ભક્ત દુર્લભરાજ

                                                           ભક્ત દુર્લભરાજ
સુમસામ ગામમાં ક્યાંક તમરાનો અવાજ આવે છે તો ક્યાંક નાના છોકરા જાગી ગયા હોય તેવો રડવાનો અવાજ આવેછે.કૂતરા ભસવાનો અવાજ એમની ગામ પ્રત્યેની વફાદારીનું સબુત આપેછે. લગભગ આખું ગામ સુઈ ગયું છે.દલાભાઈ પણ ઘસઘસાટ સુઈ રહ્યા છે.પણ કોણ જાણે એમની ઊંઘમાં કોઈ ખલેલ પાડતું હોય તેમ લાગ્યું. આંખ બંધ રાખીને ચારેતરફ હાથ ફેરવ્યો પણ કંઈ લાગ્યું નહિ એટલે વળી સુઈ ગયા.વળી એજ હાલત,મનમાં વિચાર આવ્યો કે કુતરું તો ચાદર નથી ખેંચતું !   ના ના ..આજ તો પોતે ઘરમાં સુતા છે. તેઓ ચમકી ગયા.

‘ દલાભાઈ..’ ને તેઓ સફાળા બેઠા થઇ ગયા…” કોણ ..? ”

 ” હું શામળીઓ .”
 ” અલ્યા શામળ તારે કઈ વસ્તુ લેવી હતી તો સવારે આવવું હતું ”
” અરે દલભાઈ..નહિ, નહિ ભોળાભાઈ હું કૃષ્ણ, રોજ મને ભજો છો તોય ના ઓળખ્યો ?
તેઓ લગભગ ડઘાઈ ગયા , આંખો ચોળી  જોઈ છતાં અવાજ તો સ્પષ્ટ હતો.
 ” તમે જે હોય તે પણ મને આટલી રાતે મુંજવો કાં ? ”
 ” ઠીક છે સુઈ જાવ હવે નહિ પજવું…કાલે દિવસે આવીશ.”
ને અવાજ આવતો બંધ થઇ ગયો.’માળુ ગમે તે હોય મને સુઈ જવાનું કીધું પણ હવે ઊંઘ કેમ આવે ? ઉઠીને ફળી માં આવ્યા ને આકાશ સામે જોયું .સવાર ને બહુ વાર ના હોય તેમ માની પાછા ઘરમાં આવ્યા.હવે ઊંઘ તો નહિ આવે તે વાત પાક્કી હતી.કદી પોતે સ્વપના માં વિશ્વાસ નથી કર્યો ..પણ આજતો કંઈક  વિશેષ જ બની ગયું . હશે જે હોય તે એમ માની સવાર ની વિધિ પતાવી દેવાનું જ મુનાસીબ માની લાગી ગયા. મુખમાં ભગવાનનું નામ છે હરી હરી, રાધે કૃષણ કે સીતરામ ભજી લઉં… ..પાછા નિત મુજબ ભક્તિમાં તલ્લીન થઇ ગયા.

નહાવાની વિધિ પતાવીને તેઓ ઘરમાં મંદિર ની સામે બેસી ગયા ,રોજ મુજબ જરૂરી સામગ્રી પાસે રાખી લીધી. હરી નું નામ લેતા જાયછે ને ભગવાનની મૂર્તિઓ ધોતા જાય છે.રૂમાલથી સાફ કરી ને કંકુનું તિલક કરે છે ફૂલ ચડાવે છે.ભગવાન ને શણગારી લીધા પછી આરતી નો સમાન લેવા ઉભા થઈને બીજા રૂમમાં ગયા. થાળી દિવેટ ને ઘીથી તૈયાર કરીને લાવ્યા. જેવો અંદર પગ રાખ્યોકે ચમકી ગયા. મૂર્તિઓ ગાયબ છે ને અંદર કોઈ નાનું બાળક બેઠું છે .તેમને ઓળખવાનો પ્રયત્ન કર્યો ..આ કોઈ આ ગામનું બાળક નથી લાગતું ! ને તેઓ મુંજાઈ ગયા.
”  ભોળાભાઈ આવો બેસો ”
”  ભોળાભાઈ ..?? ના ના મારું નામ દલાભાઈ ” ને તેઓ સડપ થઇ ગયા.
”  એટલેજ તો મેં તમને ભોળાભાઈ કીધું..રાત્રે તમને ….”
”  અરે …અવાજ તો કોઈ પુરુષનો લાગેલો …પણ મેતો સપનું માની ને ભુલાવી દીધું ..પણ છોકરા તું અહી કેમ આવ્યો છે ..તારા બાપુ ઘરે હોય તો એમનેજ મોકલ્યા હોત ”

