ઘમ્મર વલોણું-૨૪
અંધારાને ધકેલી ને અજવાળાએ પ્રથમ પગલું ભર્યું કે જાણે આંખોની સામે ઉજીયાળું જગત દેખાયું. ઓહ, હું કેટલો બડભાગી કે ભગવાને, માનવ જગત ને આપેલ ઉત્તમ ભેટ સમી પૃથ્વી પરનો રાજ વિલાસ મને દેખાઈ રહ્યો છે. ક્યાંક વૃક્ષો તો ક્યાંક છોડો, ક્યાંક પશુ તો ક્યાંક પ્રાણીઓ દેખાય છે.
પણ કોઈને હું દેખાઉં છું ? નથી પરવા !!
ધરતી પર તો ચારેબાજુ માટી પથરાયેલી હતી. સુરજની ગરમીએ વાદળો રડ્યા ને ધરતી પર પાણી રૂપે પડયા. એ માટીમાં ક્યાંક ઘાંસ, ક્યાંક છોડ, ક્યાંક ઝાડ તો ક્યાંક અનાજ ઉગી નીકળ્યા. માટી પર કોઈના ચાલ્યા પછીની પગલાની છાપ દેખાય છે. પણ પવનની એક લેરખી એને મિટાવી પણ દે છે. તો ઉપર રિયો રિયો ધરાનો માલિક મલકાય છે. ‘ રે પવન, થોભી તો જતો હો. એ પગલાની છાપોથી તો કેડી બનશે અને અજાણ્યા લોકો ને રાહ મળશે. ’
પવન ને તો એનું માન્યા સિવાય છૂટકો નહોતો. પવન એટલું પણ ના કહી શક્યો કે, એ જ માનવો ગરમીના બફારાએ મને પ્રાર્થના કરીને બોલાવે છે. હાઈ કોર્ટ છે ને ! એની સામે દલીલ કરવાનો કોઈ અવકાશ નથી. અને પવન મનમાં ગણગણે છે “ માનવ લોકો પણ ખરા છે. કેડી જોઈ નથી કે એની પર ચાલ્યા નથી. ”
પવન વળી ચુપ થઇ જાય છે. કારણ, એ નથી ઈચ્છતો કે હાઈ કોર્ટનું કોઈ ફરમાન આવે. લોકો કેડી પર ચાલે કે નવી કેડી બનાવે, પોતે તો ચિઠ્ઠીના ચાકરથી વિશેષ કંઈજ નથી. એમ માનતો વળી પર્વતોનાં ઘેરાવમાં ભરાઈ ગયો. સાચી વાત હતી કે કેડી કોઈ અજાણ્યા રાહદારીને રાહ બતાવે છે. કેડી ક્યાંક તો જતી જ હોય. ક્યાંક તો એ અટકતી જ હોય. છતાં પણ કોઈ એવુંય કહે કે માર્ગ નહિ માનવ મંઝીલ દેખ ! ખરેખર મંઝીલ હોય છે ખરી ?
કેડી પર ચાલ્યા જાય છે માનવ અને પાછુ ફરીને જોતા નથી કે બીજું કોઈ છે. તોયે વળી બીજાને એવું કહેશે કે ઘેટાનું ટોળું; એકની પાછળ બીજું ચાલે ! જો કે એ બધું યાદ કરવાની સાથે એ પણ ના ભૂલી જઈએ કે શરમ હોય તેને કશું યાદ કરાવાય.
પવન સંગે લહેરાતો,વહેતો સુંદર લેખ.ને એ બધામાં
“પણ કોઈને હું દેખાઉં છું ? નથી પરવા !!”વાહ..!!
આપને મારા લેખ ગમે છે તેની ઘણી ખુશી છે