્યા હોય. પણ આજનો મુદ્દો ચેલેન્જનો હતો ! આથી દલો આગળ વધ્યો. અને જયને પણ આગળ કર્યો; જય તો આમેય ફોર્મમાં હતો. અને નવા નકોર લીધેલા સેન્ડલ પહેરીને આવેલો. દલોતો ઉઘાડા પગેજ હતો, આથી ચડ્યો તળાવની પાળે એના આખા પગ કીચડમાં ખુંપી ગયા. ધીમે ધીમે આગળ જઈને, જય ને પણ આવવા કહ્યું. જયે પોતે ચેલેન્જ લીધેલી એટલે ધમા સામે જોયા વગર કીચડના યુદ્ધ મેદાનમાં કૂદી પડ્યો. એ જોઈને વજો પણ કૂદી પડ્યો. આથી હકો અને નરીયો પણ ! બાકી રહ્યા હું, અશ્કો, જીગો અને ધમો. અમારી મહેલ્લાની ભષામાં ફટ્ટુઓ !
દલો તો તળાવની પાળ પર, જયને આમથી તેમ  ફેરવે છે. જય પણ સેન્ડલને કીચડમાં ફસાતા, નીકાળતા રોફે રોફે ફરે છે. એકવાર તો એના બેય પગ કીચડમાં એવા ફસાઈ ગયા કે, એક મિનિટ માટે તે કીચડમાં સ્ટેચ્યુ બની ગયો.
“ શું થયું જય ? તારું સેન્ડલ ફસાયું કે શું ? ” વજાએ બૂમ પાડી
“ ના રે ના…આ તો નાઇકના સેન્ડલ છે…કશું ના થાય ” કહીને તે પણ બધાની સાથે થઇ ગયો. બધાએ માની લીધું કે ના ભાઈ, નાઇકના સેન્ડલને કીચડમાં કશું ના થાય ! અને અમારી સવારી પાછી મહેલ્લા ભણી આવવા લાગી. જય બધાથી આગળ ને પાછળ અમે બધા. થોડો આગળ ગયો કે જય ઊંચો નીચો ચાલવા લાગ્યો. ધમાએ એને પૂછ્યું પણ કઈ બોલ્યો નહિ. હવે તો એને ચાલવામાં રીતસરની તકલીફ પડતી હોય તેવું લાગ્યું. ધમાએ ફરી વાર કહ્યું તો એણે કહ્યું કે “ સેન્ડલમાં કાંકરો ફસાયો લાગે છે ”
“ લે હું કાઢી આપું, પગ ઉપર કર તો ” ધમાએ કહ્યું અને જયે એક પગને સેન્ડલ સાથે ઊંચો કર્યો. એ જોઈને એનું મોઢું પડી ગયું.  બીજો પગ ઊંચો કરવાનું કહ્યું અને અમારી બધાની એક સાથે નજર એના પગ પર પડી. તો બનેલું એવું કે ખાલી સેન્ડલની પટ્ટી જ પગ સાથે લાગેલી હતી અને તળિયા કીચડમાં !
આ ઘટના પછી જીગો ખબર લાવેલો કે જય પછી કદી જન્માષ્ટમી કરવા નથી આવતો.

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in હાસ્યલેખ/ જોક્સ. Bookmark the permalink.

9 Responses to નાઈકના સેન્ડલ

  1. jugalkishor કહે છે:

    તમારી ટીપ્પણીમાંનો ‘વ્યતીત’ શબ્દ તપાસજો. લેખ મજાનો છે. વીશેષ મેઈલ પર.

    • રીતેશ મોકાસણા કહે છે:

      મને કશું સમજાયું નથી…તમારા ઈમેલની રાહુ જોઉં છું.
      આપને આ લેખ ગમ્યો, તે માટે ઘણી ખુશી થઇ !

  2. પિંગબેક: નાઈકના સેન્ડલ – RKD-रंग कसुंबल डायरो

  3. vimala કહે છે:

    વરસાદી કીચડની ગ્રામ્ય મજા બતાવી સાથે
    બ્રાંન્ડેડ વસ્તુ માટેની શહેરી ડંફાશની વલે (ઐસી કી તૈસી) કરી દીધી!!!

Leave a comment