”  ઠીક , લો ત્યારે હું એમને મોકલું તમે આરતી ની તૈયારી કરો .”

 ” હા ..”  ને તેઓ થાળી માં દિવેટ ગોઠવીને માચીસ લેવા મંદિર તરફ ફર્યા ત્યાં તો લગભગ પડી ને મૂર્છા પામી જાત પણ તેમ ના થયું પ્રભુએ એમનો હાથ પકડી ને બેસાડ્યા .

 ”  ગભરાવ નહિ હું પોતેજ તો બાળક હતો ને રાત્રે મેજ તો તમને આજે આવવાનું કહેલું ..હુજ તમારો શામળીઓ હુજ તમરો કાન ..રામ ..ને હરી ” પણ દલભાઈ તો બાઘાની જેમ આંખનું પણ મટકું માર્યા  વિના એમની સામે જોઈજ રહ્યા છે

”  કોઈ શંકા છે ભગત? ”

”  શું કહું કે શું કરું તેજ તો સમજાતું નથી મારીતો મતિ પણ ક્યાં છે ને કેવી છે! ”

”  બહુ લાંબુ ના વિચારો હું પોતેજ કૃષ્ણ છું તમારી ભક્તિ કરવાની રીત ને તમારી સાદગીથી હું અંજાઈ ગયો છું ..મને એ નથી સમજાતું કે વર્ણન કેમ કરું …તમે ભક્તિ કરો ત્યારે હું જો વાંસળી વગાડું તો એના સુર બેસુરા બની જાય છે …ગાયો પણ જે વાંસળી સાંભળી ને બેસી રહેતી તે પાછી ચરવા લાગી જાય છે. “

”  અરરે …નક્કી મારું મોત નજીક છે …આ ઘોર કળયુગમાં ભગવાન અને એ પણ મારા જેવા સામાન્ય માણસ ને દર્શન દે ! નક્કી હું પડી જઈશ “

”  તમે દ્વિધા માં ના પાડો …તમે નથી ચાહતા કે હું ને તમે વાતો કરીએ ..? જો તમને હું આવ્યો તે ના ગમ્યું હોય તો હવે કદી નહિ આવું બસ ..ખાતરી “

”  ના ના આ દલભાઈ નું ઘર છે અજાણ્યો પણ પાણી વગર નથી જતો લો હું પાણી લઇ આવું ”
”   આવો ત્યારે રૂમનો દરવાજો બંધ કરી દેજો.”  ભગવાને વિનંતી કરી પણ એતો રૂમમાં થી પાણીયારા તરફ નીકળી ગયા આવીને દરવાજો બંધ કર્યો ..ને એમને પાણી આપ્યું.

”  લો પાણી તો પીતા  જાવ ”

”  લાવો …”    ને એક સેકંડમાં તો પ્યાલો ખલાસ ” બીજું મળશે ??”

”  જરૂર ” ને તેઓ બીજો પ્યાલો ભરી આવ્યા. ને બીજો પણ કાચી સેકડ માં ખલાસ.ત્રીજો પ્યાલો તે , પછી…આખું મટકું જ લઇ આવ્યા તો સીધું મટકું ઉપાડી ને ખાલી કરી નાખ્યું …ને ત્યાં તો દલાભાઈ એમના પગમાં પડી ગયા.

”  મને માફ કરો પ્રભુ મેં તમને ઓળખવામાં ભૂલ કરી…તમેજ મારા શામળિયા તમેજ મારા હરિ ને તમેજ મારા રામ, પ્રભુ !…ને તેમની આંખો ભગવાન ના પગ પખાળી રહ્યા હોય તેમ વર્ષી રહી છે.

”  તમારો કે તમારી આંખો નો કોઈ દોષ નથી, ઉભાથાવ ભક્ત રાજ ! તમારું સ્થાન મારા પગમાં નહિ પણ મારા હૃદય માં છે ” ને ભગવાને દલાભાઇને ગળે લગાડી દીધા.

મંદિર માં ઝાલરનો રણકાર,નગારાની દાંડી નો ઘમકાર,ને ટોકરી ના ટનકાર નો અવાજ સર્વત્ર વ્યાપી ગયો.  ચારેકોર અગરબત્તી ,ફૂલ,સુખડ, ગૂગલ ના ધૂપ ની સુગંધ ફેલાઈ ગઈ. ભક્તિમય વાતાવરણમાં એક નવો જોમ આવી ગયો. હાથ જોડીને દલાભાઈ ઊભાછે, લગભગ અવાચક જેવા બની ગયા છે. પણ રૂદીઓ  તેમનો  કુદકા મારી રહ્યો છે, મનમાં ખુશી ની કોઈ સીમા નથી. બંને આંખો ને પલક પણ માર્યા વગર ભગવાન ની સામે લગાવી દીધી છે. એક મટકું પણ એક વર્ષની ભક્તિની  ખોટ અપાવે તેવું તેમને લાગ્યું. મન ધરાય એટલું તેમને ધરીને જોઈ લેવા છે આજ. વળી આ આયખાનું બળ્યું કોઈ ઠેકાણું નહિ !  ત્યાંતો તેમની આંખો ને ખલેલ પડતા પ્રભુએ કહ્યું ” મને હવે જવાની રાજા આપો રૂખું મારી રાહ જોતા હશે “

”  પ્રભુ , તમને તો વળી રોકવા વાળો હું કોણ ? પણ અંતર હજી અધૂરું રહી જતું હોય તેમ લાગેછે .. મારા હરિ, આ ફરિયાદ નથી પણ અભિલાષા છે “

”  ફિક્કા ના પડો..હવે હું તમને મળવા અવારનવાર આવતો રહીશ ” ને તેઓ આગળ વધ્યા કે તેમના ચરણ અટકી ગયા. પાછા વળી ને ફરી બોલ્યા .

”  મને વચન આપો કે આપની મુલાકાત ની વાત તમે કોઈને પણ નહિ કહો ..તમારા  ઘરે પણ નહિ ! ને જયારે હું આવું ત્યારે તમારે દરવાજો બંધ રાખવો કે આપણને કોઈ ખલેલ ના પાડે ”

”  ભલે તમે કહો તેમજ થશે.”

ને તેમણે પ્રભુ તરફ દ્રષ્ટિ કરી પણ …તેમનો ચહેરો વિલાઈ ગયો.તેઓતો અંતર્ધ્યાન થઇ ગયા ને મંદિર માં મૂર્તિઓ દેખાઈ. આમજ હવેતો પ્રભુ અવાર નવાર તેમને મળવા આવે છે ને બંને વાતોમાં મશ્ગુલ થઇ જાય છે. આવીજ રીતે આજે પણ બંને વચ્ચે વાત નો દોર ચાલી રહ્યો છે.

”  મને એક વાતનો જવાબ આપો , હું દર વખતે અલગ અલગ રૂપ લઈને હાજર થાઉં છું ને પછીજ અસલ રૂપમાં આવું છું . છતાં તમેતો મને તરત તો ઓળખી જાવ છો. ક્યારેક બાળક , ક્યારેક વૃદ્ધ તો વળી સાધુ કે ભિખારી ને ક્યારેક વળી સ્ત્રીના રૂપમાં “

”  હું કોઈ અંતર્યામી નથી પ્રભુ કે નથી કોઈ મારામાં શક્તિ ..પણ ગમે તેમ હોય એકવાર જે ઠોકર પગમાં ચીરા પાડે તેવી ખવાઈ પછી મારી આંખો હવે સાથ આપતી થઇ ગઈ છે મને ખબર છે કે તમે દર વખતે અલગ અલગ રૂપ લો છો મને પારખવા.પણ મારા મંદિરમાં મારા હરિ સિવાય કોણ આવે ? ” 

”  તમે દલભાઈ નહિ પણ આજથી હું તમને ભક્ત દુર્લભરાજ કહી ને બોલાવીશ ”

”  તમે દલો કહો , દલભાઈ કહો ભક્ત કહો કે ભૂદર ”

”  વાહ! તમે મારા દુનિયા માં વસતા અનેક ભક્તોમાં નિરાળા છો ને તેથીજ તો દુર્લભ ! ”

ને આમ બંને વચ્ચે વાતનો દોર ચાલે છે .પણ દલાભાઈ બિચારા શું વાત કરે ?પ્રભુ કઈ કહે તે સાંભળે છે. કદાચ બે ચોપડી ભણીને બાપને ખેતી કામમાં મદદ કરવા હળે જોડાઈ ગયા. ચોમાસા માં ચાર મહિના ખંત થી મહેનત કરે. ” હરિ તારા નામ છે હજાર……….બહુ રે થયું રે હવે બહુ રે થયું…. જેવા ભજનો ગાતા જાય છે. મન ખેતીમાં ને દિલ ભક્તિ માં છે. તેમણે તો ‘ હાથ વડે કરો ઘરના કામ, મુખથી ભજવા શ્રીગોપાલ .’ને જાણે જીવન મંત્ર બનાવ્યો હોય તેમ અનુસરે છે. કોઈની વાત ને કાપવી નહિ કે કોઈને ખરાબ લાગે તેવું બોલવું નહિ. બને તો ગુસ્સો થુંકી નાખવો. કોઈનું સારું ના થઇ શકે તો ઠીક પણ કોઈનું ખરાબ ના થાય તેની કાળજી રાખતા.વહેલી પરોઢે ઉઠી ભજન ગાય ને કામ કરતા હોય આજુબાજુ ના લોકો તેમના ભજનના અવાજને એલાર્મ ગણી ને ઉઠતા.

            હું ભટકાયો ધરણી પર, મને મતિ ના સુજે  કોઈ ;

            ભાતભાતના ભોજન પડ્યા ચિતડું ચકરાવે જોઈ;

            નિત નવા લોકો મળતા સૌની બોલી નોખીનોખી;

            ભીડ ભક્તોની જામી હરિ તારા મંદિરમાં અનોખી;

            જનમ જનમના ફેરા આતો લેખ લલાટે લખાણા રે

           હરિને ભજતા ભજતા મારે કરવા એના  વખાણા રે;

           દાસ દલો કહે આજ વાલા મારા અંતરે દીપ પ્રકટો

           લાખ ચોરાશી ફેરા માટે મને મારગે જ તમે અટકો….. હું ભટકાયો ધરણી પર,

ભજન ગવાયછે સમય ની કોઈ મર્યાદા નથી.દીકરો પણ હવે જવાબદારી સંભાળતો થઇ ગયો છે. દીકરી સાસરે વળાવી દીધી, ને. તેમના પત્ની નું નામ દયા, ને નામ તેવા ગુણ , સાદા ને સરળ. કદી પતિની ભક્તિમાં આડ અસર નહોતા પાડતા. ને સંતો કહેશે કે, બીજાને સારી રીતે ભક્તિ કરવા દેવી એ પણ એક ભક્તિનો પ્રકાર છે. ઘરમાં ખાવા વાળા ત્રણ ને  એની સામે બે ખેતર . ખાધે ખૂટે તેમ નહોતું ને કોઈ કહી જાય તેમ નહોતું આથી દલાભાઈને ભક્તિ કરવા માટે મોકળો મારગ મળી ગયો. ને હવે તો પ્રભુ પણ હાજરા હજૂર. કહેવાયું છે તેમ ‘ દલાભાઈની દશે આંગળી ભક્તિમાં ’.

”  દરેક ભક્તને કસોટીમાંથી પાર પડવું પડેછે ..તમને ખબર છે એ ? ”

”  હા હું સારી રીતે જાણું કે કસોટી વિના ભગવાન કઈ રીઝે નહિ. પણ હુંતો ઘણો ભાગ્યશાળી !”

”  જો મીરાએ ઝેર પીધું, નરસિંહ મહેતા જેલમાં પુરાયેલ , પ્રહલાદને ધકધકતા સ્તંભને પકડેલો ને ધ્રુવ એક પગે વર્ષો સુધી તપ કર્યું ત્યારે સર્વોને ભગવાને દર્શન દીધા !..હા પણ તમે કેમ ભાગ્યશાળી? “

”  એટલેકે તે બધાએ તો ઘોર તપ કે આકરી કસોટીનો સામનો કર્યો ત્યારે ભગવાન પધાર્યા ને ક્ષણિક દર્શન આપી જતા રહ્યા ,પણ મારો હરી મને અવાર નવાર આવીને દર્શન સાથોસાથ વાતો પણ કરે છે. “

”  કારણ તમને ખબર છે કેમ ? ”

”  હું એટલું બધું ભણ્યો નથી કે મને વધુ કઈ ગતાગમ નથી ”    

”  કારણ,લગભગ બધા કઈ ને કઈ પામવા માંગતા હતા ને કઈ ને કઈ સ્વાર્થ હતો , જયારે તમે કઈ તો માંગ્યું નથી પણ ઉલટાનું મને કૈક આપો છો, આતો હું તમારો ઋણી થતો જાઉં છું.”

”  એ બધું છોડો પણ મને એક વાત સમજાવો કે આ દુનિયામાં કેટલા લોકો ઘર વિહોણા કે કપડા કે પુરતું ખાવાનું પણ નથી ..ને મંદિર માં તમને છપ્પન ભોગ ધરાવાય છે ને છતાં એ કોણ ખાય છે ? ભગવાન તમે તો તમારા ભોજન નો પ્રબંધ કરી શકો છો.પણ એ ભૂખ્યા લોકો નું કેમ કઈ વિચારતા નથી ? “

” તમારું પૂછવાનું એકદમ વ્યાજબી છે. પણ આજ સુધી મેં એવી અપેક્ષા નથી રાખીકે મને છપ્પન ભોગ ધરાવે ..તો રહી વાત ભૂખ્યા લોકોની …તો ‘કીડીને કણ ને હાથીને મણ ‘ની વ્યવસ્થા પ્રમાણે બધું ચાલે છે પણ તમને ખબર છે કે મનુષ્ય એટલો હોંશિયાર  થતો જાય છે કે.. જેને બનાવ્યો તેનેજ બનાવે છે. “

”  પણ તમે એને બનાવ્યો તો જતન કરવાનું કેમ ભૂલી જાવ છો..? ”

”  લાગે છે તું  શિવજી વાળી વાત ભૂલી ગયો છે ..’એક વાર ખાવું ને ત્રણ વાર ન્હાવું ‘ યાદ છે ? ”

”  હા યાદ છે …  પ્રભુ  બરાબર યાદ છે, એક નાનકડી અરજ છે જો માન્ય રાખો તો ? ”

”  તમને લાગુ પડતી કોઈ પણ વાત માટે હું બંધાયેલો છું પણ બીજાની તરફદારી હોય તો ભક્તરાજ મને ક્ષમા કરજો “

”  તમે તો મને આગળ વધતો જ અટકાવી દીધો ..હવે શું કહું ? ”

”   તમારા મનને જાણી ગયો એટલે જ તો ..દુર્લભરાજ તમે ફક્ત તમારી દુનિયા માં મસ્ત રહો ..તમને ખબર છે,તમે એકવાર પણ એમ કીધું કે તમને હું અવાર નવાર મળું છું તો , તેઓ નહિ માને . તેઓ પરચા માંગશે, પ્રમાણ માંગશે ને જ્યાં સુધી આંખથી જોઈ નહિ લે ત્યાં સુધી નહિ માને.માટે ભૂલી જાવ એમાંજ મારીને તમારી ભલાઈ છે ” 

એમ કહી ને હરી તો નીકળી ગયેલા. પણ કહેવાય છે કે ‘અતિની કોઈ ગતિ નહિ’,  ભક્તિ ને સાદાઈથી જીવતા દુર્લભરાજથી ભૂલમાં એકવાર બોલાઈ ગયુ કે પ્રભુ તેમની સાથે વાતો કરવા આવે છે. ને પછી તો ખલ્લાસ ગામ આખું એમની પાછળ પડી ગયુકે અમને પણ દર્શન માટે લાભ અપાવો.પણ પ્રભુ એમ કઈ રસ્તામાં નથી પડ્યોકે બધાને એમ મળતો રહે ! છતાં એકવાર તેમને પૂછી જોયું પણ પ્રભુએ વચન યાદ દેવરાવ્યું.

”  એક વાત કહું પ્રભો ? ”

”  બોલને ..”

”  મેં તમને દર્શન આપવા માટે કોઈ અરજ કે કાલાવાલા કરેલા? ”

”   ના નહિ …મને લાગે છે હવે આપણો સંગ બેઘડી નો થઇ જશે. તમારા માં હવે હું નો હાવ મને સંભળાતો હોય તેમ લાગે છે .”

”  અરે મહારાજ એવું ના બોલો ….તમારા સાથે વાત કરવાનું વ્યશન જો થઇ ગયું છે ! ”

”  તો ભૂલી જાવ ને થૂંકી નાખો બધા વિચાર ”

પણ ખબર નહિ દુર્લભરાજને હવે તો ભગવાન ના દર્શન માટે ખુબ દબાણ આવવા લાગ્યું .ને એક દિવસ એવો પ્લાન કર્યો કે બધા તેમને જોઈ શકે . ગામ આખું આજ ભગતના ઘરે એકઠું થયું ને દર્શન કરવા તલપાપડ હતું.

બધાની વચ્ચે ભગવાન આવ્યા ખરા પણ આજ એમનું મુખ કરમાયેલું હતું ,કોઈ પણ વાત કર્યા વિના સુમસામ બેસી ગયા કે દુર્લભરાજ શાંત ના રહી શક્યા.

”  પ્રભુ આજ કાં આમ ઉદાસ છો ? માતાજી સાથે કઈ અણબનાવ બન્યો કે શું ? કંઈ તો કહો મારા વાલા..મને આમ મુંજવો  નહિ ” તે ચુપ રહ્યા એટલે ફરી પૂછ્યું

”   હવે હું તમને કદી નહિ સતાવું ..આજ આપણી છેલ્લી મુલાકાત છે. ”

”  નહી ……” ને તેઓ હરિના પગમાં પડી ગયા”

ગામ આખું તમાશો જોવે છે પણ કંઈ સમજાતું નથી.

“ ઉઠો ઉભો થાવ ગામ આખા સામે આમ મને કરગરો એ મારા માટે શોભાયમાન નથી… જાવ જઈને પાણી લઇ આવો આજ છેલ્લી વાર તારા હાથનું પાણી પી લઉંને બધાને કહેજો કે હુજ આ પાણી બધું પીવું છું ..જાવ તમારી પણ જીદ આજ પૂરી કરી દવ ” ને ગામ આખું ફક્ત માટલામાંથી પાણી ઓછું થતું  જોઈ શક્યું, પણ દુર્લભરાજ ફરી બીજી વાર હરિને ના જોઈ શક્યા !

(નોંધ: આખી વાર્તા કે ભજન સાથે કોઈને કોઈ લાગ વળગતો નથી, આ કોઈ બનેલ બનાવ કે સાચી હકીકત નથી ફક્ત મારી કલ્પના ને અહીં રજુ કરી છે)

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

3 Responses to ભક્ત દુર્લભરાજ

  1. Dhananjay Dave કહે છે:

    Even its imagination..really great work of creation.. hoping more like this …

  2. darshna8389 કહે છે:

    પ્રભુને પામવા ગોપીભાવ હોવો જરૂરી છે.શ્રી કૃષ્ણ ગોપીભાવ થી રાજી થાય છે.દુર્લભરાજ અને ભગવન ની અદભૂત કલ્પના….!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s